PM મોદીને જેટલા અપશબ્દ…તેટલું ખીલશે કમળઃ અમિત શાહ

ગૌહાટીઃ બિહારમા આ વર્ષના અંતે ચૂંટણી છે. એવા સમયે આરોપ-પ્રત્યારોપનો દોર ચરમસીમાએ પહોંચ્યો છે. બિહારમાં રાહુલ ગાંધીની “વોટર અધિકાર યાત્રા” દરમિયાન એક વ્યક્તિ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દોના ઉપયોગ બાદ હવે ગૃહ મંત્રી અમિત શાહે પલટવાર કર્યો છે.

અમિત શાહે આસામની રાજધાની ગૌહાટીમાં એક સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે 27 દેશોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. રાહુલ ગાંધીના સ્વાગત મંચ પરથી PM નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતાજી માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કોંગ્રેસના નેતાઓએ સૌથી ઘૃણાસ્પદ કામ કર્યું છે.આ મંચ પરથી રાહુલ ગાંધીએ જે રીતે PM મોદીજીની સ્વર્ગસ્થ માતાજી માટે જે પ્રકારના અપશબ્દોનો ઉપયોગ કર્યો છે, તેની હું હ્રદયથી નિંદા કરું છું. અને હું આખા દેશની જનતાને પણ કહેવા માગું છું કે રાહુલ ગાંધીએ જે મુદ્દાવિહીન, નકારાત્મક અને ઘૃણાનું રાજકારણ શરૂ કર્યું છે, તે આપણા જાહેર જીવનને ઊંચાઈ આપશે, નહીં પરંતુ નીચે લઈ જશે.

આ ઘૃણાનું રાજકારણ આજથી નથી પણ મોદીજી જ્યારથી પદ પર છે, ત્યારથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિગ્વિજય સિંહ, મણિશંકર અય્યર, જૈરામ રમેશ, રેણુકા ચૌધરી – દરેક કોંગ્રેસી નેતાએ મોદીજી માટે અપશબ્દો કહ્યા છે. કોઈ મોતનો સૌદાગર કહે છે, કોઈ ઝેરીલો સાપ કહે છે, કોઈ નીચ કહે છે, કોઈ રાવણ કહે છે. કોઈ ભસ્માસુર કહે છે તો કોઈ વાયરસ કહે છે. કોંગ્રેસના નેતાઓ શું સમજે છે? આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરીને તમને જનાદેશ મળશે?

હું આજે કોંગ્રેસના નેતાઓને કહેવા માગું છું કે જેટલી વધારે ગાળીઓ તમે BJP ને આપશો, કમળનું ફૂલ તેટલું જ મોટું બનીને આકાશ સુધી પહોંચશે.