મુંબઈમાં ‘શબ્દસાધક શ્રેણી’માં કવિ પ્રબોધ પરીખ સાથે ગોષ્ઠિનું આયોજન

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ‘શબ્દસાધક શ્રેણી’ અંતર્ગત આ શનિવારે મુંબઈના બોરીવલી ખાતે વરિષ્ઠ કવિ અને ચિંતક પ્રબોધ પરીખ સાથે વિશેષ ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે.

બોરીવલી ખાતે આગામી 8 ઓગસ્ટ, શનિવારના રોજ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ‘શબ્દસાધક શ્રેણી’ અંતર્ગત પ્રબોધ પરીખ સાથે વિશેષ ગોષ્ઠિ કાર્યક્રમ યોજાશે.
‘ઝરૂખો’ના સહયોગથી યોજાનારો આ કાર્યક્રમનું આયોજન સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ)ખાતે કરવામાં આવ્યું છે.

પ્રબોધ પરીખ ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોમાં સ્થાન ધરાવે છે. તેમની રચનાઓમાં ‘કારણ વિનાના લોકો’ વાર્તાસંગ્રહ, ‘કૌંસમાં’ કાવ્યસંગ્રહ તેમજ ‘પ્રિય ભાયાણી સાહેબ’ નામનો પત્રસંચય વિશેષ નોંધપાત્ર છે. સાહિત્ય ઉપરાંત તત્ત્વચિંતન અને કલાના ક્ષેત્રે પણ તેમણે મહત્વનું પ્રદાન આપ્યું છે. દેશ-વિદેશના અનેક પ્રતિષ્ઠિત મંચો પર તેમણે વ્યાખ્યાનો આપ્યાં છે અને વિદેશની યુનિવર્સિટીઓ તરફથી ફેલોશિપથી પણ સન્માનિત થયા છે.

અકાદમીની ‘શબ્દસાધક શ્રેણી’ અંતર્ગત ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકો સાથે સંવાદ અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી સાહિત્યરસિકોને સર્જકના વ્યક્તિત્વ, સર્જનપ્રક્રિયા અને સાહિત્યિક દૃષ્ટિકોણને નજીકથી જાણવાની તક મળે.

આ ગોષ્ઠિમાં કવયિત્રી પ્રો. સેજલ શાહ કવિ પ્રબોધ પરીખ સાથે સંવાદ અને પ્રશ્નોત્તરી કરશે, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા કરશે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને ‘ઝરૂખો’એ તમામ સાહિત્યપ્રેમીઓ આ જાહેર કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.