એવા રેલવે ટ્રેક, જ્યાં મંઝીલ કરતાં સફરમાં વધુ મજા છે!

ટ્રેનની મુસાફરી દરેક ઉંમરના વ્યક્તિને ગમતી હોય છે. બારીમાંથી આવતી ઠંડી હવા, બદલાતા નજારા અને પાટા પરથી આવતો ટ્રેનનો એ અવાજ મનને એક અલગ જ શાંતિ આપે છે. ભારતમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા કેટલાય અનોખા રેલવે ટ્રેક આવેલા છે, જ્યાં ડેસ્ટિનેશન) સુંદર છે, એના કરતાં ત્યાં સુધી પહોંચવાની મુસાફરી વધુ યાદગાર અને રોમાંચક બની જાય છે.

પહાડોની વચ્ચેથી વાંકાચૂંકા રસ્તે જતી ટ્રેન હોય કે દરિયાના મોજાં વચ્ચેથી પસાર થતો ટ્રેક, આ સફર પ્રવાસીઓના દિલમાં હંમેશા માટે વસી જાય છે. તો ચાલો જાણીએ ભારતના એવા અનોખા રેલવે ટ્રેક-મુસાફરી વિશે…

કાલકા- શિમલા, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના સુંદર પહાડોમાં આવેલો કાલકા-શિમલા રેલવે ટ્રેક એ ભારતના સૌથી અનોખા એન્જિનિયરિંગ નમૂનાઓમાંથી એક છે, જેને યુનેસ્કો (UNESCO) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. આશરે 96 કિલોમીટર લાંબો આ નેરો-ગેજ ટ્રેક પહાડોને ચીરીને બનાવેલી 102 નાની-મોટી ટનલ (સુરંગ), 800થી વધુ ઐતિહાસિક કમાનવાળા પુલ અને અદભુત વળાંકોમાંથી પસાર થાય છે. મુસાફરી દરમિયાન બારીની બહાર દેખાતા પાઈન અને દેવદારના ગાઢ લીલાછમ જંગલો અને ઊંડી ખીણો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. શિયાળામાં જ્યારે આ આખો ટ્રેક બરફથી ઢંકાઈ જાય છે, ત્યારે અહીંની સફર કોઈ પરીઓની વાર્તા જેવી લાગે છે. આ અદભુત યાત્રા માણવા માટે ઓક્ટોબરથી નવેમ્બર અને ડિસેમ્બરથી ફેબ્રુઆરી લાઈવ સ્નોફોલ જોવા માટેનો સમય સૌથી ઉત્તમ છે. આ ટ્રેન હરિયાણાના કાલકા (Kalka) સ્ટેશનથી શરૂ થઈને શિમલા (Shimla) સુધી જાય છે, જેનું સામાન્ય ભાડું રૂપિયા70થી 300 અને લક્ઝરી વિસ્ટાડોમ કોચ માટે રૂપિયા 500થી 1300 હોય છે. અહીં ભીડ રહેતી હોવાથી પ્રવાસીઓએ બેથી ત્રણ મહિના પહેલાં એડવાન્સ બુકિંગ કરાવવું જરૂરી છે.

મેટ્ટુપાલયમ-ઊટી, તમિલનાડુ

દક્ષિણ ભારતના જાણીતા હિલ સ્ટેશન ઊટી જવા માટેનો આ ટ્રેક ભારતનો એકમાત્ર એવો રેલવે રૂટ છે જે ‘રેક અને પિનિયન’ સિસ્ટમ પર ચાલે છે, જે ટ્રેનને સીધા પહાડી ચઢાણ પર લપસ્યા વગર ચઢવામાં મદદ કરે છે. આશરે 46 કિલોમીટરની આ રોમાંચક મુસાફરીમાં ટ્રેન ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે, જ્યાં ટ્રેક વળાંકવાળા ઊંચા પુલો, ધુમ્મસથી ઘેરાયેલી ખીણો, ગાઢ જંગલો અને ચાના આલીશાન લીલાછમ બગીચાઓની બિલકુલ વચ્ચેથી ટ્રેન પસાર થાય છે. આ અદભુત મુસાફરી તમિલનાડુના કોઈમ્બતુર નજીક આવેલા મેટ્ટુપાલયમ (Mettupalayam) થી શરૂ થઈને ઊટી (Ooty) સુધી જાય છે, જેમાં સેકન્ડ ક્લાસનું ભાડું અંદાજે રૂપિયા 200 અને ફર્સ્ટ ક્લાસ કોચ માટે અંદાજે રૂપિયા 600થી 800 ચૂકવવા પડે છે. આ ટ્રેનમાં સીટો ખૂબ જ મર્યાદિત હોવાથી અને પ્રવાસીઓમાં ભારે ક્રેઝ હોવાને લીધે ઓછામાં ઓછા બે મહિના પહેલાં એડવાન્સ બુકિંગ કરાવવું જ હિતાવહ છે. અહીં ફરવા માટેનો બેસ્ટ સમય ઓક્ટોબરથી મે મહિનાની વચ્ચેનો છે, જ્યારે અહીંનું હવામાન ખૂબ જ આહલાદક હોય છે.

મંડપમ-રામેશ્વરમ, તમિલનાડુ

જો તમને એડવેન્ચર અને સમુદ્ર ગમતો હોય, તો આ રેલવે ટ્રેક તમારા માટે એક ન ભૂતો ન ભવિષ્યતિ એવો અનુભવ સાબિત થશે, કારણ કે આ ટ્રેક પ્રખ્યાત પામબન બ્રિજ પરથી પસાર થાય છે, જે હિંદ મહાસાગરના પાણીની બિલકુલ ઉપર બનેલો છે. આશરે 9 કિલોમીટરના આ ટૂંકા પણ અત્યંત રોમાંચક રૂટ પર જ્યારે ટ્રેન સાવ ધીમી ગતિએ સમુદ્રના પુલ પરથી પસાર થાય છે, ત્યારે મુસાફરોને એવું લાગે છે કે જાણે ટ્રેન સીધી પાણી પર જ ચાલી રહી છે. બંને બાજુએ અનંત સુધી ફેલાયેલો વાદળી સમુદ્ર સફરને મજેદાર બનાવે છે. આ ટ્રેન યાત્રા તમિલનાડુના મંડપમ (Mandapam) સ્ટેશનથી દરિયાઈ પુલ પાર કરીને રામેશ્વરમ (Rameswaram) ટાપુ સુધી જાય છે, જેનું ભાડું સામાન્ય એક્સપ્રેસ કે પેસેન્જર ટ્રેન પ્રમાણે ઓછું એટલે કે માત્ર રૂપિયા 30થી 150ની વચ્ચે હોય છે. આ રૂટ પર ચાલતી ટ્રેનોમાં એડવાન્સ બુકિંગની ખાસ જરૂર પડતી નથી.રેલવે સ્ટેશન પર જઈને તત્તકાલ ટિકિટ પણ સરળતાથી મળી રહે છે. અહીં ઓક્ટોબરથી માર્ચ મહિનાનો સમય સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

જલપાઈગુડી-દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના પ્રખ્યાત હિલ સ્ટેશન દાર્જિલિંગમાં ચાલતી આ ટોય ટ્રેન પણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન પામી છે, જે આશરે 88 કિલોમીટર લાંબો ટ્રેક ધરાવે છે. ઘણી જગ્યાએ સ્થાનિક બજારો તેમજ ઘરોની બિલકુલ બાજુમાંથી, રસ્તાની સમાંતર પસાર થાય છે. મુસાફરી દરમિયાન ટ્રેન જાણીતા ‘બતાસિયા લૂપ’ પરથી ગોળાકાર વળાંક લે છે, જ્યાંથી કાંચનજંગા પર્વતમાળાના બરફીલા શિખરો અને આખું દાર્જિલિંગ શહેર ખૂબ જ સુંદર દેખાય છે. આ રોયલ સફર પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી (NJP) થી હિલ સ્ટેશન દાર્જિલિંગ (Darjeeling) વચ્ચે થાય છે, જેનો ટિકિટ દર ડીઝલ એન્જિન ટ્રેન માટે અંદાજે રૂપિયા એક હજાર અને હેરિટેજ સ્ટીમ (વરાળ) એન્જિન વાળી ટ્રેન માટે રૂપિયા 1500થી 1600  સુધીનો હોય છે. દાર્જિલિંગ ટોય ટ્રેન વિશ્વભરના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર હોવાથી સીઝન દરમિયાન તમામ સીટો ફૂલ થઈ જાય છે.આ રૂટ માટે એકથી બે મહિના પહેલાં ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે. આ ટ્રેકની મજા માણવા માટે સપ્ટેમ્બરથી ડિસેમ્બર અને માર્ચથી મે મહિનાનો સમય સૌથી અનુકૂળ છે.

કોંકણ રેલવે, ગોવા અને કર્ણાટક બોર્ડર

ગોવા અને કર્ણાટકની સરહદ પર પશ્ચિમ ઘાટની પહાડીઓમાં આવેલો આ ટ્રેક પ્રકૃતિપ્રેમીઓ માટે કોઈ વરદાનથી ઓછો નથી, જેની સૌથી મોટી વિશેષતા એ છે કે પ્રખ્યાત ‘દૂધસાગર ધોધ’ ની બિલકુલ સામેથી આ ટ્રેક પસાર થાય છે. જ્યારે ટ્રેન પહાડોની લાંબી સુળંગમાંથી બહાર નીકળીને ધોધની નજીક પહોંચે છે, ત્યારે પાણી ઊંચાઈ પરથી નીચે ફેંકાતું જોઈને મુસાફરો રોમાંચિત થઈ ઉઠે છે. ચોમાસામાં અહીં ચારેય તરફ હરિયાળી ચાદર પથરાઈ જાય છે. આ અદભુત નજારો જોવા માટે તમારે ગોવાના મડગાંવ (Madgaon) થી કર્ણાટકના લોંડા (Londa Junction) સ્ટેશન તરફ જતી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવી પડે છે.  જેનું ભાડું સ્લીપર ક્લાસ માટે અંદાજે  રૂપેયા 150થી 250 અને થર્ડ એસી માટે અંદાજે 500થી 700 રૂપિયા હોય છે. આ કોઈ સ્પેશિયલ ટૂરિસ્ટ ટોય ટ્રેન નથી પરંતુ નિયમિત એક્સપ્રેસ ટ્રેનો હોવાથી, ચોમાસાના દિવસો સિવાય સામાન્ય દિવસોમાં આ રૂટ પર એક-બે અઠવાડિયા પહેલાં બુકિંગ કરાવતા ટિકિટ સરળતાથી મળી જાય છે. આ ટ્રેકનું અસલી રૌદ્ર સૌંદર્ય માણવા માટે ચોમાસાનો સમય એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર મહિનો સૌથી ઉત્તમ છે.

હેતલ રાવ