અમદાવાદઃ પૃથ્વી દિવસ પછી દેશના યુવાનો દેશના ડેરી ઉદ્યોગના પર્યાવરણીય અને નૈતિક પ્રભાવ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર દેશ છે અને આ જ વ્યવસ્થા દેશના અગ્રણી બીફ નિકાસ ઉદ્યોગનો પણ આધાર છે. અમદાવાદમાં યુવા કાર્યકરોએ પાલડી રિવરફ્રન્ટ ખાતે જાહેર પ્રદર્શન યોજીને ડેરી ઉદ્યોગના પર્યાવરણીય પ્રભાવ અને બીફ ઉદ્યોગ સાથેના તેના અવગણાયેલા સંબંધને ઉજાગર કર્યો હતો. હાલમાં દેશના 20 શહેરોમાં યુવા કાર્યકરો લોકોનું ધ્યાન આ હકીકત તરફ દોરી રહ્યા છે કે દૂધ અને બીફ બંને એક જ પ્રાણીથી શરૂ થાય છે અને લોકોને ડેરી સપ્લાય ચેઇનમાં પ્રાણીઓની સફર તથા અંતે તેઓ કેવી રીતે બીફ ઉદ્યોગમાં પ્રવેશે છે તે અંગે વિચારવા અપીલ કરી રહ્યા છે.
દેશમાં દૂધ અને બીફ વચ્ચેના સંબંધ અંગે વર્ષોથી રહેલું મૌન હવે તૂટતું જોવા મળી રહ્યું છે. @animalsaveindia દ્વારા શેર કરાયેલી એક ઇન્સ્ટાગ્રામ રીલ, જેમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની એક ક્લિપ હતી, તેમાં સ્પર્ધક સિદ્ધાર્થ શર્માએ ડેરી પ્રાણીઓના ભવિષ્ય વિશે વાત કરતાં હોસ્ટ અમિતાભ બચ્ચન આશ્ચર્યચકિત દેખાય છે. આ રીલને 1.2 અબજથી વધુ વ્યૂઝ અને 65 લાખ લાઇક્સ મળ્યા છે, જેને કારણે તે વિશ્વની સૌથી વધુ જોવાતી રીલોમાંની એક બની ગઈ છે. ત્યાર બાદ અમિતાભ બચ્ચને પણ કહ્યું હતું કે ગાય જે દૂધ આપે છે તે તેના વાછરડા માટે હોય છે, માનવીઓની ચા માટે નહીં.
આ જાહેર પ્રદર્શન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત ભારતનું ચોથું સૌથી મોટું દૂધ ઉત્પાદન કરતું રાજ્ય બની ગયું છે. વર્ષ 2023–24 દરમિયાન ગુજરાતમાં અંદાજે 183.12 લાખ ટન દૂધનું ઉત્પાદન થયું હતું. આ પ્રદર્શન દ્વારા લોકોને ભારતના વિશ્વના સૌથી મોટા ડેરી ઉદ્યોગના પર્યાવરણીય પરિણામો અંગે વિચારવા પણ અપીલ કરવામાં આવી હતી. દેશમાં એક લિટર દૂધ ઉત્પાદન કરવા માટે આશરે 1078 લિટર પાણીની જરૂર પડે છે, જે પહેલેથી જ ભૂગર્ભ જળ સંકટનો સામનો કરી રહેલા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવાં દૂધ ઉત્પાદન કરનાર રાજ્યો માટે ગંભીર બોજ છે.

આ ઉપરાંત, ભારતના સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે 2025ની ઉદ્યોગ વર્ગીકરણ સૂચનામાં ડેરી અને કતલખાનાઓને “રેડ” કેટેગરીમાં રાખ્યા છે, જે સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો તરીકે ગણાય છે. આ નુકસાન બીફ ઉદ્યોગથી અલગ નથી, કારણ કે ડેરી અને બીફ બંને એક જ વ્યવસ્થાના ભાગ છે. જ્યારે ગાય અને ભેંસ દૂધ આપવાનું બંધ કરે છે, ત્યારે એમને બીફ સપ્લાય ચેઇનમાં વેચી દેવામાં આવે છે. છતાં ભારતમાં ધાર્મિક પ્રતીકો અને રોજિંદા આહારમાં દૂધને ઘણી વાર નૈતિક રીતે નિષ્પક્ષ માનવામાં આવે છે, એમ પ્રાણી હિતરક્ષક કાર્યકર વિધિએ જણાવ્યું હતું.




