ચાર અવકાશયાત્રી સાથેનું રોકેટ ISS ભણી રવાના થયું…

અમેરિકાના ચાર અવકાશયાત્રી સાથેનું ફાલ્કન-9 રોકેટ 15 નવેમ્બર, સોમવારે ફ્લોરિડામાં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા NASAના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી અવકાશભણી રવાના થયું હતું. તરત જ એ સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચી પણ ગયું હતું.

આ રોકેટ 27-કલાકની અવકાશી યાત્રા પૂરી કર્યા બાદ આવતીકાલે સવારે લગભગ 9.30 વાગ્યે NASAના મોડ્યુલર અવકાશી મથક અથવા કૃત્રિમ સેટેલાઈટ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચશે. અવકાશી, વૈજ્ઞાનિક, પર્યાવરણીય, ખગોળવિજ્ઞાન, એસ્ટ્રોબાયોલોજી ક્ષેત્રોમાં સંશોધનના હેતુથી બનાવવામાં આવેલું ISS એક સ્પેસ રિસર્ચ લેબોરેટરી છે. આ રોકેટ ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની સ્પેસએક્સનું છે.

ગઈ કાલે લોન્ચ કરાયેલી રોકેટને ‘ક્રૂ-1 મિશન’ નામ આપવામાં આવ્યું છે. મિશન પર ગયેલા ચાર અવકાશયાત્રીઓ છેઃ માઈક હોપ્કિન્સ (51) મિશન કમાન્ડર અને અમેરિકન એરફોર્સ કર્નલ, સોઈચી નોગુચી (55) જાપાની એરોનોટિકલ એન્જિનીયર, શેનન વોકર (55) અમેરિકન ફિઝીસીસ્ટ, વિક્ટર ગ્લોવર (44) નેવી પાઈલટ.

સ્પેસએક્સ કંપનીએ બનાવેલા રોકેટની આ પહેલી જ ઓપરેશનલ ટ્રિપ છે.

NASAનું સ્પેસ શટલ 2011માં સેવાનિવૃત્ત થયા બાદ તેણે ‘કમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ’ અંતર્ગત સ્પેસ સ્ટેશન માટે નવી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ બનાવવા માટે સ્પેસએખ્સ અને બોઈંગ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યા હતા.