TTF અમદાવાદ 2026 માં પ્રવાસન સાથે સંસ્કૃતિનો અનોખો સંગમ સર્જાયો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહેલા Travel & Tourism Fair (TTF) અમદાવાદ-2026 ના બીજા દિવસે પ્રવાસન ઉદ્યોગની સાથે ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક પરંપરાઓ પણ કેન્દ્રસ્થાને રહી હતી. દેશ-વિદેશના પ્રવાસન પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલા આ ફેરમાં ગોવાના પરંપરાગત લોકનૃત્યોએ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

ગોવા પેવેલિયનમાં ‘સમાઈ નૃત્ય’ નું મુખ્ય આકર્ષણ

બીજા દિવસનું મુખ્ય આકર્ષણ ગોવા પેવેલિયન ખાતે રજૂ કરાયેલું ‘સમાઈ નૃત્ય’ (Lamp Dance) રહ્યું હતું. પરંપરાગત દીપક સાથે રજૂ થતું આ કોંકણી લોકનૃત્ય દેવી મ્હાલસા ને સમર્પિત છે અને ભક્તિ, શ્રદ્ધા તથા આધ્યાત્મિકતાનું પ્રતીક માનવામાં આવે છે. કલાકારોની મનમોહક રજૂઆતથી ઉપસ્થિત દર્શકો ગોવાની સાંસ્કૃતિક ધરોહરથી પ્રભાવિત થયા હતા.

પ્રસિદ્ધ ‘દેખણી’ નૃત્યથી લોકસંસ્કૃતિની સુંદર ઝાંખી

આ ઉપરાંત ગોવાના લોકજીવનની સુંદર ઝાંખી કરાવતું પ્રસિદ્ધ ‘દેખણી’ (Dekhni) નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું. પરંપરાગત કોંકણી લોકગીત ‘હાંવ સાયબા પોલતોડી વેતાં’ પર આધારિત આ નૃત્યમાં ગોવાની લોકસંસ્કૃતિ, સૌંદર્ય અને કલાત્મક પરંપરાનું આકર્ષક નિરૂપણ કરવામાં આવ્યું હતું. રંગબેરંગી વેશભૂષા અને જીવંત અભિનયે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.

900થી વધુ પ્રદર્શકો અને મોટી સંખ્યામાં નિષ્ણાતોની હાજરી

ગુજરાતના સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો તરીકે ઓળખાતા TTF અમદાવાદ-2026માં દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત 10 દેશોના 900થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. વિવિધ પ્રવાસન સ્થળો, સંસ્કૃતિ, આતિથ્ય અને પ્રવાસન સેવાઓને એક જ મંચ પર રજૂ કરતા આ ફેરમાં શુક્રવારે પણ નવા પ્રવાસન સ્થળોની માહિતી મેળવવા, પ્રવાસન ક્ષેત્રના નિષ્ણાતો સાથે સંપર્ક સાધવા તેમજ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાને નજીકથી અનુભવવા મોટી સંખ્યા ટ્રાવેલ પ્રોફેશનલ્સ એ મુલાકાત લીધી હતી.