અમદાવાદ: આજકાલ સોશિયલ મીડિયા પર એક એવી કલા વાયરલ થઈ રહી છે, જેને જોઈને પહેલી નજરે તો મોઢામાં પાણી આવી જાય! પણ જ્યારે ખબર પડે કે આ અસલી ખાવાનું નથી, પરંતુ ક્લે (માટી)માંથી બનેલી નાનકડી પ્રતિકૃતિ છે, ત્યારે આંખો પહોળી થઈ જાય.
આ અદભૂત કળા પાછળ મુંબઈમાં સ્થિત ૩૬ વર્ષના ગુજરાતી આર્ટિસ્ટ અનમ ચૌધરીનો હાથ છે. તેમના બ્રાન્ડનું નામ છે ‘મિનિ મેમોરેબિલિયા’ (Mini Memorabilia).
પોતાના અદ્ભુત પેશન્સ અને બારીક કામના જોરે અનમે ક્લેમાંથી ફૂડ મિનિએચર સ્વરૂપે ફ્રિજ મેગ્નેટ, કી-ચેઈન, ઇયરરિંગ્સ, બ્રેસલેટ અને નેકલેસ જેવી આકર્ષક વસ્તુઓ તૈયાર કરી છે. જેની ડિમાન્ડ આજે વિદેશ સુધી પહોંચી ગઈ છે.
રસોઈનો શોખ અને કોવિડમાં બદલાયેલી કિસ્મત
મૂળ રાજકોટના અને હાલ મુંબઈ સ્થિત અનમે M.B.A.નો અભ્યાસ કર્યો છે. પિતા સમીર લાખાણી કે જેઓ મૂળ રાજકોટના, લોનાવાલામાં રિસોર્ટ હતો. પિતાના બિઝનેસમાં સાથે રહેવાથી અનમને પણ ફૂડ બનાવવાનો અને ખાવાનો શોખ. 9 વર્ષની નાની ઉંમરથી જ તેઓ મેગેઝિન્સ અને રેસિપીની ચોપડીઓ જોઈને અવનવી વાનગીઓ બનાવતા હતા. લગ્ન બાદ તેમણે મુંબઈમાં જ ઘર નજીક એક નાનું ટેક-અવે રેસ્ટોરન્ટ પણ શરૂ કર્યું હતું. ફૂડમાં રહેલાં આ રસને કારણે જ અનમ વાનગીઓના ટેક્સચર અને કલર્સની ઊંડી સમજ ધરાવે છે. કોવિડ મહામારી દરમિયાન બધું બદલાઈ ગયું, રેસ્ટોરન્ટ બંધ કરવું પડ્યું.
કોવિડના એ લોકડાઉન દરમિયાન અનમ સામે ક્લે આર્ટ (Clay Art)નો એક આર્ટિકલ આવ્યો. બસ, ત્યાંથી જ વિદેશી આર્ટિસ્ટ્સના કામમાંથી પ્રેરણા લઈને તેમણે ફૂડ મિનિએચર બનાવવાનું રિસર્ચ શરૂ કર્યું. શરૂઆતમાં સામાન્ય એર-ડ્રાય ક્લેથી હાથ અજમાવ્યા, આજે તેઓ પ્રોફેશનલ ‘પોલિમર ક્લે’ (Polymer clay)થી આ અદ્ભુત વસ્તુઓ બનાવે છે.
૨૩ મિલિયન વ્યુઝ અને વાયરલ ‘પાણીપુરી ઇયરિંગ્સ’
અનમે વર્ષ ૨૦૨૧થી સોશિયલ મીડિયા પર પોતાના કામની રીલ્સ મૂકવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં કટિંગ ચા અને પાર્લે-જી બિસ્કિટની પ્રતિકૃતિ લોકોને ખૂબ ગમી. વર્ષ ૨૦૨૩ જ્યારે અનમે ભારતની સૌથી ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એવી પાણીપુરીને નાનકડા પડિયા (બાઉલ) સાથે ઇયરિંગ્સનું સ્વરૂપ આપ્યું, ત્યારે તે રીલ સોશિયલ મીડિયા પર સુપર-વાયરલ થઈ ગઈ. તેને ૨૩ મિલિયન (૨.૩ કરોડ)થી વધુ વ્યુઝ મળ્યા! આ એક વીડિયોએ અનમના કામને દેશ-વિદેશમાં ઓળખ અપાવી દીધી.
આજે સાન્યા મલ્હોત્રા અને સુયશ રાય જેવાં જાણીતા સેલિબ્રિટીઝ પણ અનમના આ અનોખા મિનિએચર આર્ટના દીવાના છે.
મુશ્કેલ કામ અને અખૂટ ધીરજની કસોટી
તમે જ્યારે અનમના કામનું ફિનિશિંગ જુઓ ત્યારે આશ્ચર્યચકિત થયા વગર નહીં રહો. આ કામ જેટલું જોવામાં સુંદર લાગે છે, તેટલું જ મહેનત માંગી લે તેવું છે. અનમ કહે છે કે, “આ કોઈ મશીનનું કામ નથી. ભાતનો એક-એક દાણો કે પૂરીનો પરફેક્ટ ફૂલેલો આકાર અને ટેક્સચર આપવા માટે કલાકો સુધી હાથથી જ બારીક કામ કરવું પડે છે. એક આખું સાઉથ ઇન્ડિયન કે ગુજરાતી પ્લેટર તૈયાર કરવામાં ઓછામાં ઓછો એક આખો દિવસ નીકળી જાય છે.”
આ મિનિએચરને અસલી લુક આપવા માટે તેઓ ઓઇલ પેઇન્ટ, સોફ્ટ પેસ્ટલ્સ અને ખાસ વાર્નિશનો ઉપયોગ કરે છે, જેથી તેમાં વાસ્તવિક ચમક અને શેડ્સ આવી શકે.
વિદેશમાં વસતા ભારતીયો માટે ‘યાદોનું પ્લેટર’
અનમના આ અનોખા આર્ટને કારણે જ બ્રાન્ડનું નામ ‘મિનિ મેમોરેબિલિયા’ છે. જેનો અર્થ થાય છે ‘યાદોને નાના સ્વરૂપમાં સાચવવી’. આજે તેમના સૌથી વધુ ઓર્ડર્સ યુએસ (US) અને યુકે (UK)થી આવે છે. વિદેશ જતા લોકો ત્યાં રહેતા પોતાના મિત્રો અને સ્નેહીજનો માટે બલ્કમાં ફ્રિજ મેગ્નેટ્સ લઈ જાય છે. કોઈને પોતાની પહેલી ડેટની કોફી શોપ યાદ કરવી હોય કે કોલેજના દિવસોનું ફેવરિટ ફૂડ ગિફ્ટ કરવું હોય, અનમનું આ મિનિએચર આર્ટ લોકોની ભાવનાઓ અને યાદોને સાચવવાનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે.
ખૂબ જ ઓછી જાણીતી અને અતિશય પેશન્સ માંગી લેતી આ કળામાં અનમ લાખાણીએ જે સિદ્ધિ મેળવી છે, તે ખરેખર બિરદાવવા લાયક છે. જો તમને પણ ફૂડનો શોખ હોય અને પોતાની ગમતી વાનગીને કાયમ માટે મેગ્નેટ કે કી-ચેઈન સ્વરૂપે સાચવવી હોય, તો ‘મિનિ મેમોરેબિલિયા’ એક ઉત્તમ વિકલ્પ છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)






