સોલા ભાગવત વિદ્યાપીઠમાં પુરુષોત્તમ માસમાં વિવિધ મનોરથોનું આયોજન

અમદાવાદઃ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શ્રીકલ્પતરુ પ્રસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિક માસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે “અધિકસ્ય અધિકં ફલમ્” શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો 17-05-26થી 15-06-26 સુધી અધિક જેઠ સુદ-એકમથી અધિક જેઠ વદ-30 અમાસ સુધી વિવિધ મનોરથ-ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. સોલા ભાગવત વિદ્યાપીઠમાં સંસ્થામાં અભ્યાસ કરતા ઋષિકુમાર માટે સુંદર રહેવાની વ્યવસ્થા સગવડ સ્વરૂપે આગામી સમયમાં ભવ્ય નૂતન છાત્રાલય ભવનનું નિર્માણકાર્ય હાથ ધરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી પૂ. ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આવતી કાલે  10 મેએ રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી) આદ્યસંસ્થાપક ભાગવત વિદ્યાપીઠ, શ્રી વલ્લ્ભનિધિ ટ્રસ્ટ, શ્રીકૃષ્ણનિધિ ટ્રસ્ટની 24મી અતિપાવન પુણ્યતિથિ નિમિત્તે ઋષિકુમાર દ્વારા પૂજન-અર્ચન ભાવવંદના કાર્યક્રમ તેમ જ વિખ્યાત વિક્રમ લાબડિયા ગ્રુપના સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ મોટી સંખ્યામાં સૌ વૈષ્ણવો-શ્રદ્ધાળુઓ લે તેવી અમારી નમ્ર અપીલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે અધિક માસને હું મારું નામ આપું છું એટલે અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી 17-05-26થી 15-06-26 સુધી અધિક જેઠ સુદ-એકમથી અધિક જેઠ વદ-30 અમાસ સુધી વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંવત્સરોવરથયાત્રા, ગોચારણલીલા, વસંતપંચમી, શ્રીનાથજીનું પ્રાગટ્ય, રાધાષ્ટમી-ગોપષ્ટમી, રામનવમી, નાવ મનોરથ, દાનલીલા મનોરથ, પવિત્રા એકાદશ. વામન જયંતી, મોરકુટી મનોરથ, નૃસિંહ જયંતી, શરદોત્સવ રાસ, છાક મનોરથ, ગોકુલ-મથુરા, આકાશ ઝુલા, જન્માષ્ટમી મહોત્સવ-નંદ મહોત્સવ, ગુંસાઈજીનો ઉત્સવ, સાવન-ભાદા, મહાપ્રભુજીનો ઉત્સવ, શીશ મહેલ, ગોવર્ધન પૂજા-અન્નકૂટ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શનનો લાભ લેવા વહાલા ભગવદીય વૈષ્ણવ ભક્તોને અમારુ ભાવભર્યું નિમંત્રણ છે. પૂ. શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠમાં અત્યાર સુધીમાં કુલ 5000થી પણ વધુ બ્રાહ્મણનાં બાળકો (ઋષિકુમારો) સંસ્કૃત તેમ જ વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરી તૈયાર થયા છે. જેના પરિણામ સ્વરૂપે મહાનગરોની કોન્વેન્ટ-સી.બી.એસ.સી સ્કૂલોમાં અહીંના વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. અહીંથી વિદ્યાભ્યાસ કરેલા ઋષિકુમારો ઘણાં ઉત્તમ કથાવાચક, કર્મકાંડી, જયોતિષી, તરીકે સમાજમાં પોતાની સેવા આપી રહ્યા છે. વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં અહીંના ઋષિકુમાર ઉચ્ચ પદ ધરાવે છે. વિદેશમાં પચાસથી વધુ ઋષિકુમાર હિન્દુ મંદિરમાં પૂજારી (પ્રિસ્ટ) તરીકે સેવા આપી રહ્યા છે.