AMA માં ‘ઝેન-કાયઝેન’ની પાંચમી વર્ષગાંઠની શાનદાર ઉજવણી, નવું પુસ્તક લોન્ચ કરાયું

શહેરમાં શિક્ષણ અને વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રેસર સંસ્થા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે ભારત અને જાપાનની સંસ્કૃતિ તથા વિચારધારાના મિલન સમાન એક ગરિમાપૂર્ણ ઉત્સવ સંપન્ન થયો છે. એએમએ પરિસરમાં સ્થાપિત અને વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનેલા ‘ઝેન-કાયઝેન’ સેન્ટરની સફળતાપૂર્વક પાંચમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે સંસ્થા દ્વારા લર્નિંગસ ફ્રોમ ધ ટાઇમલેસ વિઝડમ ઓફ ઝેન-કાયઝેન વિષય પર એક ઉચ્ચ સ્તરીય પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ, રોજિંદા જીવનમાં આ પદ્ધતિની ઉપયોગિતા સમજાવતા વિશેષ પુસ્તક ઝેન-કાયઝેન ઇન ડેઈલી લાઈફ: ટાઈની મેસેઝીસ, ટાઇમલેસ વેલ્યુઝનું મહાનુભાવોના હસ્તે વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું.

જાપાન અને ભારતની સંસ્કૃતિનો અદભુત સંગમ

આ ભવ્ય સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મુંબઈ ખાતેના જાપાનના કોન્સલ જનરલ શ્રી હિતોમી સાતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે “ઝેન એન્ડ કાયઝેન – કોન્ફ્લુએન્સ ઓફ જાપાનીઝ એન્ડ ઇન્ડીયન વિઝડમ” વિષય પર પોતાનું પ્રેરણાદાયી મુખ્ય પ્રવચન આપ્યું હતું. એએમએ સંસ્થાને આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવતાં શ્રી સાતોએ જણાવ્યું હતું કે, એએમએ ખાતે આવેલું આ ઝેન-કાઇઝન સેન્ટર જાપાનીઝ કળા, ત્યાંની પરંપરાગત સંસ્કૃતિ, નયનરમ્ય લેન્ડસ્કેપ અને અદભુત સ્થાપત્યની જીવંત ભવ્યતાને ભારતીય ધરતી પર પ્રદર્શિત કરે છે. ઝેન અને કાઇઝનનો એકસાથે કરાતો અભ્યાસ માનવીને શાંત મન, દયાળુ હૃદય અને પ્રત્યેક દિવસે બહેતર બનવાની પ્રેરણા આપે છે. આ વિચારો આપણને એક સુખી, આત્મવિશ્વાસુ, સંભાળ રાખનારા અને સફળ મનુષ્ય બનવામાં મદદરૂપ નીવડે છે. તેમણે ગૌરવભેર નોંધ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં 50,000 થી વધુ લોકોએ આ કેન્દ્રની મુલાકાત લઈને જાપાનીઝ સંસ્કૃતિની અનોખી સમજ મેળવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

કાર્યક્રમની શરૂઆતમાં એએમએના વાઇસ-પ્રેસિડેન્ટ મોહલ સારાભાઈએ તમામ અતિથિઓનું સ્વાગત કરતા આ સેન્ટરના ભવ્ય ભૂતકાળને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઝેન આપણને આંતરિક રીતે શાંત અને ખુશ રહેવાની ચાવી આપે છે, જ્યારે કાઇઝન આપણને જીવનના દરેક તબક્કે સતત સુધારા તરફ આગળ વધીને પ્રગતિ કરવાનું શીખવે છે. તેમણે યાદ અપાવ્યું હતું કે એએમએના આ પ્રતિષ્ઠિત ઝેન-કાઇઝન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન મૂળરૂપે 27 જૂન, 2021ના રોજ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, જે આજે બંને દેશોના જ્ઞાન અને વિઝડમ વચ્ચે એક મજબૂત જીવંત સેતુ બની ગયું છે. આ પ્રસંગે અમદાવાદમાં જાપાનના માનદ કોન્સલ અને એએમએના ભૂતપૂર્વ પ્રમુખ મૂકેશ પટેલે, ફાઈવ ઇવેન્ટફુલ યીર્સ ઓફ એન ઇન્સ્પીરેશન્લ લેન્ડમાર્ક એટ એએમએ વિષય પર સંશોધનાત્મક વિચારો રજૂ કર્યા હતા. તેમણે સરળ શબ્દોમાં સમજાવતા કહ્યું કે, ઝેન આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંતિપૂર્ણ રહેવાની કળા શીખવે છે, જ્યારે કાઇઝન આપણી કાર્યશૈલીને રોજિંદા સ્તરે વધુ બહેતર બનાવે છે. જ્યારે આ બંનેનો સમન્વય થાય છે, ત્યારે તે માણસને તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં વિકસિત થવામાં માર્ગદર્શન પૂરું પાડે છે.

રોજિંદા જીવન અને વ્યવસાયમાં કાયઝેન અને ઝેનનું મહત્વ

પેનલ ડિસ્કશન દરમિયાન પીએપીએલ અને એઆઈક્યુ ક્વોલિટી ઇન્ડિયાના ડિરેક્ટર ડો. પરેશ કારિયાએ “ધ કાયઝેન વે ટુ પર્સનલ એન્ડ ઓર્ગેનાઈઝેશન એકસેલન્સ” વિષય પર સચોટ પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે વ્યવહારિક ઉદાહરણ આપતાં જણાવ્યું કે, કાઇઝન એટલે ક્યારેય હાર ન માનવી અને સ્ટેપ-બાય-સ્ટેપ નાના પાયે સુધારો કરવો. જો તમે ગઈકાલ કરતાં આજે એક વધુ પાનું પુસ્તકનું વાંચો છો, કોઈ નવો શબ્દ શીખો છો કે કોઈ મિત્રને મદદ કરો છો, તો તમે તમારા જીવનમાં કાઇઝનનો જ અભ્યાસ કરી રહ્યા છો. આ નાના પ્રયાસો જ ભવિષ્યમાં મોટી સિદ્ધિઓ બને છે.

બીજી તરફ, જાણીતા યોગ નિષ્ણાત અને કૈવલ્ય યોગ શાળાના સ્થાપક ગિરજેશ શર્માએ ઝેન ઇન ડેઈલી લીવીંગ ફોર ઇનર પીસ એન્ડ આઉટર હાર્મના વિષય પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વર્તમાન ક્ષણમાં જીવવું અને સરળ વસ્તુઓમાં ખુશી શોધવી એ જ સાચો ઝેન માર્ગ છે. જ્યારે આપણે પૂરા મન અને એકાગ્રતાથી ચિત્ર દોરીએ, વાંચીએ કે રમીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ ઝેનનો સઘન અભ્યાસ કરતા હોઈએ છીએ.

કાર્યક્રમના અંતમાં ઇન્ડો-જાપાનીઝ ઇકોનોમિક કોઓપરેશન કાઉન્સિલના ચેરમેન અને એએમએના ભૂતપૂર્વ પ્રમુખ યતીન્દ્ર શર્માએ આભારવિધિ સાથે સમાપન પ્રવચન આપ્યું હતું. તેમણે સુંદર પંક્તિઓ ટાંકતા ઉમેર્યું કે, ઝેન આપણને યાદ અપાવે છે કે શાંત મન આપણને દરેક વસ્તુમાં સુંદરતા જોવામાં મદદ કરે છે, જ્યારે કાઇઝન આપણને શીખવે છે કે દરરોજ લેવાયેલા નાના-નાના સકારાત્મક પગલાં જ એક દિવસ વ્યક્તિને મોટી સફળતા તરફ દોરી જાય છે. એએમએ દ્વારા આ ભવ્ય ઉજવણીના સુંદર ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ વિષય અથવા સેન્ટર અંગે વધુ વિગતો મેળવવા માટે ઉત્સુક નાગરિકો એએમએના સત્તાવાર ફોન નંબર ૦૭૯-૨૬૩૦block અથવા સંસ્થાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.