કોરોનાથી મરણાંક 50,000; બ્રિટન યુરોપનો પહેલો દેશ

લંડનઃ બ્રિટન યુરોપનો પહેલો એવો દેશ બની ગયો છે, જ્યાં કોવિડ-19 સંબંધિત 50,000થી વધુ મોત થયા છે. વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું છે કે અમે દર વખતે કોરાને કારણે થતા મોત પર શોક મનાવીએ છીએ. આ સપ્તાહ દરમ્યાન બ્રિટનમાં 22959 નવા રેકોર્ડ કેસો નોંધાયા હતા, જેની સાથે કુલ 12,56,725 લોકોના કોરોના વાઇરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, એમ સરકાર દ્વારા સત્તાવાર જાહેર થયેલા આંકડા જણાવે છે.

ગઈ કાલે આ વાઇસના સંક્રમણને કારણે 595 લોકોનાં મોત થયાં છે, જેથી અમેરિકા, બ્રાઝિલ, ભારત અને મેક્સિકો પછી બ્રિટન કોરોના વાઇરસને કારણે થયેલા મોતનો આંકડો 50,000ને પાર કરનાર વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે અને યુરોપનો પહેલો દેશ બન્યો છે. આપણે હજી કોરોનાની ચુંગાલમાંથી બહાર નથી આવી શક્યા. દરેક મોત એક ટ્રેજડી છે. આપણે દરેક મોત પર શોક વ્યક્ત કરીએ છીએ અને અમારી સંવેદનાઓ તેમના પરિવારો અને મિત્રો સાથે છે, એમ જોન્સને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ એક વૈશ્વિક રોગચાળો છે અને આ વર્ષના અંત સુધી વેક્સિન તૈયાર થવાના ન્યૂઝ છે. જોકે તેમણે કહ્યું હતું કે ફાઇઝર, બાયોએનટેકની વેક્સિન માટે પ્રારંભિક દિવસો છે. તેમણે લોકોને આગ્રહ કર્યો હતો કે કોરોના વધુ પ્રસરે નહીં એટલા માટે લોકડાઉનના નિયમોનું સખતાઈથી પાલન કરે. યુકે સરકારે લોકોના ટેસ્ટિંગની ક્ષમતાઓનું વિસ્તરણ કર્યું હતું. અમે લેટેસ્ટ ટેસ્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ યુકેના આરોગ્યપ્રધાને કહ્યું હતું.