નવી દિલ્હીઃ આંદામાન સમુદ્રમાં શોધખોળ ચલાવી રહેલી સરકારી કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL)ને કુદરતી ગેસનો વધુ એક મોટો ભંડાર શોધવામાં સફળતા મળી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મહત્વપૂર્ણ શોધની સત્તાવાર જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીએ ‘X’ પર આ સિદ્ધિ અંગે માહિતી આપતાં આંદામાન સમુદ્રને “ઊર્જા તકોનો મહાસાગર” ગણાવ્યો અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ શોધ ભારતની ઊર્જા આત્મનિર્ભરતા વધારવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
કિનારાથી 15 કિમી દૂર અને 355 મીટર ઊંડા પાણીમાં ડ્રિલિંગ
આ મહત્વપૂર્ણ ગેસ ભંડારની શોધ આંદામાન બેઝિનમાં ચાલી રહેલા વર્તમાન અન્વેષણ અભિયાન હેઠળ કરવામાં આવી છે. ગેસની હાજરી ‘શ્રી વિજયપુરમ-3’ (Sri Vijayapuram-3) નામના એક્સપ્લોરેટરી કૂવામાં મળી છે. આ કૂવો આંદામાન દ્વીપસમૂહના પૂર્વીય કિનારાથી લગભગ 15 કિલોમીટર દૂર સમુદ્રમાં ખોદવામાં આવ્યો છે. તેની ડ્રિલિંગ 355 મીટર ઊંડા પાણીમાં કરવામાં આવી હતી.
ઇઓસિન (Eocene) ફોર્મેશનમાં 1900 મીટરથી વધુ ઊંડાઈએ કરાયેલા પ્રારંભિક ઉત્પાદન પરીક્ષણ દરમિયાન સતત ફ્લેરિંગ જોવા મળ્યું, જેને કારણે કુદરતી ગેસની હાજરીની પુષ્ટિ થઈ છે.
ગેસની ગુણવત્તા અને ઉત્પત્તિ અંગે તપાસ શરૂ
ઓઇલ ઇન્ડિયા લિમિટેડ હાલમાં આ ભંડારમાંથી મળનારી ગેસની ગુણવત્તા અંગે વધુ વૈજ્ઞાનિક તપાસ કરી રહી છે. કંપની ગેસના નમૂનાઓ એકત્રિત કરીને તેની રચના (Composition) અને કેલોરિફિક વેલ્યુનું મૂલ્યાંકન કરી રહી છે. એ સાથે જ ગેસની ઉત્પત્તિ અને તેના નિર્માણના ઇતિહાસને સમજવા માટે આઇસોટોપ અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ શોધ ખાસ મહત્વની છે, કારણ કે આંદામાન બેસિનમાં ઓઇલ ઇન્ડિયાના વર્તમાન અભિયાન હેઠળ ખોદાયેલા ત્રણ શોધકૂવાઓમાંથી આ બીજો કૂવો છે જ્યાં હાઇડ્રોકાર્બનની હાજરી નોંધવામાં આવી છે.
Congratulations @OilIndiaLimited !
An ocean of energy opportunities reinforced in the Andaman Sea!
Very happy to report the presence of natural gas in Sri Vijayapuram-3 an exploratory well drilled by Oil India Ltd. 15 km off the east coast of the Andaman Islands at a water… pic.twitter.com/j6QvWqZkFx— Hardeep Singh Puri (@HardeepSPuri) June 5, 2026
વડા પ્રધાન મોદીના ‘સમુદ્ર મંથન મિશન’ને મોટો વેગ
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે આ શોધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ 2025ના રોજ જાહેર કરેલા રાષ્ટ્રીય ડીપ-વોટર એક્સપ્લોરેશન મિશન એટલે કે ‘સમુદ્ર મંથન મિશન’નાં લક્ષ્યોને આગળ વધારવામાં મદદરૂપ થશે. આ મહત્ત્વાકાંક્ષી મિશન હેઠળ દેશના ઓફશોર બેસિન્સમાં મોટા પ્રમાણમાં ડીપ-વોટર અને અલ્ટ્રા-ડીપ-વોટર એક્સપ્લોરેશન કૂવાઓ ખોદવાની યોજના છે.






