પુણેઃ જિલ્લાના શિવનેરી કિલ્લામાં ભીડ બેકાબૂ બની ગઈ છે. છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, પરંતુ થોડા જ સમયમાં ભીડ ખૂબ વધી જતાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ શિવાજી જયંતીની અવસરે વિવિધ સંગઠનોના કાર્યકરો ‘શિવજ્યોત’ લઈને આવ્યા હતા. સૌને દર્શન કરવા હતા, જેને કારણે કિલ્લા પ્રાંગણમાં ભારે ભીડ જોવા મળી. સ્થળ પર પૂરતી પોલીસ વ્યવસ્થા ન હોવાથી થોડા સમય માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ‘હાથી દરવાજા’ વિસ્તાર અને ‘ગણેશ દરવાજા’ જેવા સાંકડા માર્ગોમાં જરૂરિયાત કરતાં વધુ ભીડ ભેગી થઈ ગઈ હતી. ત્યાં ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ અને અનેક મહિલાઓ તથા બાળકો ઘાયલ થયાં હતાં.
હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે આ ભાગદોડમાં કોઈનું મોત નથી થયું. આ પ્રકારની ઘટના પ્રથમ વખત નથી બની. સ્થળ બદલાય છે, રાજ્ય બદલાય છે, પરંતુ આવા બનાવો વારંવાર બનતા રહે છે. ક્યારેક પ્રશાસનની બેદરકારી તો ક્યારેક લોકોની ઉતાવળ આવા બનાવોનું મોટું કારણ બને છે.

આજે છે છત્રપતિ શિવાજી મહારાજ જયંતી
આજે છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે નાગપુર સહિત મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ શિવાજી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. નાગપુરના મહાલ વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે શિવાજીની પ્રતિમાનું અભિષેક કરવામાં આવ્યું. જળાભિષેક અને દુગ્ધાભિષેક કર્યા બાદ મહા આરતી કરવામાં આવી હતી. ઢોલ-તાશાના નાદ વચ્ચે શિવાજી મહારાજને વંદન કરવામાં આવ્યું.




