અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ (Weather Department)અનુસાર આગામી 7 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. આ સાથે જ રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ અને કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું. આગામી ૩ દિવસ દરમિયાન રાજ્યના જુદા-જુદા ભાગોમાં પારો 40 ડિગ્રીથી વધુ રહી શકે છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.
આગામી 7 દિવસ ક્યાં અને ક્યારે વરસાદ પડશે?
30 મે સુધી: સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.
31 મે: વરસાદની શરૂઆત થશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર તેમજ ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
1 જૂન: ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જેવાં કે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં થોડા સ્થળોએ અને દક્ષિણ ગુજરાત તથા ગીર સોમનાથ-દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે.
2 જૂન: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ રહેશે.
3 જૂન: દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેવાં કે, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી વરસાદી માહોલ જામશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં થોડા સ્થળોએ વરસાદ પડી શકે છે.
4 જૂન અને 5 જૂન: ઉત્તર ગુજરાતમાં થોડા સ્થળોએ, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ યથાવત્ રહેશે.
વાવાઝોડાની ચેતવણી
હવામાન વિભાગે વરસાદની સાથે ગાજવીજ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઝંઝાવાતી પવનની ચેતવણી આપી છે. આ ઉપરાંત, કેટલાક જિલ્લાઓમાં અલગ-અલગ દિવસોએ ભારે વરસાદ પડવાની આશંકા છે.
ભારે વરસાદની ચેતવણીવાળા જિલ્લાઓ
31 મેથી 1 જૂન: અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
1 જૂનથી 2 જૂન: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આશંકા છે.
2 જૂનથી 3 જૂન: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.






