Home Blog Page 236

ગુજરાતના ક્યા બે વિભાગમાં 4500 નવી જગ્યાઓ ઊભી કરાશે?

ગાંધીનગર: બુધવારે રજૂ થયેલાં બજેટમાં યુવાનો માટે ભરતીને લગતા બે નિર્ણય લેવામાં આવ્યા છે, જે જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. એક તો DIAL 112 જનરક્ષક માટે 3 હજાર જગ્યા ઊભી કરવામાં આવશે. તેમજ બીજી મહત્વની વાત કે, મહેસૂલી કચેરીઓ ખાતે 1546 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. આ જાહેરાત બાદ હવે આ બે વિભાગમાં આગામી સમયમાં ભરતી બહાર પાડવામાં આવે તેવી શક્યતાઓ છે.વર્ષ 2026-27ના બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 14265 કરોડની જોગવાઇની કરવામાં આવી છે, જેમાં DIAL 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી 3 હજાર જગ્યાઓ ઊભી થશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત બજેટમાં મહેસૂલ વિભાગ માટે પણ નવી જગ્યાઓ ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિવિધ મહેસૂલી કચેરીઓ ખાતે 1546 નવી જગ્યાઓ ઊભી કરવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ માટે કુલ 5552 કરોડની જોગવાઇ જેમાં કુદરતી આફતો સામે રાહત આપવા 2145 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને 51 તાલુકાઓમાં અંદાજિત 562 મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે 240 કરોડની જોગવાઇ.

ભટિંડામાં ખેડૂતોનું ઉગ્ર પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

નવી દિલ્હીઃ ભટિંડામાં બુધવારે પોલીસ અને ખેડૂતો આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન ભારે હોબાળો મચ્યો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી. ખેડૂતોના પ્રદર્શનને કારણે જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.

ખેડૂતોએ બુધવારે ડીસી ઓફિસના ઘેરાવની જાહેરાત કરી હતી. જ્યારે ખેડૂતો ઓફિસ તરફ આગળ વધ્યા ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન મોટો બખેડો સર્જાયો. પોલીસે પ્રદર્શનકારી ખેડૂતો પર ટિયર ગેસના ગોળા છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો.

ખેડૂતોના પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી સંબંધિત અનેક વિડિયો સામે આવ્યા છે. બંને પક્ષ આમને-સામને આવતા સ્થળ પર પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ હતી. આ દરમિયાન કેટલાક ખેડૂતો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો પણ અહેવાલ છે. તેના જવાબમાં પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

પ્રદર્શન માટે કોલ ભારતી કિસાન યુનિયન દ્વારા આપવામાં આવ્યો હતો. આ ખેડૂત સંગઠન વર્ષ 2020માં દિલ્હી–ઉત્તર પ્રદેશ બોર્ડર પર થયેલા ખેડૂત આંદોલનમાં પણ ખૂબ સક્રિય રહ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે તેમના સાથીઓને મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને જિલ્લાની તમામ મુખ્ય બોર્ડર પર પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.

પંજાબમાં કેમ સક્રિય છે CM સૈની?

નવેમ્બર, 2024માં હરિયાણામાં સતત ત્રીજી વાર સરકાર બનાવનાર ભાજપ હવે પાડોશી રાજ્ય પંજાબ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પાર્ટીએ હરિયાણાના મુખ્ય મંત્રી નાયબ સિંહ સૈનીને પંજાબમાં સક્રિય ભૂમિકા માટે આગળ ધપાવ્યા છે.

How Did Niranjan Hiranandani Build the Skyline of Success?

જેલમાંથી મુક્ત થયા બાદ અભિનેતા રાજપાલ યાદવે શું કહ્યુ?

ચેક બાઉન્સ કેસમાં જેલમાંથી મુક્ત થયા બાદ અભિનેતા રાજપાલ યાદવે તેમના સમર્થકોનો આભાર માન્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે તેઓ કેસની વિગતો ક્યારે શેર કરશે.

ચેક બાઉન્સ કેસમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અભિનેતા રાજપાલ યાદવ લગભગ 11 દિવસ જેલમાં રહ્યા બાદ હવે જેલની બહાર છે. હાઈકોર્ટ દ્વારા તેમની સજા સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ યાદવે તેમની મુક્તિ પર તેમના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે એવી પણ જાહેરાત કરી કે તેઓ ટૂંક સમયમાં આ કેસ સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ કરશે.

વકીલો કાનૂની પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે

મીડિયા સાથે વાત કરતા રાજપાલ યાદવે તેમને મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે એમ પણ કહ્યું કે તેમના વકીલ ભાસ્કર ઉપાધ્યાય આ કેસના તમામ કાનૂની પાસાઓ સંભાળી રહ્યા છે. આ મામલો હાલમાં કોર્ટમાં હોવાથી તેઓ તેના પર કોઈ ટિપ્પણી કરશે નહીં. તેઓ હાઈકોર્ટના દરેક આદેશનું સન્માન કરે છે. તેઓ ટૂંક સમયમાં આ બાબતે એક પ્રેસ કોન્ફરન્સ કરશે જ્યાં તેઓ આ બાબતને લગતા તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરશે.

મદદ કરનારાઓનો આભાર વ્યક્ત કરવો

રાજપાલ યાદવે આ મુશ્કેલ સમયમાં તેમને ટેકો આપનારા અને મદદ કરનારા દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ઘણા લોકો એવા છે જે સોશિયલ મીડિયામાં જોડાયા નથી, પરંતુ તેમણે તેમને મદદ પણ કરી છે. હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે ઉદ્યોગ પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો.

11 દિવસ પછી રાજપાલ યાદવ જેલમાંથી મુક્ત

2010ના ચેક બાઉન્સ કેસના સંદર્ભમાં રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરીએ તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું. ત્યારબાદ, સોમવાર 16 ફેબ્રુઆરીના રોજ દિલ્હી હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા અને જેલ છોડવાનો નિર્દેશ આપ્યો. બીજા દિવસે 17 ફેબ્રુઆરીના રોજ રાજપાલ યાદવને લગભગ 11 દિવસ જેલમાં વિતાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. 9 કરોડની લોન ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

 

PM મોદીએ ગુગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીમાં ચાલી રહેલા ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026 ના ત્રીજા દિવસે, એક મહત્વપૂર્ણ બેઠક થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે મુલાકાત કરી. આ બેઠક સમિટના ઇન્ડોર એરેનામાં થઈ, જ્યાં બંનેએ ભારત-ગુગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી.

પીએમ મોદીએ જણાવ્યું કે ભારતમાં એઆઈ ઝડપથી વિકસી રહ્યું છે, અને ગૂગલ જેવા વૈશ્વિક ટેક ખેલાડીઓ સાથે મળીને કામ કરવાથી તેની તકો વધુ વિસ્તરશે. પીએમ મોદીએ પોતાની ટ્વિટર પોસ્ટમાં આ બેઠકને આનંદદાયક અનુભવ ગણાવ્યો. તેમણે કહ્યું કે તેમણે એઆઈમાં ભારતની પ્રગતિ, ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની પ્રતિભા અને ગૂગલ સાથે વધુ કામ કરવાની તક અંગે ચર્ચા કરી.

પીએમ મોદીની પોસ્ટ પછી, ગૂગલના સીઈઓએ પણ પોસ્ટ કરી. સુંદર પિચાઈએ કહ્યું કે પીએમ મોદીને મળવું એક શાનદાર અનુભવ હતો. અમે ભારતના આરોગ્યસંભાળ, કૃષિ અને ભાષા સહાય ક્ષેત્રો સહિત અન્ય ક્ષેત્રોમાં એઆઈને દાખલ કરવા અંગે ચર્ચા કરી. ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ માત્ર નીતિ અને નીતિગત ચર્ચાઓ પર જ નહીં, પરંતુ વ્યવહારુ સહયોગ અને ટેક ભાગીદારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

ભારત નોકરીઓ વધારવા, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને AI-આધારિત ઉત્પાદનો વિકસાવવા માટે IT ક્ષેત્રમાં AI ના ઉપયોગને વેગ આપવા માટે કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ એમ પણ જણાવ્યું હતું કે ભારત AI દ્વારા પ્રતિભાશાળી યુવાનોને વૈશ્વિક પ્લેટફોર્મ પર તકો પૂરી પાડવા માંગે છે. સુંદર પિચાઈની ભારત મુલાકાત ફક્ત સમિટ સુધી મર્યાદિત નથી. ગૂગલે Google I/O 2026 માટેની તારીખો પણ જાહેર કરી છે.

ગુગલ I/O 19-20 મેના રોજ કેલિફોર્નિયામાં યોજાશે. આ જાહેરાત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન કરવામાં આવી હતી. આ સંદેશ પણ આપે છે કે ગૂગલ ભારતના AI ઇકોસિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ બનવા માંગે છે. પીએમ મોદી અને સુંદર પિચાઈ વચ્ચેની બેઠકમાં AI માં વૈશ્વિક સહયોગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેઓએ ચર્ચા કરી હતી કે Google ભારતીય વિકાસકર્તાઓ, વિદ્યાર્થીઓ અને AI સ્ટાર્ટઅપ્સ સાથે કેવી રીતે કામ કરી શકે છે.

ભારતમાં AI ટેકનોલોજીનો ઉપયોગ મોટા પાયે મોડેલો સુધી મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ સ્થાનિક જરૂરિયાતો અને સામાજિક પડકારોને સંબોધવા માટે પણ લાગુ થવો જોઈએ.

 

કેડિલા ફાર્માએ ફાર્મસીના જનક ઇન્દ્રવદન મોદીની શતાબ્દીની ઉજવણી કરી

અમદાવાદઃ  કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા આજે તેના ફાઉન્ડર (સંસ્થાપક) ચેરમેન ઇન્દ્રવદન મોદીની 100મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.  મોદી એક અગ્રણી સ્વપ્નદ્રષ્ટા હતા તથા તેમને ભારતીય ફાર્મસીના પિતા તરીકે વ્યાપકપણે સન્માનિત કરવામાં આવે છે.

એવા સમયે, જ્યારે દેશની ફાર્માસ્યુટિકલ ઇકોસિસ્ટમ પ્રારંભિક તબક્કામાં હતી અને ઘણુંખરું આયાત પર નિર્ભર હતી, ત્યારે ઇન્દ્રવદન મોદીએ એક આત્મનિર્ભર હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તાત્કાલિક જરૂરિયાત ઊભી થવાનો પહેલાં જ અંદાજ લગાવી દીધો હતો. અતૂટ વિશ્વાસ અને રાષ્ટ્રીય ઉદ્દેશની ઊંડી ભાવના સાથે તેમણે કંપનીનો પાયો નાખ્યો હતો. આ મજબૂત આધાર એવા વિશ્વાસથી પ્રેરિત હતો કે ગુણવત્તાયુક્ત દવાઓ દરેક ભારતીય માટે સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ થવી જોઈએ.

દેશમાં જ્યારે સ્વદેશી દવા ઉત્પાદન મર્યાદિત હતું અને વૈજ્ઞાનિક સંસાધનોની અછત હતી, ત્યારે  તેમણે રિસર્ચ, સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓ અને ટેલેન્ટ ડેવલપમેન્ટમાં રોકાણ કરીને અસાધારણ દૂરંદેશી દર્શાવી હતી. તેમનું વિઝન બિઝનેસથી આગળ વધીને હેલ્થકેર (આરોગ્ય સંભાળ), નીતિશાસ્ત્ર અને ઈનોવેશન દ્વારા રાષ્ટ્રનિર્માણ સુધીનું હતું.

વીતેલા કેટલાક દાયકાઓમાં, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની- ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં એક વિશ્વસનીય નામ તરીકે વિકસિત થઈ છે. આ પ્રસિદ્ધ ફાર્મા બ્રાંડ, તેના સંસ્થાપકની પ્રામાણિકતા, કરુણા અને વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાના સિદ્ધાંતોને નિરંતર આગળ વધારી રહી છે. કંપનીનો વિકાસ, આયાત નિર્ભરતાથી વિશ્વના અગ્રણી સસ્તા દવાઓના સપ્લાયર્સમાંના એક બનવા સુધી, ભારતના ફાર્મા સેક્ટરમાં આવેલું પરિવર્તન દર્શાવે છે.

આ પ્રસંગે, ડો. રાજીવ મોદીએ કહ્યું હતું કે મારા પિતા પ્રબળ રીતે માનતા હતા કે દવાઓ ફક્ત ઉત્પાદનો જ નથી, પરંતુ તે એક સામાજિક જવાબદારી પણ છે. તેમણે જ્યારે કેડિલા શરૂ કર્યું હતું, ત્યારે ભારતમાં મજબૂત ફાર્માસ્યુટિકલ આધારનો અભાવ હતો. તેમ છતાં ભારતીય વિજ્ઞાનમાં તેમનો વિશ્વાસ અને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ક્યારેય ડગમગી ન હતી. તેમની શતાબ્દીની ઉજવણી કરતી વખતે અમે તેમના વિઝન, નૈતિક અને સરળ રીતે ઉપલબ્ધ હોય એવી આરોગ્ય સંભાળ દ્વારા માનવતાની સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.

ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર કમોસમી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં સામાન્યથી મધ્યમ માવઠાની આગાહી કરાઈ છે.

હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય બનવાના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર- પશ્વિમના પવનોની ગતિ વધુ રહેવાની સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ત્યારબાદ 19થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. તાપમાનમાં મહત્તમ તાપમાન આગામી 48 કલાકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. લઘુત્તમ તાપમાન આગામી 3 દિવસમાં 2થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકે છે.

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલી અને પોરબંદર ખાતે 15 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 19.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 19.4, ભાવનગરમાં 19, ભુજમાં 17.2, દમણમાં 19, ડીસામાં 17.3, દીવમાં 15.8, દ્વારકામાં 19, ગાંધીનગરમાં 18.5, કંડલામાં 18, નલિયામાં 15.5, ઓખામાં 19.8, પોરબંદરમાં 15, રાજકોટમાં 15.2, સુરતમાં 19.2 અને વેરાવળમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Gujarat budget 2026-27: ગુજરાતની માથાદીઠ આવક 3.1 લાખ

ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત ગૃહમાં રજૂ કર્યું હતું. કનુભાઈ દેસાઈ કાળા રંગની બજેટ પોથી સાથે જોવા મળ્યા હતા, જેમાં આગળના ભાગ પર ગુજરાત અંદાજપત્ર 2026-27 લખેલું હતું. કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું કે ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરીંગ પોલિસી, AI અમલ માટેનો એકશન પ્લાન, ઇન્ટિગ્રેટેડ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસીનો આમાં સમાવેશ થાય છે.

વડાપ્રધાનના વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં GSTમાં કરેલા ઐતિહાસિક સુધારાથી સામાન્ય નાગરિકની જીવનજરૂરી વસ્તુઓની ખરીદી શક્તિમા વધારો થયો છે.
નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે શ્રમ અધિનિયમમાં કરેલા સુધારાઓથી કામદારોની સામાજિક સુરક્ષા, રોજગારીની તક અને સન્માનમાં વધારો થયો છે. આપને જણાવતાં આનંદ થાય છે કે, આપણી પાસે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની છે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાત@2047’ના સંકલ્પને સાકાર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035માં પૂર્ણ થઈ રહ્યાં છે. આ અમૃતકાળના અવસરે વિકાસયાત્રાને વેગ આપવા રોડમેપ સાથે આગળ વધી રહ્યાં છીએ.

 

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા અત્યાર સુધીમાં છ અહેવાલો રજૂ થયા છે. જેમાં નાગરિક-કેન્દ્રિત સેવા, વહીવટી સુધારા અને માનવ સંસાધન જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. જેનું અમલીકરણ સુશાસન અને કાર્યક્ષમ વહીવટની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

વિકાસમાં કોઈ પાછળ ન રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહેની ભાવના સાથે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે માનનીય વડાપ્રધાને જનજાતિ સમુદાયના વિકાસ માટે જનજાતિય કલ્યાણ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ₹2 લાખ કરોડના વિકાસ કાર્યોની જાહેરાત કરી છે.

અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલી અસરકારક કામગીરીના પરિણામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM JANMAN) હેઠળ ગુજરાતને 2025માં બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય તરીકેનો એવોર્ડ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થયો છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2003માં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટથી રાજ્યની આર્થિક પ્રગતિને નવી ઉડાન મળી છે. રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો (VGRC) શરૂ કર્યા છે, જેમનું મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવી છે.
પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્ત્વપૂર્ણ નીતિઓ જાહેર કરી છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરીંગ પોલિસી, AI અમલ માટેનો એકશન પ્લાન, ઇન્ટિગ્રેટેડ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે

આ નીતિઓ દ્વારા યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે, સેમી કન્ડક્ટર્સ અને હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરીંગમાં વધુ વેગ મળશે. કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સ વધુ અસરકારક બનશે અને રીન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.

રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના GDPમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60%થી વધારે છે અને તેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

L&T, એનવિડિયાએ GW-સ્કેલ AI ડેટા સેન્ટર બનાવવા ભાગીદારી કરી

મુંબઈઃ ઇન્ડિયા AI સમિટમાં આજે લાર્સન એન્ડ ટુબ્રો (L&T)એ ઇન્ડિયા AI મિશન હેઠળ એક પ્રસ્તાવિત  સંયુક્ત સાહસની જાહેરાત કરી છે, જેનો હેતુ ભારતને વૈશ્વિક AI શક્તિ તરીકે મજબૂત બનાવતા સ્વદેશી, સ્કેલેબલ અને ગિગાવોટ-સ્કેલ NVIDIA AI ડેટા સેન્ટર ઊભું કરવાનું છે.

કંપનીની આ ભાગીદારીનો ઉદ્દેશ ભારતના ઉદ્યોગો, નીતિનિર્માતાઓ, ઉદ્યોગના નેતાઓ, વૈશ્વિક ગ્રાહકો અને વિશ્લેષકોને ધ્યાનમાં રાખીને ભારતમાં મજબૂત અને પ્રોડક્શન-ગ્રેડ AI ક્ષમતા ઊભી કરવાનો છે, જે દેશના ડિજિટલ અને ઔદ્યોગિક પરિવર્તનને આધાર આપવાનો છે.

આ પ્રોજેક્ટ કંપનીની એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને અમલીકરણ ક્ષમતાને  એનવિડિયા (NVIDIA)ના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર — જેમાં NVIDIA GPUs, CPUs, નેટવર્કિંગ, અગ્રણી પ્રદાતાઓના NVIDIA-એક્સેલરેટેડ સ્ટોરેજ પ્લેટફોર્મ, NVIDIA AI એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર સ્ટેક અને રેફરન્સ આર્કિટેક્ચર — સાથે સંકલિત કરે છે, જેથી ઝડપી અને સુરક્ષિત AI અપનાવી શકાય. આ હેઠળ AI-રેડી ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન કોમ્પ્યુટિંગ પ્લેટફોર્મ અને મોટા પાયે AI વર્કલોડ માટે જરૂરી ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આવશે.

ઇન્ડિયા AI મિશન સાથે સુસંગત રીતે આ સાહસ સ્વદેશી AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, જેથી મહત્વપૂર્ણ ડેટા, મોડલ્સ અને AI વર્કલોડ ભારતની અંદર જ વિકસિત, ટ્રેન અને ડિપ્લોય કરી શકાય અને સાથે વૈશ્વિક ઇકોસિસ્ટમ સાથે સુસંગતતા જળવાઈ રહે. આ “સોવરેન બાય ડિઝાઇન” માળખું દેશી જરૂરિયાતો, વૈશ્વિક હાઇપરસ્કેલર્સ, ક્લાઉડ પ્રોવાઇડર્સ અને એન્ટરપ્રાઇઝ માટે વ્યૂહાત્મક AI હબ તરીકે કામ કરશે.

આ સાહસ ગિગાવોટ-સ્કેલ AI ડેટાસેન્ટર ફેક્ટરી વિકસાવવાનું આયોજન કરે છે, જે હાઇ-ડેન્સિટી અને નેક્સ્ટ-જનરેશન AI વર્કલોડ માટે AI-રેડી ક્ષમતા પૂરી પાડશે, જેથી ગ્રાહકો ભારતમાં અસરકારક અને ટકાઉ રીતે વિસ્તરણ કરી શકે. કંપનીની યોજના અનુસાર ચેન્નઈ ડેટાસેન્ટર કેમ્પસ (300 એકર, ગિગાવોટ-સ્કેલેબલ)માં NVIDIA GPU ક્લસ્ટરની ક્ષમતા 30 મેગાવોટ સુધી વધારવામાં આવશે અને મુંબઈમાં બાંધકામ હેઠળના નવા 40 મેગાવોટ ડેટા સેન્ટરમાં પણ એની સ્થાપના કરવામાં આવશે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર  એસ. એન. સુબ્રમણ્યને જણાવ્યું હતું કે “ભારતની કંપનીઓ હવે AI પાયલટથી પ્રોડક્શન-સ્કેલ ડિપ્લોયમેન્ટ તરફ આગળ વધવા તૈયાર છે. આ રોકાણ સુરક્ષિત, સ્કેલેબલ અને સ્વદેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો મૂકે છે, જે મેન્યુફેક્ચરિંગ, એનર્જી, ફાઇનાન્સિયલ સર્વિસિસ, હેલ્થકેર અને જાહેર સેવાઓને શક્તિ આપશે. NVIDIA ના પ્લેટફોર્મ અને કંપનીની અમલીકરણની શક્તિ સાથે અમે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ, જે AI દ્વારા માપવાને લાયક આર્થિક અસર પહોંચાડશે.

એનવિડિયાના સ્થાપક અને CEO જેન્સન હુઆંગે જણાવ્યું હતું કે AI માનવ ઇતિહાસમાં સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને આગળ ધપાવી રહ્યું છે — દરેક કંપની અને દરેક દેશ તેને અપનાવશે. વડા પ્રધાન મોદીએ ગ્લોબલ સાઉથમાં AI ની લોકપ્રિયતા વધારવા અને ભારતને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વૈશ્વિક હબ તરીકે ઊભું કરવાની દ્રષ્ટિ રજૂ કરી છે. L&T સાથે મળીને અમે વિશ્વ સ્તરીય AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો મૂકી રહ્યા છીએ, જે ભારતના વિકાસને ગતિ આપશે.

સલમાન ખાનના પિતા સલીમ ખાનની બિમારીનો ખુલાસો,બ્રેઈન હેમરેજ બાદ વેન્ટિલેટર પર

સલમાન ખાનના પિતા અને ફિલ્મ લેખક સલીમ ખાનના સ્વાસ્થ્ય અંગે એક નવી અપડેટ સામે આવી છે. ડોક્ટરોએ અભિનેતાના પિતાની હાલની સ્થિતિ વિશે માહિતી શેર કરી છે.

ગત રોજ એટલે કે મંગળવારે સલમાન ખાનના પિતા અને પ્રખ્યાત પટકથા લેખક, સલીમ ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આખો પરિવાર હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલની બહાર સૌથી પહેલા સલમાન ખાન દેખાયા હતા, ત્યારબાદ તેમની બહેન અલવીરા અને અતુલ અગ્નિહોત્રી પણ આવ્યા હતા. અરબાઝ ખાન, તેમની પત્ની શૂરા, અરહાન, નિર્વાણ, આયુષ શર્મા, અર્પિતા ખાન, સલમા ખાન અને હેલન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

બોલિવૂડના દિગ્ગજ સંજય દત્ત પણ સલીમ ખાનના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા પહોંચ્યા હતા.સલીમ ખાન 24 કલાકથી વધુ સમયથી હોસ્પિટલમાં છે. ગઈકાલે સાંજે લીલાવતી હોસ્પિટલના ડોકટરોએ જાહેરાત કરી હતી કે સલીમ ખાન સ્થિર છે, તેમની સારવાર ચાર ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને હાલમાં તેઓ ICUમાં છે. બુધવારે સવારે 11 વાગ્યે પ્રેસ બ્રીફિંગમાં હેલ્થ બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલીમ ખાનના પિતાને હળવું મગજનું હેમરેજ થયું છે.

ડૉ. જલીલ પરિકરે કહ્યું, “સલીમ ખાનને મિનિમલ બ્રેન હેમરેજ થયું હતું, જેના માટે DSA નામની મૂળભૂત પ્રક્રિયા કરવામાં આવી હતી. પ્રક્રિયા સફળ રહી તેમના પર કોઈ સર્જરી કરવામાં આવી ન હતી. સલીમ ખાન હાલમાં વેન્ટિલેટર પર છે અને આજે અથવા કાલે તેમને વેન્ટિલેટર પરથી ઉતારી લેવામાં આવશે. તેમને ગઈકાલે સવારે 8:30 વાગ્યે અહીં લાવવામાં આવ્યા હતા. તેમની તબિયત હવે સારી છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.”

મંગળવારે સાંજે સલીમ ખાનની સારવાર કરી રહેલા ડૉ. જલીલ પારિકરે તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ શેર કર્યું. તાજેતરના એક નિવેદનમાં તેમણે કહ્યું, “બધાને નમસ્તે! હા, એ સાચું છે કે પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના પિતા અને પોતાનામાં એક આઇકોન સલીમ ખાનને સવારે 8:30 વાગ્યે ડૉ. જલીલ પારિકરની દેખરેખ હેઠળ લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને તેમના ફેમિલી ડૉક્ટર ડૉ. સંદીપ ચોપરા દ્વારા ઇમરજન્સી રૂમમાં લાવવામાં આવ્યા હતા. તાત્કાલિક ઇમરજન્સી સંભાળ શરૂ કરવામાં આવી હતી અને સલીમ ખાનને પહેલા માળે સઘન સંભાળમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર ડૉ. વિનય ચવ્હાણ (ન્યુરોલોજિસ્ટ), ડૉ. અજિત મેનન (કાર્ડિયોલોજિસ્ટ), ડૉ. નીતિન ડાંગે (ન્યુરોસર્જન) અને ડૉ. બિનિત આહલુવાલિયા સહિત ડૉક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સંબંધીઓની વિનંતીને માન આપીને આજે વધુ કોઈ માહિતી શેર કરવામાં આવી રહી નથી.” જોકે, આવતીકાલે સવારે 11 વાગ્યે અમે સંબંધીઓની સંમતિથી અને દર્દીની ગોપનીયતા જાળવી રાખીને પ્રેસ બુલેટિન જારી કરીશું. કૃપા કરીને અમારી સાથે રહો. તેમની તબિયત સ્થિર છે પણ તેમની ક્લિનિકલ સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.