Home Blog Page 235

અંધશ્રદ્ધાઃ ‘ચૂડેલ’ કહીને નવજાત બાળક, માતાને ભીડે જીવતા સળગાવ્યાં

નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં 32 વર્ષની એક મહિલા અને તેના નવજાત બાળકને કથિત રીતે ‘ચૂડેલ’ કહીને આગ લગાવી દેવામાં આવી હતી, એમ પોલીસે માહિતી આપી હતી. આ ઘટના મંગળવારે મોડી રાત્રે કુમારડુંગી થાણા વિસ્તારના એક ગામમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે આ મામલે ચાર લોકોને ધરપકડ કરવામાં આવી છે.

આ હુમલામાં મહિલાનો પતિ પણ ઘાયલ થયો હતો, પરંતુ તે કોઈ રીતે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. તેણે રાત પોતાના એક સગાના ઘરે વિતાવી અને બુધવારે સવારે થાણે જઈને ફરિયાદ નોંધાવી હતી.

તેની ફરિયાદ મુજબ મધરાતે કેટલાક લોકોના અવાજથી તેની ઊંઘ તૂટી. તેઓ તેને અને તેની પત્નીને બહાર બોલાવી રહ્યા હતા. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે લગભગ એક ડઝન લોકો ભેગા થયા હતા અને તેની પત્ની પર જાદુટોણા કરવાનો આરોપ લગાવી રહ્યા હતા.

તેની ફરિયાદ અનુસાર હોબાળાની વચ્ચે ભીડે તેની પત્ની પર, જેની ગોદમાં તેમનું નવજાત બાળક હતું, કેરોસીન રેડીને આગ લગાવી દીધી. પોલીસે જણાવ્યું હતું કે બંનેનાં સ્થળ પર જ મોત થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે પતિ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ તેને કુમારડુંગીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં નામ દર્શાવેલા ચાર પુરુષોની અમે ધરપકડ કરી છે. માત્ર અંધશ્રદ્ધાને આધારે આ ગુનામાં ભાગ લેનારી મહિલાઓની ઓળખ કરવાની કોશિશ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ પતિના એક સગા, જે એ જ ગામમાં રહેતા હતા, તેમનું મંગળવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું અને તેના માટે તેમણે તેની પત્નીને જવાબદાર ઠેરવી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે મામલો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

મુંબઈમાં કાર્યક્રમમાં અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ સચીન તેંડુલકરનું સન્માન કર્યું

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ મુંબઈમાં આબોહવા પરિવર્તન જાગૃતિ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનું સન્માન કર્યું. બંનેએ પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો અને લોકોને ખાસ કરીને યુવાનોને ટકાઉ વિકાસ અને હરિયાળી જીવનશૈલી અપનાવવા વિનંતી કરી.

ભારતીય અવકાશયાત્રી અને ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ મુંબઈમાં આબોહવા પરિવર્તન જાગૃતિ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનું સન્માન કર્યું. આ કાર્યક્રમ પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા સંકટ વિશે જાગૃતિ લાવવા માટે યોજવામાં આવ્યો હતો.

પર્યાવરણીય સંરક્ષણ પર ભાર

કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ આબોહવા પરિવર્તનની વધતી જતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી અને લોકોને પર્યાવરણીય રીતે જવાબદાર વર્તન અપનાવવા વિનંતી કરી. શુભાંશુ શુક્લાએ વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું કે અવકાશ સંશોધન પણ પૃથ્વીના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

સચિનનો સંદેશ

સચિન તેંડુલકરે યુવાનોને પર્યાવરણ સંરક્ષણને તેમના જીવનશૈલીનો ભાગ બનાવવા અપીલ કરી. તેમણે કહ્યું કે નાના પગલાં પણ મોટા ફેરફારો લાવી શકે છે. ઉપસ્થિતોએ ગ્રીન પહેલ અને ટકાઉ વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

AI માનવ ઇતિહાસનું ટ્રાન્સફોર્મેશન છેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 20થી વધુ દેશો અને 500થી વધુ AI લીડર્સનું ભારતમાં સ્વાગત કર્યું હતું. ભારતમાં યોજાઈ રહેલી આ સમિટને તેમણે ગ્લોબલ સાઉથ માટે ગૌરવનો વિષય ગણાવ્યો. ભારત મંડપમમાં યોજાઈ રહેલી આ સમિટ દ્વારા એવો સંદેશ આપવાની આશા છે કે આવતાં વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગેની વૈશ્વિક ચર્ચાઓમાં ભારત કેવી રીતે નેતૃત્વ કરવા ઇચ્છે છે.

આ ઉદ્ઘાટન સત્ર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને સુરક્ષિત, નિષ્પક્ષ અને લોકોના હિતમાં AIના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. સમિટ દરમિયાન વડા પ્રધાન થનારા લીડર્સ પ્લેનરી સેશનમાં પણ ભાગ લેશે. આ સેશનમાં વિવિધ દેશોના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, મંત્રીઓ અને વૈશ્વિક સંસ્થાઓના ટોચના અધિકારીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત મુખ્ય પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પર આવશે. મુકેશ અંબાણી, સેમ અલ્ટમેન અને મેટાના એલેક્ઝાન્ડર વેંગનું પણ આજે કીનોટ સંબોધન રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું  કે જ્યારે પ્રથમ વખત વાયરલેસ રીતે સિગ્નલ મોકલવામાં આવ્યા હતા, ત્યારે કોઈએ કલ્પના પણ કરી નહોતી કે એક દિવસ આખી દુનિયા રિયલ ટાઈમમાં એકબીજા સાથે જોડાઈ જશે. કૃત્રિમ બુદ્ધિમત્તા માનવ ઇતિહાસમાં એવો જ એક પરિવર્તનકારક મોરચો છે. આજે આપણે જે જોઈ રહ્યા છીએ અને જે ભવિષ્યવાણી કરી રહ્યા છીએ, તે તો તેના પ્રભાવની માત્ર શરૂઆત છે.

માનવીય ક્ષમતાઓને અનેક ગણી વધારી રહ્યું છે AI: PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે AI મશીનોને બુદ્ધિશાળી બનાવી રહ્યું છે, પરંતુ તેનાથી પણ વધુ, તે માનવીય ક્ષમતાઓને અનેક ગણી વધારી રહ્યું છે. ફક્ત એક જ ફરક છે – આ વખતે ગતિ અભૂતપૂર્વ છે અને તેનો વ્યાપ પણ અણધાર્યો છે. પહેલાં ટેક્નોલોજીનો પ્રભાવ દેખાવા માટે દાયકાઓ લાગતા. આજે મશીન લર્નિંગથી લઈને લર્નિંગ મશીન્સ સુધીનો સફર પહેલાથી ઘણો ઝડપી, ઊંડો અને વ્યાપક છે.

PM મોદીએ AIની શક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે AI એક પરિવર્તનકારી શક્તિ છે – દિશાહીન બનશે તો વિક્ષેપ લાવશે, પરંતુ યોગ્ય દિશા મળશે તો ઉકેલ બનશે.

શિવનેરી કિલ્લામાં નાસભાગમાં મહિલા-બાળકો સહિત અનેક ઘાયલ

પુણેઃ જિલ્લાના શિવનેરી કિલ્લામાં ભીડ બેકાબૂ બની ગઈ છે. છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, પરંતુ થોડા જ સમયમાં ભીડ ખૂબ વધી જતાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ શિવાજી જયંતીની અવસરે વિવિધ સંગઠનોના કાર્યકરો ‘શિવજ્યોત’ લઈને આવ્યા હતા. સૌને દર્શન કરવા હતા, જેને કારણે કિલ્લા પ્રાંગણમાં ભારે ભીડ જોવા મળી. સ્થળ પર પૂરતી પોલીસ વ્યવસ્થા ન હોવાથી થોડા સમય માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ‘હાથી દરવાજા’ વિસ્તાર અને ‘ગણેશ દરવાજા’ જેવા સાંકડા માર્ગોમાં જરૂરિયાત કરતાં વધુ ભીડ ભેગી થઈ ગઈ હતી. ત્યાં ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ અને અનેક મહિલાઓ તથા બાળકો ઘાયલ થયાં હતાં.

હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે આ ભાગદોડમાં કોઈનું મોત નથી થયું. આ પ્રકારની ઘટના પ્રથમ વખત નથી બની. સ્થળ બદલાય છે, રાજ્ય બદલાય છે, પરંતુ આવા બનાવો વારંવાર બનતા રહે છે. ક્યારેક પ્રશાસનની બેદરકારી તો ક્યારેક લોકોની ઉતાવળ આવા બનાવોનું મોટું કારણ બને છે.

આજે છે છત્રપતિ શિવાજી મહારાજ જયંતી

આજે છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે નાગપુર સહિત મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ શિવાજી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. નાગપુરના મહાલ વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે શિવાજીની પ્રતિમાનું અભિષેક કરવામાં આવ્યું. જળાભિષેક અને દુગ્ધાભિષેક કર્યા બાદ મહા આરતી કરવામાં આવી હતી. ઢોલ-તાશાના નાદ વચ્ચે શિવાજી મહારાજને વંદન કરવામાં આવ્યું.

હિંમતની હાર… ક્યારેય નહીં!

જીવન એ કોઈ સીધી સડક નથી, પણ ઉબડખાબડ રસ્તા અને દુર્ગમ પહાડો વચ્ચેથી પસાર થતો એક રોમાંચક પ્રવાસ છે. ઘણી વાર આપણને લાગે કે એકાદ નિષ્ફળતા એ રસ્તાનો અંત છે, પણ વાસ્તવમાં એ તો માત્ર એક વળાંક હોય છે. સફળતાનો સ્વાદ એને જ મળે છે, જે પડકારોની સામે પીછેહઠ કરવાને બદલે પથ્થર સાથે ટકરાઈને પોતાનો માર્ગ કંડારવાની હિંમત રાખે છે. જ્યારે સંકલ્પ અડગ હોય અને મનમાં કંઈ કરી છૂટવાની તમન્ના હોય, ત્યારે કુદરત પણ રસ્તો કરી જ આપે છે. જીવનના સંઘર્ષોથી ગભરાવાને બદલે તેને ખમી લેવાની વૃત્તિ જ માનવીને વિજેતા બનાવે છે.

કહે છેને કે “કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.”

નાનકડી કીડી અનાજનો દાણો લઈને દીવાલ ચઢે છે ત્યારે અનેક વખત પડે છે છતાં હાર માન્યા વગર ફરી દાણો પકડીને દીવાલ પર ચઢે છે. પોતાના કદ કરતાં મોટા અનાજના દાણાને પકડીને લઈ જવામાં કીડી ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરતી હશે, છતાં અનાજના દાણાને એ છોડતી નથી. માણસને તો ભગવાને બુદ્ધિ અને બળ બંને આપ્યાં છે. શા માટે આપણે નિષ્ફળતા મળવાથી હતાશ થઈએ છીએ? જો નાનકડી કીડી ઝઝૂમવાનો જુસ્સો ધરાવતી હોય, તો આપણે શા માટે હિંમત હારી નિષ્ક્રિયતાની ચાદર ઓઢી સૂઈ જઈએ છીએ?

અમેરિકન લેખક-પ્રકાશક-ફિલસૂફ એલ્બર્ટ હ્યુબાર્ડ કહેતા કે “ઈટ ઈઝ ફ્રૉમ ધ ફૅઈલ્યૉર ધૅટ વન ગેટ્સ ધ વે… ઍન્ડ વે ટુ સક્સીડ” અર્થાત્ નિષ્ફળતા જ સફળતાનું સરનામું ચીંધે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી એમ બબ્બે વખત વડા પ્રધાન રહેનારા બ્રિટિશ રાજદ્વારી વિન્સ્ટન ચર્ચિલનું જીવન નિષ્ફળતાથી ભરેલું હતું. શૈશવકાળમાં, ગણિતમાં સૂઝ ન હોવાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલ અવારનવાર એમને ટોકતા, ક્યારેક મારતા પણ ખરા. એમણે સ્કૂલો બદલી પણ બધે આ જ સ્થિતિ. એકમાં તો એ પ્રવેશ પરીક્ષામાં જ નાપાસ થયા. સૅન્ડહર્સ્ટ મિલિટરી કૉલેજની પ્રવેશ પરીક્ષામાં પણ નિષ્ફળતા મળી. વારંવાર નિષ્ફળ થવા છતાં તેમણે પ્રયત્ન ન ત્યજ્યો અને એક સમયે તેઓ બ્રિટનના વડા પ્રધાન બન્યા.

સન 2009માં કોલકાતામાં 900થી વધારે શિલ્પીનાં ટાંકણે કંડારાયેલું ભવ્ય નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ત્રણ વર્ષના અંતે શિખર સુધી ચણાઈ ગયેલું, પરંતુ અચાનક નિષ્ણાત ઈજનેરો સમક્ષ એક પડકાર આવ્યોઃ બંગાળની પોચી જમીનના કારણે નિર્માણાધીન મંદિરનો અમુક ભાગ જમીનમાં બેસી ગયો. આથી ફાઉન્ડેશનમાં જરૂરી ફેરફાર કરવાની આવશ્યક્તા જણાઈ. મૂંઝવણ એ હતી કે પૂર્ણતાના આરે આવી પહોંચેલા સ્ટ્રક્ચરનું શું કરવું?તે વખતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે, “આખું મંદિર ઉતારી, ફાઉન્ડેશનમાં જરૂરી ફેરફારો કરી પાછું બાંધો.” આ બહુ જ કપરું કામ હતું. છતાં, સાવચેતીથી આખું મંદિર ઉતારવામાં આવ્યું, પાયામાં જરૂરી ફેરફારો કરી પુનઃ ડિસેમ્બર, ૨૦૧૧માં મંદિરનિર્માણનું કાર્ય આરંભાયું. માત્ર ૨૬ મહિના બાદ જ્યારે આ મંદિર ભાવિકો માટે ખુલ્લું મુકાયું ત્યારે સૌ કોઈને આશ્ચર્ય હતું. પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય પ્રત્યેનો અભિગમ શીખવતા કહેતા કે, “મુશ્કેલીમાં કાર્ય કરે, તેને જ કાર્ય કર્યું કહેવાય.”

હા, સીધા સરળ રસ્તા પર ચાલવું એમાં શું ખરી મજા? ખરી મજા ડુંગરા ખૂંદવાની છે. સ્ટમ્પ અને ફિલ્ડર વગરની ક્રિકેટમાં શું મજા? મજા તો ત્રણ સ્ટમ્પને બચાવી, ફિલ્ડરો વચ્ચેથી બૉલ કાઢી ચોગ્ગા-છગ્ગા મારવામાં છે.

તો આવો, આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈ વિઘ્નોથી હાર્યા વિના, જીવનમાંથી નિષ્ફળતાને ખંખેરી સફળતાના સરનામે ડગ માંડીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬

T20 World Cup 2026 : ભારતે નેધરલેન્ડ્સને 17 રને હરાવ્યું

ટી20 વર્લ્ડ કપ 2026માં બુધવારે અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાયેલ મુકાબલો રોમાંચથી ભરપૂર રહ્યો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ટીમે 20 ઓવરમાં 193/6નો મજબૂત સ્કોર ઉભો કર્યો. આ જીત સાથે ભારતે લીગ સ્ટેજમાં પોતાની વિજયયાત્રા યથાવત રાખી, જ્યારે નેધરલેન્ડ્સ માટે ટુર્નામેન્ટનો અંત આવી ગયો.

ભારત રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં પોતાના ત્રણેય મુકાબલા જીતી ચૂકી છે અને સુપર-8 માટે ક્વોલિફાય કરી ચૂકી છે. બીજી તરફ નેધરલેન્ડ્સ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને માત્ર નામીબિયા સામે એક જીત મળી હતી અને આ પરાજય બાદ તેમની સફર સમાપ્ત થઈ.

ભારત માટે શરૂઆત ફરી એકવાર નબળી રહી. અભિષેક શર્મા પહેલી જ ઓવરમાં આર્યન દત્તની બોલિંગ પર શૂન્ય રનમાં આઉટ થયા, જે આ વર્લ્ડ કપમાં તેમનો સતત ત્રીજો ડક રહ્યો. ઈશાન કિશને થોડો આક્રમક અંદાજ અપનાવ્યો, પરંતુ 18 રન બનાવી તેઓ પણ જલ્દી પેવેલિયન પરત ફર્યા. 39/2ના સ્કોર પર ભારત દબાણમાં હતું.

મધ્યક્રમમાં તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે ઇનિંગ્સ સંભાળવાનો પ્રયત્ન કર્યો. તિલકે 31 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી, પરંતુ રોયલોફ વાન ડેર મર્વે લોગાન વાન બીકની બોલિંગ પર શાનદાર ડાઇવિંગ કેચ લઈને તેમને આઉટ કર્યા. સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 34 રન બનાવ્યા, પરંતુ કાઇલ ક્લેનની બોલિંગ પર વિકેટ ગુમાવતા ભારત 110/4 પર પહોંચી ગયું.

આ સંજોગોમાં શિવમ દુબેએ મેચનો રૂખ બદલ્યો. માત્ર 31 બોલમાં 66 રન ફટકારી તેમણે બાઉન્ડરી અને છગ્ગાની વરસાદ વરસાવી. તેમની ઇનિંગ્સમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. હાર્દિક પંડ્યાએ 21 બોલમાં 30 રનની મહત્વપૂર્ણ ફિનિશિંગ ઇનિંગ્સ રમી. અંતિમ ઓવરોમાં બંનેએ ઝડપી રન ઉમેરતાં ભારત 200 પાર જશે એવું લાગી રહ્યું હતું, પરંતુ અંતિમ ઓવરમાં લોગાન વાન બીકે બંનેને આઉટ કરતાં ભારત 193/6 પર અટક્યું. વાન બીક 3 વિકેટ સાથે નેધરલેન્ડ્સના સૌથી સફળ બોલર રહ્યા.

194 રનના લક્ષ્યનો પીછો કરતા નેધરલેન્ડ્સની શરૂઆત સંતુલિત રહી. છઠ્ઠા ઓવરમાં મેક્સ 35 રન બનાવી આઉટ થયા. ત્યારબાદ 51ના સ્કોરે માઈકલ લેવિટ પણ પેવેલિયન પરત ફર્યા. બાસ ડી લીડે અને કોલિન એકરમેન વચ્ચે સારી ભાગીદારી ઉભી થઈ, પરંતુ ભારતીય બોલર્સે મધ્ય ઓવરોમાં દબાણ વધાર્યું અને મેચ પર કાબૂ મેળવ્યો.

ભારતીય બોલિંગ લાઇનઅપે સચોટ યોર્કર અને સ્પિનથી નેધરલેન્ડ્સને રન બનાવવામાં મુશ્કેલી ઊભી કરી. દબાણ હેઠળ નેધરલેન્ડ્સની બેટિંગ લાઇનઅપ તૂટી પડી અને ભારતે મેચ પર સંપૂર્ણ કાબૂ જમાવ્યો. આ જીત સાથે ભારત સુપર-8 પહેલા મજબૂત સંદેશ આપવા સફળ રહ્યું.

આ મુકાબલો માત્ર એક જીત નહીં પરંતુ ટીમના બેન્ચ સ્ટ્રેન્થ અને ફિનિશિંગ ક્ષમતા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થયો. શિવમ દુબેની તોફાની ઇનિંગ્સે દર્શાવ્યું કે મધ્યક્રમમાં ભારત પાસે શક્તિશાળી વિકલ્પો છે. હવે નજર સુપર-8ના મુકાબલાઓ પર રહેશે, જ્યાં પડકાર વધુ કઠિન બનવાનો છે.

 

પંચાંગ 19/02/2026

મેક્રોન અને બૉલિવૂડનું મહામિલન જુઓ તસવીરોમાં

ફિલ્મ હસ્તીઓએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમના પત્ની બ્રિજિટ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. મુલાકાતમાં ફ્રાન્સ અને ભારત ફિલ્મ ઉદ્યોગ દ્વારા સહયોગને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય અને વાર્તા કહેવાના વ્યાપને કેવી રીતે વિસ્તૃત કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમના પત્ની બ્રિજિટ મેક્રોને ફિલ્મ ઉદ્યોગના સેલેબ્સ સાથે મુલાકાત કરી હતી. તાજમહેલ પેલેસ હોટેલમાં થયેલી લગભગ બે કલાકની લંચ મીટિંગમાં ઝોયા અખ્તર, શબાના આઝમી, મનોજ બાજપેયી, અનિલ કપૂર, કબીર ખાન, નીરજ ઘાયવાન, રિચા ચઢ્ઢા અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજ સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી.

ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિજિટ મેક્રોન ફિલ્મ હસ્તીઓ સાથે લંચમાં રાતાટુઈલ અને સ્વાદિષ્ટ પનીર ભુર્જીનો આનંદ માણ્યો. લંચમાં ઈન્ડો-ફ્રેન્ચ વાનગીઓનો સમાવેશ થતો હતો, જેમાં રાતાટુઈલ, પનીર ભુર્જી ડમ્પલિંગ, સ્ટ્રોબેરી ડેઝર્ટ અને કુલ્ફીનો સમાવેશ થતો હતો.

મેક્રોને ઈન્સ્ટાગ્રામ પર મીટિંગના ફોટા શેર કર્યા. તેમણે લખ્યું કે “ભારતીય સિનેમાના દિગ્ગજો સાથે, સંસ્કૃતિ આપણને એક કરે છે.”

ફ્રેન્ચ પ્રતિનિધિમંડળનો ભાગ રહેલા રિકી કેજે સમજાવ્યું કે બધાએ ફિલ્મ નિર્માણ દ્વારા ફ્રાન્સ અને ભારત વચ્ચેના સંબંધોને કેવી રીતે મજબૂત બનાવવા અને ભારતમાં ફ્રેન્ચ વાર્તાઓ અને ફ્રાન્સમાં ભારતીય વાર્તાઓ કેવી રીતે કહી શકાય તેની ચર્ચા કરી. “અમે બંને દેશો વચ્ચેના નાણાકીય સંબંધોનો લાભ કેવી રીતે લેવો અને બંને દેશોમાં લોકપ્રિય સારી ફિલ્મો કેવી રીતે બનાવવી તેની પણ ચર્ચા કરી.” અભિનેતા અનિલ કપૂરે પણ બપોરને વ્યક્તિગત રીતે ખાસ ગણાવી.

રાષ્ટ્રપતિ મેક્રોન 17 થી 19 ફેબ્રુઆરી સુધી ભારતની મુલાકાતે છે. આ તેમની ભારતની ચોથી અને મુંબઈની પહેલી મુલાકાત છે.

AMAમાં MSME કોન્ક્લેવ ૨૦૨૬નું આયોજન 

અમદાવાદ: મેનેજમેન્ટ ફેસ્ટ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા “ઓપોર્ચ્યુનિટીઝ ફોર એમએસએમઈઝ” વિષય પર કોન્ક્લેવ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું.AMAના પ્રમુખ રાજીવ ગાંધી (મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડ)એ પ્રારંભિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે “આ કોન્ક્લેવનો હેતુ MSMEને બદલાતા આર્થિક લેન્ડસ્કેપમાં કેવી રીતે આગળ વધવું અને મજબૂત બિઝનેસ મોડલ કેવી રીતે બનાવવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો છે. ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ નથી રહ્યું; તે બાયો-ફાર્મા અને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક પ્રયોગશાળા બની રહ્યું છે. ૨૦૨૬નું વાતાવરણ એમએસએમઈઝને વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવા માટે જરૂરી ‘ચૅમ્પિયન’ સ્ટેટસ પ્રદાન કરે છે.” ડૉ. જૈમિન આર. વસા (ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, વસા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ) દ્રારા આ થીમ વિશે વધુ પરિચય આપવામાં આવ્યો હતો.

ફિક્કી ગુજરાત કાઉન્સિલના ચેરમેન ગોકુલ જયકૃષ્ણ (CEO અને MD, અસાહી સોંગવોન કલર્સ લિમિટેડ)એ જણાવ્યું હતું કે, “૨૦૨૬ની શરૂઆતથી જ ગુજરાત ભારતનાં MSME ક્ષેત્ર માટે વૃદ્ધિનું મુખ્ય એન્જિન રહ્યું છે. તાજેતરના કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ અને ‘આત્મનિર્ભર ગુજરાત યોજના’ (જે ૨૦૨૭ સુધી લંબાવવામાં આવી છે) સાથે, રાજ્ય ડીપ-ટેક, ગ્રીન એનર્જી અને હાઈ-વેલ્યુ મેન્યુફેક્ચરિંગને પ્રાથમિકતા આપી રહ્યું છે. હવે ધ્યાન પરંપરાગત મેન્યુફેક્ચરિંગથી હટીને “સનરાઇઝ સેક્ટર્સ” એટલે કે સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન એનર્જી, એગ્રો-ટેક અને ફૂડ પ્રોસેસિંગ, તેમજ ફાર્મા અને બાયો-ફાર્મા પર કેન્દ્રિત થયું છે.”મનોજ કુમાર વત્સ (જોઈન્ટ ડિરેક્ટર અને એચઓઓ, એમએસએમઈ-ડીએફઓ, ભારત સરકાર); તેજસ મહેતા (આસિસ્ટન્ટ કમિશનર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર); પિલક શાહ (હોલ ટાઈમ ડિરેક્ટર, હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ); અને અમોલી શાહ (ડિરેક્ટર, પ્રશાંત ગ્રુપ) દ્રારા પેનલ ડિસ્કશનને સંબોધિત કરતા વિવિધ તકો તેમજ મૂલ્યવાન વિચારો વિચારો રજૂ કર્યા હતા.