ગુજરાતમાં 24 કલાક ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ

અમદાવાદ: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રમાં ગોવા અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટશે. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવાં જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે. જોકે, આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે, વીજળીના કડાકા-ભડાકા અને મધ્યમ વરસાદની શક્યતા છે.

છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. શહેરમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટું પડવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સંપૂર્ણ સૂકું થઈ જશે. જોકે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં આગામી 6 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહેશે.