PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ સન્માન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ મળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેના સમર્પણને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટી અને પ્રતિષ્ઠિત માન્યતા મળી છે. સેશેલ્સ (Seychelles) સરકારે પીએમ મોદીને પોતાના દેશના સર્વોચ્ચ સન્માન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ થી સન્માનિત કર્યા છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ખાસ કરીને પર્યાવરણ સુરક્ષા, હરિત વિકાસ અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં તેમના દૂરદર્શી પ્રયાસો માટે એનાયત કરવામાં આવ્યો છે. સેશેલ્સ દ્વારા આપવામાં આવેલું આ સર્વોચ્ચ સન્માન માત્ર વડાપ્રધાન મોદીના અંગત નેતૃત્વની સ્વીકૃતિ નથી, પરંતુ તે જળવાયુ પરિવર્તન (Climate Change) ના મોરચે ભારતની મજબૂત વૈશ્વિક શાખનું સીધું પ્રમાણ છે.

પીએમ મોદીના વૈશ્વિક પુરસ્કારોની યાદી

આ નવો એવોર્ડ વડાપ્રધાન મોદીના એ દીર્ઘકાલીન અભિગમને રેખાંકિત કરે છે, જેમાં તેમણે હંમેશા આર્થિક પ્રગતિની સાથે-સાથે પર્યાવરણીય સંતુલન જાળવવા પર ભાર મૂક્યો છે. પીએમ મોદીને વૈશ્વિક કલ્યાણ અને સામાજિક સુધારા માટે અગાઉ પણ અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા છે:

એગ્રિકોલા મેડલ (May 2026): તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) દ્વારા કૃષિ ક્ષેત્રે સુધારા, ખાદ્ય સુરક્ષા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમને આ મેડલ એનાયત કરાયો હતો.

સિઓલ શાંતિ પુરસ્કાર (2018): આંતરરાષ્ટ્રીય સહયોગ, સર્વસમાવેશી વિકાસ અને ટકાઉ આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા બદલ આ વૈશ્વિક શાંતિ પુરસ્કાર મળ્યો હતો.

ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ (2018): સંયુક્ત રાષ્ટ્ર (UN) એ પર્યાવરણના ક્ષેત્રમાં તેમના સાહસિક નેતૃત્વ અને સૌર ઉર્જા ગઠબંધનની (Solar Alliance) વકાલાત માટે પોતાનું આ સૌથી મોટું સન્માન આપ્યું હતું.

હિંદ મહાસાગરને ‘તકોનો સમંદર’ બનાવવાનો સંકલ્પ

સેશેલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંદ મહાસાગર ક્ષેત્ર (Indian Ocean Region) ને લઈને ભારતનો રોડમેપ દુનિયા સામે રાખ્યો હતો. પીએમ મોદીએ એક અત્યંત મહત્વપૂર્ણ સંદેશ આપતા કહ્યું કે, ભારત એક એવા હિંદ મહાસાગરની કલ્પના કરે છે, જે સમગ્ર વિશ્વ માટે ‘તકોનો સમંદર’ સાબિત થાય. ભારત આ ક્ષેત્રમાં તમામ દેશોના સમાન વિકાસ અને દરિયાઈ સુરક્ષાનો પક્ષધર છે.

કદ નહીં, પરસ્પર સન્માન પર ટકેલી છે ભાગીદારી

વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સંબંધો અને પ્રાદેશિક સહયોગને લઈને ભારતનો મોટો સિદ્ધાંત સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અમારી ભાગીદારી કોઈ પણ દેશના ભૌગોલિક કદ (Size) ને જોઈને નક્કી નથી થતી, પરંતુ તે સંપૂર્ણપણે પરસ્પર સન્માન અને અરસપરસના વિશ્વાસ પર આધારિત છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે ભારત વૈશ્વિક મંચ પર દરેક દેશની ફક્ત પાસે ઊભા રહેવામાં નહીં, પરંતુ ખભેથી ખભો મિલાવીને સાથે ચાલવામાં વિશ્વાસ રાખે છે.