TMC સાંસદ કોયલ મલ્લિકનું રાજ્યસભામાંથી રાજીનામું

નવી દિલ્હીઃ TMCનાં રાજ્યસભા સાંસદ અને ટોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કોયલ મલ્લિકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. તેને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને TMCપ્રમુખ મમતા બેનર્જી માટે એક મોટા રાજકીય આંચકા સમાન છે. રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા બાદ કોયલ મલ્લિકે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી. જોકે આ મુલાકાતનું સત્તાવાર કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં તેને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ TMCના કેટલાક રાજ્યસભા સાંસદોએ રાજીનામાં આપ્યાં હતાં, જેને કારણે હવે કોયલ મલ્લિકના રાજીનામાની વધુ ચર્ચા થઈ રહી છે.

સંસદના એક પણ સત્રમાં હાજરી આપી નહોતી

કોયલ મલ્લિક રાજ્યસભાની સભ્ય બન્યા બાદ સંસદના એક પણ સત્રમાં હાજર રહી નહોતી. TMCએ તેમને 27 ફેબ્રુઆરી, 2026એ પશ્ચિમ બંગાળમાંથી 2026ની રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યાર બાદ 16 માર્ચ 2026એ યોજાયેલી ચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવ્યાં હતાં અને છઠ્ઠી એપ્રિલ 2026એ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધી હતી. ટોલિવુડની જાણીતી અભિનેત્રી તરીકે ઓળખ ધરાવતી કોયલ મલ્લિકનું રાજકારણમાં આગમન TMCનો એક મહત્વપૂર્ણ રાજકીય દાવ માનવામાં આવતો હતો, પરંતુ રાજ્યસભામાં સક્રિય ભૂમિકા ભજવતાં પહેલાં જ તેમના રાજીનામાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

15 વર્ષ બાદ TMCએ બંગાળની સત્તા ગુમાવી

આ વર્ષે યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી TMC માટે મોટો રાજકીય આઘાત સાબિત થઈ હતી. લગભગ 15 વર્ષ સુધી સત્તામાં રહેલી પાર્ટીને આ વખતે ભારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીમાં TMC માત્ર 80 બેઠકો સુધી સીમિત રહી, જ્યારે ભાજપે 208 બેઠકો જીતીને પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં પોતાની સરકાર બનાવી હતી. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ લગભગ એક મહિના પછી, જૂન 2026માં TMCની અંદર મોટું રાજકીય સંકટ ઊભું થયું હતું.