અણુસબમરીન ‘વાગીર’નું જલાવતરણ, ભારતીય નૌકાદળની તાકાત વધી…

ભારતીય નૌકાદળની સ્કોર્પીન-વર્ગની પાંચમી સબમરીન ‘વાગીર’ને 12 નવેમ્બર, ગુરુવારે મુંબઈમાં મઝગાંવ ગોદી ખાતે લોન્ચ કરવામાં આવી. ફ્રેન્ચ ડિઝાઈનવાળી આ અણુ-સબમરીનને ‘મેક ઈન ઈન્ડિયા’ સંકલ્પ અંતર્ગત સ્વદેશી ટેક્નોલોજી વડે ભારતમાં બનાવવામાં આવી છે. આ સબમરીનનું અરબી સમુદ્રમાં જલાવતરણ કરાતા ભારતીય નૌકાદળની તાકાત વધી ગઈ છે.

સંરક્ષણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન શ્રીપાદ નાઈકના પત્ની વિજયા નાઈકે પરંપરાગત શ્રીફળ વિધિ અનુસાર સબમરીનને લોન્ચ કરી હતી. આ પ્રસંગે ભારતીય નૌકાદળના વાઈસ-એડમિરલ અને પશ્ચિમી નૌકા કમાન્ડના વડા આર.બી. પંડિત તથા નૌકાદળના અન્ય અધિકારીઓ અને જવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિંદ મહાસાગરની શિકારી માછલી ‘વાગીર’ના નામ પરથી આ સબમરીનનું નામ રાખવામાં આવ્યું છે.

ફ્રાન્સના નૌકાદળ સાથે ભારતીય નૌકાદળે કરેલા સહયોગ મુજબ ફ્રાન્સ પાસેથી ભારતને કુલ 23,000 કરોડના ખર્ચે સ્કોર્પીન વર્ગની છ સબમરીનો પ્રાપ્ત થવાની છે. આમાં ચાર મળી ચૂકી છે – આઈએનએસ કલવારી, ખંડેરી, કરંજ અને વેલા.

સબમરીન વાગીરની ખાસિયત એ છે કે તે સમુદ્રની અંદર ગુપચુપ રીતે દુશ્મનનો પતો લગાવવાની ક્ષમતા ધરાવે છે. તે ઉપરાંત સમુદ્રમાં સુરંગ બિછાવવા, અણુશસ્ત્ર વડે હુમલો કરવા, દુશ્મનોની સબમરીન પર અને સબમરીનમાંથી દરિયાની સપાટી પરના દુશ્મન લક્ષ્યાંકને તોડી પાડવા અને ક્ષેત્રીય જાસુસીમાં પણ કુશળ છે.

મઝગાંવ ડોકમાં આ સબમરીનને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે.