નવી દિલ્હીઃ ભટિંડામાં બુધવારે પોલીસ અને ખેડૂતો આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન ભારે હોબાળો મચ્યો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી. ખેડૂતોના પ્રદર્શનને કારણે જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.
ખેડૂતોએ બુધવારે ડીસી ઓફિસના ઘેરાવની જાહેરાત કરી હતી. જ્યારે ખેડૂતો ઓફિસ તરફ આગળ વધ્યા ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન મોટો બખેડો સર્જાયો. પોલીસે પ્રદર્શનકારી ખેડૂતો પર ટિયર ગેસના ગોળા છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો.
ખેડૂતોના પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી સંબંધિત અનેક વિડિયો સામે આવ્યા છે. બંને પક્ષ આમને-સામને આવતા સ્થળ પર પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ હતી. આ દરમિયાન કેટલાક ખેડૂતો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો પણ અહેવાલ છે. તેના જવાબમાં પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કર્યો હતો.
પ્રદર્શન માટે કોલ ભારતી કિસાન યુનિયન દ્વારા આપવામાં આવ્યો હતો. આ ખેડૂત સંગઠન વર્ષ 2020માં દિલ્હી–ઉત્તર પ્રદેશ બોર્ડર પર થયેલા ખેડૂત આંદોલનમાં પણ ખૂબ સક્રિય રહ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે તેમના સાથીઓને મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને જિલ્લાની તમામ મુખ્ય બોર્ડર પર પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.
પંજાબમાં કેમ સક્રિય છે CM સૈની?
નવેમ્બર, 2024માં હરિયાણામાં સતત ત્રીજી વાર સરકાર બનાવનાર ભાજપ હવે પાડોશી રાજ્ય પંજાબ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પાર્ટીએ હરિયાણાના મુખ્ય મંત્રી નાયબ સિંહ સૈનીને પંજાબમાં સક્રિય ભૂમિકા માટે આગળ ધપાવ્યા છે.




