માનસિક તાણને કારણે અભિનેતા આસીફ બસરાની આત્મહત્યા

શિમલાઃ 2020નું વર્ષ બોલીવૂડ માટે અનેક દુઃખદ ઘટનાઓવાળું બની રહ્યું છે. આ વર્ષમાં એક વધુ બોલીવૂડ અભિનેતાએ જીવન ટૂંકાવ્યું છે. અભિનેતા આસિફ બસરાએ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાલામાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

‘પરજાનિયાં’, ‘બ્લેક ફ્રાઈડે’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘ક્રિશ 3’, ‘એક વિલન’, ‘મંજૂનાથ’, ‘જબ વી મેટ’, ‘કાઈપો છે’ જેવી હિન્દી ફિલ્મો, રાષ્ટ્રીય એવોર્ડવિજેતા ગુજરાતી ફિલ્મ ‘રોંગસાઈડ રાજુ’, અમુક ટીવી સિરિયલો તથા ‘પાતાલ લોક’, ‘હોસ્ટેજીસ’ જેવી વેબસિરીઝ અભિનય કરનાર આસિફ બસરા છેલ્લા ઘણા વખતથી ડિપ્રેશનમાં હતા અને માનસિક તાણથી કંટાળીને એમણે આત્મહત્યા કરી હોવાનું મનાય છે. પોલીસના જણાવ્યા મુજબ, બસરા આજે સવારે એમના પાલતુ શ્વાન સાથે વોક પર નીકળ્યા હતા, બાદમાં ઘેર જઈને શ્વાનના પટ્ટાથી જ ગળાફાંસો ખાઈ લીધો હતો.

53-વર્ષીય બસરાએ મેક્લોડગંજમાં ગિલબાડા રોડ સ્થિત એક એમના ઘરમાં આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે મૃતદેહને કબજામાં લઈને તપાસ આદરી છે. બસરા છેલ્લા પાંચ વર્ષથી મેક્લોડગંજમાં ભાડાના મકાનમાં રહેતા હતા. એમની સાથે એક વિદેશી પ્રેમિકા પણ હતી. બંને જણ લિવ-ઈન રિલેશનશિપમાં હતા.