ગિરનાર રોપવેનો 20,000થી વધુ પ્રવાસીઓએ લાભ લીધો

જૂનાગઢઃ  એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનો તેનો આરંભ કરાયાના પહેલા 15 દિવસમાં 20,000થી પણ વધુ મુસાફરોએ લાભ લીધો છે. હાલ દિવાળીનો સમય છે એટલે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થશે તેવી સંચાલકો દ્વારા આશા રાખવામાં આવી છે. વળી, દર વખતે દિવાળી પછી દેવઊઠી અગિયારસે લીલી પરિક્રમા શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ જુદી છે. કોરોના કાળ ચાલી રહ્યો છે. તેથી પ્રવાસીઓ આવશે કે કેમ એ વિશે આશંકા છે.

ભવનાથ તળાવનો અદભુત નજારો

રોપ-વેના લોઅરથી અપર સ્ટેશન વચ્ચેનું અંતર 2126.40 મીટર છે. રોપ-વેની ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા બાદ ગિરનાર જંગલ તથા પથ્થરોની શિલાઓ પરથી પસાર થાય છે. રોપ-વેની સફર દરમ્યાન ગિરનારની પર્વતમાળામાં ફેલાયેલી લીલી વનરાજી તેમ જ ગિરનારની બાજુમાં આવેલા હસ્નાપુર ડેમ શહેર અને ભવનાથ તળાવનો અદભુત નજારો જોવાનો તેમ જ રોમાંચનો અનુભવ થાય છે.

લોઅર-સ્ટેશનથી ટ્રોલીને અપર સ્ટેશન સુધી પહોંચતા સાડા છથી સાત મિનિટ થઈ હતી. જ્યારે અપર સ્ટેશનથી પરત લોઅર સ્ટેશન સુધી આવવા માટે પાંચથી છ મિનિટનો સમય લાગે છે. આમ પગથિયાં ચડી જતાં ચારથી પાંચ કલાક માત્ર જવામાં જ થાય છે. તે રોપ-વેમાં માત્ર ૧૫ મિનિટમાં આવ-જા થઈ શકે છે.