નવી દિલ્હીઃ ત્રીજી ફેબ્રુઆરીની બપોરે સાહિલ દિલ્હીના દ્વારકા સેક્ટર-11ની એક રોડ પર બાઈક ચલાવી રહ્યો હતો. તેની આગળ એક બસ ચાલી રહી હતી. તેણે બસને ઓવરટેક કરવાની કોશિશ કરી, એટલામાં સામે તરફથી તેજ ઝડપે આવી રહેલી સ્કોર્પિયોએ તેને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકના ટુકડા થઈ ગયા અને તે ત્રણ ભાગમાં વહેંચાઈ ગઈ. સાહિલનું સ્થળ પર જ મોત થયું.
આ કોઈ પહેલી ઘટના નથી. દેશમાં માર્ગ અકસ્માતોનો ઈતિહાસ દુખદ અને ભયાનક રહ્યો છે. નિયમો ભલે કેટલા પણ કડક બનાવવામાં આવે અને સજા કેટલીય કઠોર કરાઈ હોય, પરંતુ બેદરકારીથી વાહન ચલાવવાની વૃત્તિ સંપૂર્ણપણે બંધ થતી નથી અને નિયમોના અમલમાં પણ કડકાઈ દેખાતી નથી. પરિણામે રસ્તાઓ બદલાય છે, નામો બદલાય છે, પરંતુ જાન ગુમાવનારાઓની સંખ્યા વધતી જ રહે છે અને પરિવારો આવી રીતે ઊઝડતા રહે છે.
કેન્દ્ર સરકારના આંકડા દર્શાવે છે કે 2019 અને 2020માં માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ ત્યાર બાદ સતત એમાં વધારો થયો છે. 2022માં દેશમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા હતા અને તેમાં 11.9 ટકાનો વધારો થયો હતો. સરકારે છેલ્લે 2023માં આંકડા જાહેર કર્યા અને તેમાં પણ અકસ્માતોમાં 4.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 2023માં કુલ 4,80,583 અકસ્માતો નોંધાયા હતા.
કેન્દ્ર સરકારની વ્યાખ્યા મુજબ જો કોઈ માર્ગ અકસ્માતમાં એકથી વધુ વ્યક્તિનાં મોત થાય તો તેને ભીષણ માર્ગ અકસ્માત (Fatal Accident) કહેવાય છે. 2022માં આવા અકસ્માતોની સંખ્યા 1,55,781 હતી, જે 2023માં વધીને 1,60,509 થઈ ગઈ. એટલે કે સીધા શબ્દોમાં કહીએ તો 3.04 ટકાનો વધારો નોંધાયો છે.
2023 માટેનો એક વધુ ચિંતાજનક આંકડો પણ સામે આવ્યો છે. દેશના કુલ માર્ગ નેટવર્કના આશરે પાંચ ટકા હિસ્સો ધરાવતા હાઇવે પર કુલ અકસ્માતોના 53 ટકા કરતાં વધુ અને કુલ મૃત્યુના 59 ટકા કેસ નોંધાયા છે. એ જ રીતે 2023માં કુલ અકસ્માતોમાંથી 31.2 ટકા અને કુલ મૃત્યુમાંથી 36.5 ટકા કેસ રાષ્ટ્રીય હાઇવેઝ પર નોંધાયા હતા.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તામિલનાડુ વીજળી બોર્ડને આકરી ફટકાર લગાવી છે. તામિલનાડુ વીજળી બોર્ડ ગ્રાહકોને મફત વીજળી આપવાની વાત કરી રહ્યું હતું. આવા જ એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી કે રાજ્યો મફત સુવિધાઓ આપવાના કામમાં લાગી ગયાં છે, જેને કારણે આર્થિક વિકાસ પર અસર પડી શકે છે.
જસ્ટિસ સૂર્યકાંત સહિત અન્ય ન્યાયાધીશોએ મામલાનો નોંધ લેતાં જણાવ્યું હતું કે દેશનાં અનેક રાજ્ય પહેલેથી જ ખોટમાં ચાલી રહ્યાં છે, છતાં વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાને બદલે મફત સુવિધાઓ વહેંચવામાં વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોર્ટે આગળ કહ્યું હતું કે જે લોકો ચુકવણી કરવામાં અસમર્થ છે તેમની મદદ કરવી સમજાય તેવી બાબત છે, પરંતુ અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદભાવ કર્યા વગર સૌને મફત સુવિધા આપવી ખોટી નીતિ છે.
ભારત માટે આપણે કેવા કાર્ય સંસ્કાર ઈચ્છીએ છીએ?
કોર્ટ અહીં અટકી નહીં. કોર્ટે ચેતવણી આપતાં કહ્યું હતું કે જો સવારથી સાંજ સુધી મફત ભોજન, સાઇકલ અને વીજળી મળતી રહેશે, તો લોકોમાં કામ કરવાની ભાવના ઓછી થઈ જશે. સુનાવણી દરમિયાન કોર્ટે તમામ રાજ્યોને સલાહ આપી કે મફત વસ્તુઓ વહેંચવાને બદલે રોજગારીની તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો કે ભારત માટે આપણે કેવા કાર્ય સંસ્કાર ઇચ્છીએ છીએ?
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી કેમ મહત્વપૂર્ણ?
હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષોને નોટિસ જારી કરી છે. આગામી સુનાવણીમાં નક્કી થશે કે મફત વીજળી યોજનાઓ પર કયા નિયમો લાગુ કરી શકાય. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ખાસ કરીને તેથી મહત્વપૂર્ણ છે કે ચૂંટણી સમયે ઘણાં રાજ્ય આવી મફત યોજનાઓની જાહેરાત કરે છે. દિલ્હીમાં એક સમયે આપ સંયોજક અરવિંદ કેજરીવાલે પણ મફત વીજળીનું વચન આપ્યું હતું. ત્યાર બાદ અન્ય રાજ્યોમાં પણ આવી જાહેરાતો થવા લાગી. જોકે સરકારી આંકડા દર્શાવે છે કે ઘણાં રાજ્ય દેવાંના બોજ હેઠળ દબાયેલાં છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત નથી.
મુંબઈ:ચિત્રલેખા પરિવારની નાનકડી તનાયા મનન કોટકે સ્ટેજ પર ચઢીને માઈક હાથમાં લીધું ત્યારે પ્રેક્ષકોએ સાનંદાશ્ર્ચર્યની તાળીઓથી એને વધાવી. એ કોઈ રિયાલિટી શો કે ટેલેન્ટ કૉન્ટેસ્ટ નહોતી, પણ ભારતના જાણીતા ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વલ્લભ ભણસાલીના અનોખા જીવનકર્મને ઊજવવાનો અનોખો મહોત્સવ હતો.શુક્રવાર, ૧૩ ફેબ્રુઆરીની સોહામણી સાંજે મુંબઈના બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)સ્થિત નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસસી)ના ગમતીલા પરિસરમાં વલ્લભ ભણસાલીના જીવન-શિક્ષણને શબ્દદેહમાં ઉતારતા પુસ્તક લાઈફ, બિઝનેસ ઍન્ડ સ્પિરિચ્યુઅલ વિઝડમ-વલ્લભ ભણસાલીના વિમોચનનો એ વિરલ પ્રસંગ હતો.ચિત્રલેખાના વાઈસ ચૅરમૅન મનન કોટક સાથેના અનેક વાર્તાલાપ, જાહેર સંબોધનો અને નિકટની વ્યક્તિઓનાં સંસ્મરણો પર આધારિત આ પુસ્તક મનન કોટકે જ લખ્યું અને સંપાદિત કર્યું છે, જેમાં એક સાચા ભારતીય સ્વપ્નદ્રષ્ટાનાં કાલાતીત જ્ઞાન અને આદર્શોનો અર્ક રજૂ થયો છે.સમારોહનો મૂડ સેટ કરતાં તનાયા મંચ પરથી કહે: ‘વલ્લભ અંકલના બહુ મોટા ચાહક એટલે મારા પિતા. અંકલને મળીને પપ્પા ઘરે આવે ત્યારે એકદમ ખુશ હોય, કેમ કે એમની પાસેથી પપ્પાને ઘણી પડકારભરી ક્ષણોમાં માર્ગદર્શન મળ્યું છે. હું મોટી થઈશ ત્યારે એ બધું સમજીશ. પપ્પાએ અમને બધાંને આ પુસ્તક વંચાવ્યું અને એનાથી અમારા જીવનમાં પરિવર્તન આવ્યું, તમે વાંચશો તો તમારા જીવનમાં પણ આવશે. નાઉ ઓવર ટુ દાદા.’તનાયાના દાદા એટલે ચિત્રલેખાના ચૅરમૅન મૌલિક કોટક છ દાયકા જૂની વાતો વાગોળતાં કહે છે: ‘૧૯૬૪માં અમારી હિંદી વિદ્યા ભવન શાળાના ક્લાસ રૂમમાં મ્યુનિસિપાલિટી સ્કૂલમાંથી આવેલો એક છોકરો બેઠો. એકદમ ભણેશરી અને અદ્વિતીય બુદ્ધિમત્તાવાળો એ છોકરો એટલે વલ્લભ. સચોટ અને તથ્યપૂર્ણ અસાઈન્મેન્ટ માટે એ જાણીતો થયેલો. હું તો કહીશ કે ૧૦ વર્ષની વયે એ ડેટા ઍનાલિસિસ કરવા માંડેલો. આગળ જતાં ભારતીય મૂડીબજારનો એક સ્તંભ બન્યો અમારો વલ્લભ. સાથે જ ગ્લોબલ વિપશ્યના ફાઉન્ડેશનના સંચાલક તરીકે એણે અનેક લોકો સુધી વિપદામાં સ્થિતપ્રજ્ઞ રહેવાનું વિજ્ઞાન પહોંચાડ્યું. આજે વલ્લભના આ વિઝડમની ગંગાપ્રસાદી લેવા આપણે ભેગા થયા છીએ.’મૌલિકભાઈની સંક્ષિપ્ત વાણી પછી મનન કોટક આ બુક પ્રોજેક્ટની રસપ્રદ વાતો કરતાં કહે: ‘૧૩ વર્ષ પહેલાં મેં ફૅમિલી મૅનેજ્ડ બિઝનેસ અંગેનો એક કોર્સ કર્યો હતો. એમાં અમારા શિક્ષક પરિમલ મર્ચન્ટે કહ્યું કે આ વિષય પર એક વાર વલ્લભ ભણસાલી વક્તવ્ય આપવા આવ્યા હતા, જેની ડીવીડી લાઈબ્રેરીમાં છે. બસ, પછી તો મેં એ ડીવીડી મેળવી, જોઈ, વારંવાર જોઈ, વાગોળી, કાગળ પર એની વિગતો ઉતારી. એમાં આત્માને સ્પર્શી જાય એવું જ્ઞાન છલકતું હતું.’ત્યાર પછી કોઈ કામથી અથવા અમથા જ મનનભાઈ એમના પ્રિય વલ્લભ અંકલને મળવાનો, એમની સાથે ગોઠડી માંડવાનો અવસર ખોળતા રહેતા. એ બેઠકોમાંથી જે ડહાપણ વહી નીકળ્યું એ મનન કોટકે આ પુસ્તકમાં સમાવ્યું છે. મનનભાઈ કહે છે: ‘વલ્લભભાઈ પોતે સામેની વ્યક્તિ, કંપની કે દેશને શું આપી શકે એ જ વિચારતા હોય છે, પણ એટલા નમ્ર છે કે પુસ્તકના આઈડિયાને ટેરિબલ આઈડિયા (ભયાનક વિચાર) કહીને વાંચવાની જ ના પાડી દીધી હતી.’
અહીં વલ્લભભાઈ હળવા સ્મિત સાથે કબૂલે છે: ‘મારી સાથે પનારો પાડવો સહેલો નથી. મેં મનનને કહેલું પણ ખરું કે તારો મારી સાથેનો અનુભવ સારો હોય તો પણ બીજાને એનો શો ઉપયોગ. જો કે મનન ગંભીર હતો. મને એના પ્રત્યે પ્રેમ અને આદર છે.’આ પુસ્તકમાં વલ્લભ ભણસાલીના સાઠ પ્રેરણાદાયી ક્વોટ છે. એમાંનાં છ અવતરણને સ્ક્રીન પર દાખવીને સમારંભમાં વલ્લભભાઈ સાથે ચર્ચા કરવામાં આવી, જે થકી એમની સકારાત્મક માનસિકતા અને સારપ શોધવાની વૃત્તિ સામે આવી, જેમ કે આજે મોટા ભાગની કંપની એમના કર્મચારીઓ પાસે ગજાબહારનું કામ લે છે ત્યારે વલ્લભભાઈ પોતાના સ્ટાફ પર આવો ભાર મૂકતા નહીં. એમનું ફોકસ ઉત્તમ કાર્યકુશળતા સાથે ઝીણવટપૂર્વક કાર્ય કરી ઉચ્ચ ગુણવત્તાનું પરિણામ મેળવવા પર રહેતું.વલ્લભભાઈએ ઍપલના સંસ્થાપક સ્ટીવ જૉબ્સનો કિસ્સો ટાંકીને કહ્યું કે ઍપલના ફોનના બૅક કવરની અંદરની બાજુની ડિઝાઈનમાં સંતોષ ન થયો ત્યાં સુધી સ્ટીવે એ ફોન માર્કેટમાં મૂક્યો નહોતો. એ જ રીતે, ઈટાલીના વિશ્ર્વવિખ્યાત કલાકાર માઈકલ એન્જલોને કોઈએ પૂછેલું કે ચર્ચની ઉપર પાછળની બાજુએ બહુ મહેનતથી બનાવેલાં ચિત્રો મૂકવાનો શો અર્થ છે, કેમ કે કોઈ એ જોવાનું નથી. તો એમણે ઉત્તર આપ્યો હતો કે ભગવાન તો જોશે જ ને.
એ જ રીતે, બિઝનેસમાં એથિક્સ (નૈતિકતા)નું કેટલું મહત્ત્વ છે એ સમજાવવા વલ્લભભાઈએ ઈન્ફોસિસ તથા તાજમહાલ હોટેલના મૅનેજમેન્ટના દાખલા પણ ટાંક્યા હતા.
પુસ્તકમાં એમનું એક અવતરણ છે: Leave retribution and justice to nature અર્થાત્ પ્રતિશોધ (બદલો લેવાની ભાવના) અને ન્યાયને કુદરત પર છોડી દો. આ ક્વોટના સંદર્ભમાં એક પ્રેક્ષકનો પ્રશ્ર્ન હતો કે દેણદાર પૈસા પરત નથી આપતો તો શું કરવું? વલ્લભભાઈએ સલાહ આપી કે પૈસા પરત મેળવવા શક્ય હોય એ બધું જ કરો, પણ એ કરવામાં અંદરથી અશાંત ન થઈ જાવ, જીવનમાં નકારાત્મકતા ન પ્રવેશે એનું ધ્યાન રાખો. ઉઘરાણીમાં જ શક્તિ વેડફવા કરતાં બીજી ઉપયોગી બાબતોમાં ઊર્જા ખર્ચો.
૧૯૯૨ના સિક્યોરિટી સ્કૅમમાં જેલવાસ ભોગવનાર ભૂપેન દલાલે એક વાર વલ્લભભાઈને કહેલું કે જેલમાં હું સતત એવું જ વિચારતો કે મારી સામે ખોટી સાક્ષી આપનારને કઈ રીતે સીધો કરવો. પછી આ ઈચ્છા મેં એક જૈનાચાર્ય સમક્ષ વ્યક્ત કરી તો જવાબ મળ્યો કે તારે બદલો લેવો છે, પણ આટલાં વર્ષ તું રાત-દિન પોતાની જાત સાથે બદલો જ લેતો હતો ને?!
આવાં અનેક જ્ઞાનમોતી ઉલેચ્યા પછી મનન કોટકે જ્યારે વલ્લભભાઈને એમની વૉરેન બફેટ અને ચાર્લી મંગેર સાથેની અંગત મુલાકાત વર્ણવવાનું કહ્યું ત્યારે પ્રેક્ષકોને તો જલસો જ પડી ગયો. દુનિયાની ટોચની ઈન્વેસ્ટમેન્ટ કંપની બર્કશાયર હેથવેના આ વયોવૃદ્ધ પાર્ટનર્સ અને દુનિયાના સૌથી ધનિક માણસોમાંના બે એવા વૉરેન અને ચાર્લી વિશે વલ્લભ ભણસાલી કહે છે: ‘નમ્રતા, સામેવાળાને આદર આપવાની વૃત્તિ, સતર્કતા અને રમૂજવૃત્તિ જેવા ગુણોએ એ બન્નેને વિશેષ બનાવ્યા. કોઈ પણ મીટિંગ એ લોકો હંમેશાં રમૂજ અને જોકથી શરૂ કરતા.’
આવા તો કેટલાય મહાપુરુષોનાં જીવનમાંથી વલ્લભજી કંઈ ને કંઈ શીખ્યા. કિશોરાવસ્થામાં એમણે ભગવદ્ગીતાના કાલાતીત જ્ઞાનને વાંચ્યું, સમજ્યું અને જીવનમાં અપનાવ્યું, જેથી વાસ્તવિકતાના સહજ સ્વીકારનો ગુણ એમનામાં ખીલ્યો. સાથે જ સેલ્ફ ડાઉટિંગ (આત્મ-સંદેહ)ની વૃત્તિ દૂર થઈ.
એક વાર મનન કોટક પોતાના કોઈ નિર્ણય વિશે શંકાશીલ હતા એટલે વલ્લભભાઈનું માર્ગદર્શન માગ્યું તો એમણે કહેલું કે બેટા, ચિંતા નહીં કરતો. ક્યારેક શ્રેષ્ઠ બૅટ્સમેન પણ શૂન્ય રને આઉટ થતા હોય છે, જેમ કે ભારતના એક જાણીતા ઈન્ડસ્ટ્રિયાલિસ્ટે અતિ મોટો પ્રોજેક્ટ એક વ્યક્તિને સોંપ્યો હતો, પણ એ નિષ્ફળ ગયો, છતાં એની શક્તિમાં વિશ્ર્વાસ રાખીને બીજું કામ પણ આપ્યું. આમ કોઈની આવડતમાં અતૂટ ભરોસો મૂકનારા એ ઉદ્યોગપતિએ ભારતના કૉર્પોરેટજગત માટે સૌથી વધારે અને સૌથી સક્ષમ લીડર્સ પેદા કર્યા છે.સમારોહ દરમિયાન રસપ્રદ સવાલ એ પુછાયો કે ૭૪ વર્ષના વલ્લભભાઈએ સમજો કે ૩૬ વર્ષના વલ્લભ ભણસાલીને સલાહ આપવાની થાય તો શું કહે? આ પ્રશ્ર્નનો ઉત્તર એમણે આમ આપ્યો: ‘પહેલું, ઉત્કૃષ્ટતા મેળવવાની ધગશ રાખો અને બીજું, બીજાને મદદ કરવાની તક ક્યારેય ન ગુમાવો. ઉપરાંત તમારી આધ્યાત્મિકતાનો પડઘો તમારા બિઝનેસમાં અચૂક ઝિલાવો જોઈએ.’
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પધારેલા મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ વિભાગના મંત્રી મંગલ પ્રભાત લોઢા આવું સરસ મજાનું પુસ્તક રજૂ કરવા બદલ મનન કોટકને અભિનંદન આપીને કહે: ‘હું જીવનમાં બહુ ઓછા લોકોથી પ્રભાવિત થાઉં છું, પણ એમાંના એક માનનીય વ્યક્તિ વલ્લભ ભણસાલી છે. એ બિઝનેસ કરતા ત્યારે લોકો એમને સાંભળવાની તક શોધતા. હવે જીવનના બીજા તબક્કામાં પણ એમને મળીએ ત્યારે એ જે વાત કરે એનાથી વધુ ઉચિત કોઈ વાત હોઈ ન શકે એમ લાગે છે.’
લોઢાજી ભારપૂર્વક ઉમેરે પણ છે: ‘વલ્લભજીને નારાજ કરવાના જોખમે કહું છું કે તમે બિઝનેસની ઈનિંગ્સ તો સચીન તેન્ડુલકર જેવી ખેલી ને હવે સ્પિરિચ્યુલ ઈનિંગ્સ પણ ખેલી રહ્યા છો. તેમ છતાં તમારી આર્થિક ક્ષેત્ર પરની નિપુણતાનો ઉપયોગ તમારા માટે નહીં, પણ દેશ માટે કરો તો આભારી થઈશું. દેશને તમારી જરૂર છે.’
આ ઈવેન્ટમાં વલ્લભ ભણસાલીના ગુરુ દિવંગત પ્રોફેસર ઋષિકુમાર પંડ્યાનાં જોમદાર પ્રવચનની જૂની વિડિયો ક્લિપ પણ દર્શાવવામાં આવી હતી.
સમારોહના અતિથિ કોટક મહિન્દ્ર એસેટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર નીલેશ શાહે વલ્લભ ભણસાલી સાથેનાં જૂનાં સંસ્મરણો વાગોળીને કહ્યું કે અમારો સંબંધ એકલવ્ય અને દ્રોણાચાર્ય જેવો છે. વર્ષો પહેલાં એક મીટિંગમાં હું બહુ તેજ ગતિથી ઘણો ડેટા બોલી ગયો હતો. મીટિંગ પછી વલ્લભભાઈએ મારા ખભા પર હાથ રાખીને કહ્યું હતું કે આમ બુલેટ ટ્રેન ન ચલાવી હોત ને થોડું ધીમે ધીમે બોલ્યો હોત તો લોકોને સમજમાં આવત… મેં એ શીખ જીવનમાં એવી ગંભીરતાથી ઉતારી કે આજે લોકો પૂછે છે કે આટલું આસ્તે કેમ બોલો છો!
કૉર્પોરેટ વર્લ્ડમાં ભણસાલી સર સાથેના વર્ષોના સંપર્ક થકી હ્યુમન રિલેશન્સના અવનવા પાઠ શીખનારા નીલેશભાઈ કહે છે: ‘દેશના ટોચના પ્રોફેશનલ્સ વિશ્ર્વામિત્ર સમાગમ નામે એક ગ્રુપ ચલાવે છે, જેમાં ભારતને પ્રોડક્ટ નૅશન બનાવવાની, ટેક્ધોલૉજીમાં સતત આગળ રહે એની પૉલિસી બનાવવા વિશે ચર્ચા થાય છે. આ ગ્રુપની વાતચીતમાં મેક ઈન ઈન્ડિયા જેવા મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમનાં કઈ રીતે સારાં પરિણામો મેળવવાં એ વિશે વલ્લભભાઈની પૅશન મેં જોઈ છે.
આવો જ અનુભવ વ્યક્ત કરતાં એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ કહે છે: ‘૧૯૯૨ના સિક્યોરિટી સ્કૅમ પછી નૅશનલ સ્ટૉક એક્સચેન્જની સ્થાપના કરવા રચાયેલી પાંચ લોકોની ટીમમાં મને પણ સ્થાન મળેલુું. હું શૅરદલાલોને એમનો મત જાણવા માટે મળતો ત્યારે ગુજરાતીમાં વાત કરતો. વલ્લભભાઈ પણ મારી સાથે ગુજરાતીમાં બોલતા. જો કે મને વર્ષો પછી ખબર પડી કે એ ગુજરાતી નહીં, મારવાડી છે. એમનું માર્ગદર્શન તો મને મળતું જ, પણ એક વાર તો કોઈ કૉર્પોરેટ મીટિંગ પછી એમણે મને સીધી ઑફર આપી હતી કે નોકરી છોડવાનો અવસર આવે તો વિના સંકોચે મારી પાસે આવજે.’
૧૯૯૭માં એક મિત્રના કહેવા પર એ આશિષભાઈ વિપશ્યના શિબિરમાં જવા એટલા માટે માન્યા, કેમ કે વલ્લભ ભણસાલીએ પણ વિપશ્યના કરી હતી!
આશિષ ચૌહાણ કહે છે: ‘જ્ઞાનના ભાર વિના દરેક સેકન્ડે કોઈ પાસેથી શીખવાની ધગશ વલ્લભભાઈને ખાસ બનાવે છે, જેમ કે આ કાર્યક્રમના આરંભ પહેલાં ચા-પાણી વખતે વલ્લભભાઈએ બાળસહજ કુતૂહલથી મને પૂછ્યું હતું કે એઆઈનું શું લાગે છે? ભારત કઈ રીતે એનો લાભ મેળવી શકે?’
બીજી તરફ, સમારોહમાં ઉપસ્થિત રહેલા જાણીતા ઉદ્યોગપતિ અને વલ્લભભાઈના જૂના સહપાઠી વિજય કલાંત્રી હળવાશથી મંચ પરથી કહે: ‘કોઈ પણ વિષયમાં વલ્લભની સલાહ માગવા જાઓ તો એ એટલી સ્પષ્ટતાથી વાત કરે કે પછી બીજા કોઈ પાસે જવાની જરૂર જ ન પડે. વલ્લભ પાછો આવી ઍડ્વાઈઝ ફ્રીમાં આપે ને ખાસ તો લંચ સમયે જ બોલાવે એટલે ભોજનનો પણ લાભ મળે.’
સમારોહની વિશેષતા એ કે વલ્લભભાઈના મિત્રોએ વિડિયો ક્લિપ પાઠવીને એમની સાથેનાં જૂનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં અને પુસ્તક માટે એમને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલે રવીન્દ્રનાથ ટાગોરના એકલા ચાલો રે… ગીતની પંક્તિ ગાઈને પ્રેક્ષકોને ડોલાવ્યા હતા. ભણસાલી પરિવાર તરફથી આભારવિધિ વલ્લભભાઈનાં પુત્રી આભા શાહે કરી હતી, તો ચિત્રલેખા તરફથી મૌલિકભાઈ કોટકે.પુસ્તક વિમોચનની વિધિ એનએસસીનું ગૉન્ગ વગાડીને પૂરી કરવામાં આવી હતી. ત્યાર બાદ વલ્લભભાઈને બે શબ્દો બોલવાનો આગ્રહ કરાતાં એમણે હસીને કહ્યું: ‘એન્જોય ધ ડિનર.’ જો કે પ્રેક્ષકોએ ડિનર ટેબલને બદલે બુક સ્ટૉલ પર ધસારો કર્યો હતો અને પુસ્તક ખરીદીને એના પર વલ્લભભાઈના હસ્તાક્ષર લખાવવા પડાપડી કરી હતી.
નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં 32 વર્ષની એક મહિલા અને તેના નવજાત બાળકને કથિત રીતે ‘ચૂડેલ’ કહીને આગ લગાવી દેવામાં આવી હતી, એમ પોલીસે માહિતી આપી હતી. આ ઘટના મંગળવારે મોડી રાત્રે કુમારડુંગી થાણા વિસ્તારના એક ગામમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે આ મામલે ચાર લોકોને ધરપકડ કરવામાં આવી છે.
આ હુમલામાં મહિલાનો પતિ પણ ઘાયલ થયો હતો, પરંતુ તે કોઈ રીતે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. તેણે રાત પોતાના એક સગાના ઘરે વિતાવી અને બુધવારે સવારે થાણે જઈને ફરિયાદ નોંધાવી હતી.
તેની ફરિયાદ મુજબ મધરાતે કેટલાક લોકોના અવાજથી તેની ઊંઘ તૂટી. તેઓ તેને અને તેની પત્નીને બહાર બોલાવી રહ્યા હતા. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે લગભગ એક ડઝન લોકો ભેગા થયા હતા અને તેની પત્ની પર જાદુટોણા કરવાનો આરોપ લગાવી રહ્યા હતા.
તેની ફરિયાદ અનુસાર હોબાળાની વચ્ચે ભીડે તેની પત્ની પર, જેની ગોદમાં તેમનું નવજાત બાળક હતું, કેરોસીન રેડીને આગ લગાવી દીધી. પોલીસે જણાવ્યું હતું કે બંનેનાં સ્થળ પર જ મોત થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે પતિ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ તેને કુમારડુંગીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં નામ દર્શાવેલા ચાર પુરુષોની અમે ધરપકડ કરી છે. માત્ર અંધશ્રદ્ધાને આધારે આ ગુનામાં ભાગ લેનારી મહિલાઓની ઓળખ કરવાની કોશિશ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ પતિના એક સગા, જે એ જ ગામમાં રહેતા હતા, તેમનું મંગળવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું અને તેના માટે તેમણે તેની પત્નીને જવાબદાર ઠેરવી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે મામલો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ મુંબઈમાં આબોહવા પરિવર્તન જાગૃતિ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનું સન્માન કર્યું. બંનેએ પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો અને લોકોને ખાસ કરીને યુવાનોને ટકાઉ વિકાસ અને હરિયાળી જીવનશૈલી અપનાવવા વિનંતી કરી.
ભારતીય અવકાશયાત્રી અને ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ મુંબઈમાં આબોહવા પરિવર્તન જાગૃતિ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનું સન્માન કર્યું. આ કાર્યક્રમ પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા સંકટ વિશે જાગૃતિ લાવવા માટે યોજવામાં આવ્યો હતો.
પર્યાવરણીય સંરક્ષણ પર ભાર
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ આબોહવા પરિવર્તનની વધતી જતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી અને લોકોને પર્યાવરણીય રીતે જવાબદાર વર્તન અપનાવવા વિનંતી કરી. શુભાંશુ શુક્લાએ વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું કે અવકાશ સંશોધન પણ પૃથ્વીના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
સચિનનો સંદેશ
સચિન તેંડુલકરે યુવાનોને પર્યાવરણ સંરક્ષણને તેમના જીવનશૈલીનો ભાગ બનાવવા અપીલ કરી. તેમણે કહ્યું કે નાના પગલાં પણ મોટા ફેરફારો લાવી શકે છે. ઉપસ્થિતોએ ગ્રીન પહેલ અને ટકાઉ વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 20થી વધુ દેશો અને 500થી વધુ AI લીડર્સનું ભારતમાં સ્વાગત કર્યું હતું. ભારતમાં યોજાઈ રહેલી આ સમિટને તેમણે ગ્લોબલ સાઉથ માટે ગૌરવનો વિષય ગણાવ્યો. ભારત મંડપમમાં યોજાઈ રહેલી આ સમિટ દ્વારા એવો સંદેશ આપવાની આશા છે કે આવતાં વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગેની વૈશ્વિક ચર્ચાઓમાં ભારત કેવી રીતે નેતૃત્વ કરવા ઇચ્છે છે.
આ ઉદ્ઘાટન સત્ર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને સુરક્ષિત, નિષ્પક્ષ અને લોકોના હિતમાં AIના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. સમિટ દરમિયાન વડા પ્રધાન થનારા લીડર્સ પ્લેનરી સેશનમાં પણ ભાગ લેશે. આ સેશનમાં વિવિધ દેશોના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, મંત્રીઓ અને વૈશ્વિક સંસ્થાઓના ટોચના અધિકારીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત મુખ્ય પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પર આવશે. મુકેશ અંબાણી, સેમ અલ્ટમેન અને મેટાના એલેક્ઝાન્ડર વેંગનું પણ આજે કીનોટ સંબોધન રહેશે.
India is not just a part of the AI revolution, but is leading and shaping it. Speaking at the India AI Impact Summit in Delhi. https://t.co/m14PGy4LvI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે પ્રથમ વખત વાયરલેસ રીતે સિગ્નલ મોકલવામાં આવ્યા હતા, ત્યારે કોઈએ કલ્પના પણ કરી નહોતી કે એક દિવસ આખી દુનિયા રિયલ ટાઈમમાં એકબીજા સાથે જોડાઈ જશે. કૃત્રિમ બુદ્ધિમત્તા માનવ ઇતિહાસમાં એવો જ એક પરિવર્તનકારક મોરચો છે. આજે આપણે જે જોઈ રહ્યા છીએ અને જે ભવિષ્યવાણી કરી રહ્યા છીએ, તે તો તેના પ્રભાવની માત્ર શરૂઆત છે.
માનવીય ક્ષમતાઓને અનેક ગણી વધારી રહ્યું છે AI: PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે AI મશીનોને બુદ્ધિશાળી બનાવી રહ્યું છે, પરંતુ તેનાથી પણ વધુ, તે માનવીય ક્ષમતાઓને અનેક ગણી વધારી રહ્યું છે. ફક્ત એક જ ફરક છે – આ વખતે ગતિ અભૂતપૂર્વ છે અને તેનો વ્યાપ પણ અણધાર્યો છે. પહેલાં ટેક્નોલોજીનો પ્રભાવ દેખાવા માટે દાયકાઓ લાગતા. આજે મશીન લર્નિંગથી લઈને લર્નિંગ મશીન્સ સુધીનો સફર પહેલાથી ઘણો ઝડપી, ઊંડો અને વ્યાપક છે.
PM મોદીએ AIની શક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે AI એક પરિવર્તનકારી શક્તિ છે – દિશાહીન બનશે તો વિક્ષેપ લાવશે, પરંતુ યોગ્ય દિશા મળશે તો ઉકેલ બનશે.
પુણેઃ જિલ્લાના શિવનેરી કિલ્લામાં ભીડ બેકાબૂ બની ગઈ છે. છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, પરંતુ થોડા જ સમયમાં ભીડ ખૂબ વધી જતાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ શિવાજી જયંતીની અવસરે વિવિધ સંગઠનોના કાર્યકરો ‘શિવજ્યોત’ લઈને આવ્યા હતા. સૌને દર્શન કરવા હતા, જેને કારણે કિલ્લા પ્રાંગણમાં ભારે ભીડ જોવા મળી. સ્થળ પર પૂરતી પોલીસ વ્યવસ્થા ન હોવાથી થોડા સમય માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ‘હાથી દરવાજા’ વિસ્તાર અને ‘ગણેશ દરવાજા’ જેવા સાંકડા માર્ગોમાં જરૂરિયાત કરતાં વધુ ભીડ ભેગી થઈ ગઈ હતી. ત્યાં ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ અને અનેક મહિલાઓ તથા બાળકો ઘાયલ થયાં હતાં.
હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે આ ભાગદોડમાં કોઈનું મોત નથી થયું. આ પ્રકારની ઘટના પ્રથમ વખત નથી બની. સ્થળ બદલાય છે, રાજ્ય બદલાય છે, પરંતુ આવા બનાવો વારંવાર બનતા રહે છે. ક્યારેક પ્રશાસનની બેદરકારી તો ક્યારેક લોકોની ઉતાવળ આવા બનાવોનું મોટું કારણ બને છે.
આજે છે છત્રપતિ શિવાજી મહારાજ જયંતી
આજે છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે નાગપુર સહિત મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ શિવાજી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. નાગપુરના મહાલ વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે શિવાજીની પ્રતિમાનું અભિષેક કરવામાં આવ્યું. જળાભિષેક અને દુગ્ધાભિષેક કર્યા બાદ મહા આરતી કરવામાં આવી હતી. ઢોલ-તાશાના નાદ વચ્ચે શિવાજી મહારાજને વંદન કરવામાં આવ્યું.
જીવન એ કોઈ સીધી સડક નથી, પણ ઉબડખાબડ રસ્તા અને દુર્ગમ પહાડો વચ્ચેથી પસાર થતો એક રોમાંચક પ્રવાસ છે. ઘણી વાર આપણને લાગે કે એકાદ નિષ્ફળતા એ રસ્તાનો અંત છે, પણ વાસ્તવમાં એ તો માત્ર એક વળાંક હોય છે. સફળતાનો સ્વાદ એને જ મળે છે, જે પડકારોની સામે પીછેહઠ કરવાને બદલે પથ્થર સાથે ટકરાઈને પોતાનો માર્ગ કંડારવાની હિંમત રાખે છે. જ્યારે સંકલ્પ અડગ હોય અને મનમાં કંઈ કરી છૂટવાની તમન્ના હોય, ત્યારે કુદરત પણ રસ્તો કરી જ આપે છે. જીવનના સંઘર્ષોથી ગભરાવાને બદલે તેને ખમી લેવાની વૃત્તિ જ માનવીને વિજેતા બનાવે છે.
કહે છેને કે “કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.”
નાનકડી કીડી અનાજનો દાણો લઈને દીવાલ ચઢે છે ત્યારે અનેક વખત પડે છે છતાં હાર માન્યા વગર ફરી દાણો પકડીને દીવાલ પર ચઢે છે. પોતાના કદ કરતાં મોટા અનાજના દાણાને પકડીને લઈ જવામાં કીડી ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરતી હશે, છતાં અનાજના દાણાને એ છોડતી નથી. માણસને તો ભગવાને બુદ્ધિ અને બળ બંને આપ્યાં છે. શા માટે આપણે નિષ્ફળતા મળવાથી હતાશ થઈએ છીએ? જો નાનકડી કીડી ઝઝૂમવાનો જુસ્સો ધરાવતી હોય, તો આપણે શા માટે હિંમત હારી નિષ્ક્રિયતાની ચાદર ઓઢી સૂઈ જઈએ છીએ?
અમેરિકન લેખક-પ્રકાશક-ફિલસૂફ એલ્બર્ટ હ્યુબાર્ડ કહેતા કે “ઈટ ઈઝ ફ્રૉમ ધ ફૅઈલ્યૉર ધૅટ વન ગેટ્સ ધ વે… ઍન્ડ વે ટુ સક્સીડ” અર્થાત્ નિષ્ફળતા જ સફળતાનું સરનામું ચીંધે છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી એમ બબ્બે વખત વડા પ્રધાન રહેનારા બ્રિટિશ રાજદ્વારી વિન્સ્ટન ચર્ચિલનું જીવન નિષ્ફળતાથી ભરેલું હતું. શૈશવકાળમાં, ગણિતમાં સૂઝ ન હોવાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલ અવારનવાર એમને ટોકતા, ક્યારેક મારતા પણ ખરા. એમણે સ્કૂલો બદલી પણ બધે આ જ સ્થિતિ. એકમાં તો એ પ્રવેશ પરીક્ષામાં જ નાપાસ થયા. સૅન્ડહર્સ્ટ મિલિટરી કૉલેજની પ્રવેશ પરીક્ષામાં પણ નિષ્ફળતા મળી. વારંવાર નિષ્ફળ થવા છતાં તેમણે પ્રયત્ન ન ત્યજ્યો અને એક સમયે તેઓ બ્રિટનના વડા પ્રધાન બન્યા.
સન 2009માં કોલકાતામાં 900થી વધારે શિલ્પીનાં ટાંકણે કંડારાયેલું ભવ્ય નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ત્રણ વર્ષના અંતે શિખર સુધી ચણાઈ ગયેલું, પરંતુ અચાનક નિષ્ણાત ઈજનેરો સમક્ષ એક પડકાર આવ્યોઃ બંગાળની પોચી જમીનના કારણે નિર્માણાધીન મંદિરનો અમુક ભાગ જમીનમાં બેસી ગયો. આથી ફાઉન્ડેશનમાં જરૂરી ફેરફાર કરવાની આવશ્યક્તા જણાઈ. મૂંઝવણ એ હતી કે પૂર્ણતાના આરે આવી પહોંચેલા સ્ટ્રક્ચરનું શું કરવું?તે વખતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે, “આખું મંદિર ઉતારી, ફાઉન્ડેશનમાં જરૂરી ફેરફારો કરી પાછું બાંધો.” આ બહુ જ કપરું કામ હતું. છતાં, સાવચેતીથી આખું મંદિર ઉતારવામાં આવ્યું, પાયામાં જરૂરી ફેરફારો કરી પુનઃ ડિસેમ્બર, ૨૦૧૧માં મંદિરનિર્માણનું કાર્ય આરંભાયું. માત્ર ૨૬ મહિના બાદ જ્યારે આ મંદિર ભાવિકો માટે ખુલ્લું મુકાયું ત્યારે સૌ કોઈને આશ્ચર્ય હતું. પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય પ્રત્યેનો અભિગમ શીખવતા કહેતા કે, “મુશ્કેલીમાં કાર્ય કરે, તેને જ કાર્ય કર્યું કહેવાય.”
હા, સીધા સરળ રસ્તા પર ચાલવું એમાં શું ખરી મજા? ખરી મજા ડુંગરા ખૂંદવાની છે. સ્ટમ્પ અને ફિલ્ડર વગરની ક્રિકેટમાં શું મજા? મજા તો ત્રણ સ્ટમ્પને બચાવી, ફિલ્ડરો વચ્ચેથી બૉલ કાઢી ચોગ્ગા-છગ્ગા મારવામાં છે.
તો આવો, આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈ વિઘ્નોથી હાર્યા વિના, જીવનમાંથી નિષ્ફળતાને ખંખેરી સફળતાના સરનામે ડગ માંડીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
ટી20 વર્લ્ડ કપ 2026માં બુધવારે અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાયેલ મુકાબલો રોમાંચથી ભરપૂર રહ્યો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ટીમે 20 ઓવરમાં 193/6નો મજબૂત સ્કોર ઉભો કર્યો. આ જીત સાથે ભારતે લીગ સ્ટેજમાં પોતાની વિજયયાત્રા યથાવત રાખી, જ્યારે નેધરલેન્ડ્સ માટે ટુર્નામેન્ટનો અંત આવી ગયો.
ભારત રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં પોતાના ત્રણેય મુકાબલા જીતી ચૂકી છે અને સુપર-8 માટે ક્વોલિફાય કરી ચૂકી છે. બીજી તરફ નેધરલેન્ડ્સ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને માત્ર નામીબિયા સામે એક જીત મળી હતી અને આ પરાજય બાદ તેમની સફર સમાપ્ત થઈ.
India hold firm to extend their unbeaten run at the #T20WorldCup despite a strong Netherlands fight 👊
ભારત માટે શરૂઆત ફરી એકવાર નબળી રહી. અભિષેક શર્મા પહેલી જ ઓવરમાં આર્યન દત્તની બોલિંગ પર શૂન્ય રનમાં આઉટ થયા, જે આ વર્લ્ડ કપમાં તેમનો સતત ત્રીજો ડક રહ્યો. ઈશાન કિશને થોડો આક્રમક અંદાજ અપનાવ્યો, પરંતુ 18 રન બનાવી તેઓ પણ જલ્દી પેવેલિયન પરત ફર્યા. 39/2ના સ્કોર પર ભારત દબાણમાં હતું.
મધ્યક્રમમાં તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે ઇનિંગ્સ સંભાળવાનો પ્રયત્ન કર્યો. તિલકે 31 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી, પરંતુ રોયલોફ વાન ડેર મર્વે લોગાન વાન બીકની બોલિંગ પર શાનદાર ડાઇવિંગ કેચ લઈને તેમને આઉટ કર્યા. સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 34 રન બનાવ્યા, પરંતુ કાઇલ ક્લેનની બોલિંગ પર વિકેટ ગુમાવતા ભારત 110/4 પર પહોંચી ગયું.
With a fifty and two wickets, Shivam Dube had a perfect night as India beat Netherlands in the #T20WorldCup 🙌
આ સંજોગોમાં શિવમ દુબેએ મેચનો રૂખ બદલ્યો. માત્ર 31 બોલમાં 66 રન ફટકારી તેમણે બાઉન્ડરી અને છગ્ગાની વરસાદ વરસાવી. તેમની ઇનિંગ્સમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. હાર્દિક પંડ્યાએ 21 બોલમાં 30 રનની મહત્વપૂર્ણ ફિનિશિંગ ઇનિંગ્સ રમી. અંતિમ ઓવરોમાં બંનેએ ઝડપી રન ઉમેરતાં ભારત 200 પાર જશે એવું લાગી રહ્યું હતું, પરંતુ અંતિમ ઓવરમાં લોગાન વાન બીકે બંનેને આઉટ કરતાં ભારત 193/6 પર અટક્યું. વાન બીક 3 વિકેટ સાથે નેધરલેન્ડ્સના સૌથી સફળ બોલર રહ્યા.
194 રનના લક્ષ્યનો પીછો કરતા નેધરલેન્ડ્સની શરૂઆત સંતુલિત રહી. છઠ્ઠા ઓવરમાં મેક્સ 35 રન બનાવી આઉટ થયા. ત્યારબાદ 51ના સ્કોરે માઈકલ લેવિટ પણ પેવેલિયન પરત ફર્યા. બાસ ડી લીડે અને કોલિન એકરમેન વચ્ચે સારી ભાગીદારી ઉભી થઈ, પરંતુ ભારતીય બોલર્સે મધ્ય ઓવરોમાં દબાણ વધાર્યું અને મેચ પર કાબૂ મેળવ્યો.
ભારતીય બોલિંગ લાઇનઅપે સચોટ યોર્કર અને સ્પિનથી નેધરલેન્ડ્સને રન બનાવવામાં મુશ્કેલી ઊભી કરી. દબાણ હેઠળ નેધરલેન્ડ્સની બેટિંગ લાઇનઅપ તૂટી પડી અને ભારતે મેચ પર સંપૂર્ણ કાબૂ જમાવ્યો. આ જીત સાથે ભારત સુપર-8 પહેલા મજબૂત સંદેશ આપવા સફળ રહ્યું.
આ મુકાબલો માત્ર એક જીત નહીં પરંતુ ટીમના બેન્ચ સ્ટ્રેન્થ અને ફિનિશિંગ ક્ષમતા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થયો. શિવમ દુબેની તોફાની ઇનિંગ્સે દર્શાવ્યું કે મધ્યક્રમમાં ભારત પાસે શક્તિશાળી વિકલ્પો છે. હવે નજર સુપર-8ના મુકાબલાઓ પર રહેશે, જ્યાં પડકાર વધુ કઠિન બનવાનો છે.