લખનૌઃ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં મોડી રાત્રે આવેલા આંધી-તોફાનને કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન પૂલનો એક ભાગ તૂટી પડતાં છ મજૂરોનાં મોત થયાં છે. ગુરુવારે મોડી રાત્રે બેતવા નદી પર બની રહેલા પૂલનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો, જેના નીચે અનેક મજૂરો દટાઈ ગયા હતા. સમયસર કેટલાક મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં છ લોકોનાં મોત થઈ ચૂક્યાં હતાં. પ્રશાસનને આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે, કારણ કે રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે.
સતત પડી રહ્યા છે પૂલ
આ પહેલી વાર નથી કે કોઈ નિર્માણાધીન પુલ આ રીતે પત્તાંની જેમ ધરાશાયી થયો હોય. થોડા સમય પહેલાં બિહારના ભાગલપુરમાંથી પણ આવો જ બનાવ સામે આવ્યો હતો. ત્યારે ગંગા નદી પર બની રહેલા વિક્રમશિલા સેતુનો એક ભાગ તૂટી પડ્યો હતો. તે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ નિર્માણની ગુણવત્તા અને પ્રશાસનની દેખરેખ પર ગંભીર સવાલો ઊભા થયા હતા. આ જ મહિનાની શરૂઆતમાં જમ્મુ જિલ્લાના બંતલાબ વિસ્તારમાં પણ નિર્માણાધીન પૂલનો એક ભાગ ધરાશાયી થયો હતો. તે અકસ્માતમાં પણ અનેક મજૂરોનાં મોત થયાં હતાં અને કેટલાક અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.
યુપીમાં આંધી-તૂફાનનો કહેર
હાલ હમીરપુરમાં થયેલા અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ગુરુવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં આંધી-તોફાન અને વરસાદ જોવા મળ્યો હતો. જેને કારણે લોકોને ભારે ગરમીમાંથી રાહત મળી, પરંતુ તેજ પવન અને ખરાબ હવામાનને કારણે અનેક સ્થળોએ નુકસાન પણ થયું છે. ઝાડો ધરાશાયી થવાની અને માળખાકીય નુકસાનની ઘટનાઓ પણ સામે આવી છે.

અનેક જિલ્લાઓમાં વરસાદ, વીજળીની શક્યતા
પૂર્વી અને પશ્ચિમી બંને વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને આકાશીય વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાંક સ્થળોએ ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે. સતત બદલાતા હવામાનને કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.






