નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નબળું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD)એ પોતાના પ્રારંભિક અંદાજમાં ઘટાડો કરતાં જણાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સામાન્ય વરસાદના માત્ર 90 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. એપ્રિલમાં વિભાગે 92 ટકા વરસાદનો અંદાજ વ્યક્ત કર્યો હતો, પરંતુ હવે તેને ઘટાડવામાં આવ્યો છે. જો આ આગાહી સાચી સાબિત થાય તો 2015 પછીનો આ સૌથી સૂકા ચોમાસાનો મોસમ બની શકે છે. 2015માં દેશમાં સામાન્ય કરતાં માત્ર 86 ટકા વરસાદ નોંધાયો હતો. છેલ્લાં 20 વર્ષમાં માત્ર 2009, 2014 અને 2015 એવાં વર્ષો રહ્યાં છે જ્યારે ચોમાસાનો વરસાદ 90 ટકાથી નીચે રહ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ વખતે વરસાદ ઓછો રહેવાનું મુખ્ય કારણ અલ નિનો (El Niño) બની શકે છે. પ્રશાંત મહાસાગરમાં સર્જાતી આ હવામાન પ્રણાલી દેશના ચોમાસાને નબળું બનાવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વર્ષે અલ નિનોની અસર ખૂબ જ મજબૂત હોઈ શકે છે અને તેની અસર આગામી વર્ષ સુધી પણ જોવા મળી શકે છે. IMDના જણાવ્યા મુજબ જૂનમાં અલ નિનોની અસર ઓછી રહેશે, પરંતુ જુલાઈ અને ઓગસ્ટમાં તે મધ્યમ સ્તરની અને સપ્ટેમ્બરમાં વધુ મજબૂત બની શકે છે. બીજી તરફ ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) તરફથી પણ ખાસ મદદ મળવાની શક્યતા નથી. અગાઉ ધારણા હતી કે IOD સકારાત્મક રહેશે, જે અલ નિનોની અસરને થોડા અંશે સંતુલિત કરી શકે, પરંતુ હવે સમગ્ર ચોમાસા દરમિયાન તે સામાન્ય રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

છેલ્લાં કેટલાંક વર્ષો ભારત માટે ચોમાસાની દ્રષ્ટિએ સારાં રહ્યાં છે. છેલ્લાં સાત વર્ષમાંથી પાંચ વર્ષ સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. આવા સંજોગોમાં આ વર્ષનું નબળું ચોમાસું તે સારા સમયગાળાનો અંત લાવી શકે છે.જોકે હાલ ચિંતા કરવાની ખાસ જરૂર નથી. ગયા વર્ષે સારા વરસાદ અને સારી ખેતીને કારણે દેશના અનાજ ભંડાર અને જળાશયોમાં પૂરતો જથ્થો અને પાણી ઉપલબ્ધ છે. તેથી તાત્કાલિક કોઈ મોટું સંકટ સર્જાવાની શક્યતા ઓછી છે.



