Gujarat budget 2026-27: ગુજરાતની માથાદીઠ આવક 3.1 લાખ

ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત ગૃહમાં રજૂ કર્યું હતું. કનુભાઈ દેસાઈ કાળા રંગની બજેટ પોથી સાથે જોવા મળ્યા હતા, જેમાં આગળના ભાગ પર ગુજરાત અંદાજપત્ર 2026-27 લખેલું હતું. કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું કે ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરીંગ પોલિસી, AI અમલ માટેનો એકશન પ્લાન, ઇન્ટિગ્રેટેડ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસીનો આમાં સમાવેશ થાય છે.

વડાપ્રધાનના વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં GSTમાં કરેલા ઐતિહાસિક સુધારાથી સામાન્ય નાગરિકની જીવનજરૂરી વસ્તુઓની ખરીદી શક્તિમા વધારો થયો છે.
નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે શ્રમ અધિનિયમમાં કરેલા સુધારાઓથી કામદારોની સામાજિક સુરક્ષા, રોજગારીની તક અને સન્માનમાં વધારો થયો છે. આપને જણાવતાં આનંદ થાય છે કે, આપણી પાસે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની છે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાત@2047’ના સંકલ્પને સાકાર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035માં પૂર્ણ થઈ રહ્યાં છે. આ અમૃતકાળના અવસરે વિકાસયાત્રાને વેગ આપવા રોડમેપ સાથે આગળ વધી રહ્યાં છીએ.

 

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા અત્યાર સુધીમાં છ અહેવાલો રજૂ થયા છે. જેમાં નાગરિક-કેન્દ્રિત સેવા, વહીવટી સુધારા અને માનવ સંસાધન જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. જેનું અમલીકરણ સુશાસન અને કાર્યક્ષમ વહીવટની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

વિકાસમાં કોઈ પાછળ ન રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહેની ભાવના સાથે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે માનનીય વડાપ્રધાને જનજાતિ સમુદાયના વિકાસ માટે જનજાતિય કલ્યાણ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ₹2 લાખ કરોડના વિકાસ કાર્યોની જાહેરાત કરી છે.

અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલી અસરકારક કામગીરીના પરિણામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM JANMAN) હેઠળ ગુજરાતને 2025માં બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય તરીકેનો એવોર્ડ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થયો છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2003માં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટથી રાજ્યની આર્થિક પ્રગતિને નવી ઉડાન મળી છે. રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો (VGRC) શરૂ કર્યા છે, જેમનું મુખ્ય ધ્યેય રોજગારીનું સર્જન કરવું અને દરેક નાગરિકની માથાદીઠ આવક વધારવી છે.
પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્ત્વપૂર્ણ નીતિઓ જાહેર કરી છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરીંગ પોલિસી, AI અમલ માટેનો એકશન પ્લાન, ઇન્ટિગ્રેટેડ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે

આ નીતિઓ દ્વારા યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે, સેમી કન્ડક્ટર્સ અને હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરીંગમાં વધુ વેગ મળશે. કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સ વધુ અસરકારક બનશે અને રીન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.

રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના GDPમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3,01,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60%થી વધારે છે અને તેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.