બિહાર નહીં, દેશઆખામાં મતદારોની યાદીની સમીક્ષા થશે

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી પંચે હાલમાં મતદારોની યાદીનું ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ કર્યું છે, જેને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, પરંતુ એની વચ્ચે ચૂંટણી પંચે એક મોટું પગલું ભરીને દેશનાં તમામ રાજ્યોને પણ આવી જ તૈયારી કરવા નિર્દેશ આપ્યો છે. પંચે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર મોકલીને કહ્યું છે કે તેઓ 1 જાન્યુઆરી 2026ને આધારે મતદારોની યાદી ફરી તપાસવાની તૈયારી શરૂ કરે, એટલે કે એ તારીખ સુધીમાં 18 વર્ષના થઈ ગયેલા તમામ નાગરિકોનાં નામ મતદારોની યાદીમાં હોવા જોઈએ.

બિહારમાં 2003ની મતદારોની યાદીને “પ્રમાણભૂત આધાર” માનીને પંચે નક્કી કર્યું છે કે એ યાદીમાં જેમનાં નામ હતાં, તેમને જ અસલ ભારતીય નાગરિક માનવામાં આવશે. બાકીના તમામ લોકોને પોતાની નાગરિકતા અને ઉંમર સાબિત કરવાની રહેશે, ભલે તેમણે કેટલીય ચૂટણીઓમાં મતદાન કર્યું હોય. જેમનાં નામ 2003 પછી યાદીમાં ઉમેરાયાં છે, તેમને પણ ફરી દસ્તાવેજ આપીને સાબિત કરવું પડશે કે તેઓ ભારતીય નાગરિક છે. આ પગલાંથી આશરે 2.93 કરોડ લોકોને અસર પડી શકે છે.

આ નિર્ણય સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ આવ્યો છે, જેમાં કોર્ટે આ પ્રક્રિયાને ચૂંટણી પંચનો અધિકાર ગણાવ્યો હતો, પરંતુ તેના સમયની ટીકા પણ કરી હતી.

બિહારમાં વિવાદ અને સુપ્રીમ કોર્ટનો ચુકાદોબિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સમીક્ષા હાથ ધરી છે, જેની સામે વિપક્ષી પક્ષો અને કેટલાક સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમનો દાવો હતો કે આ પ્રક્રિયાથી યોગ્ય નાગરિકોના મતાધિકારને અસર થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયાને ચૂંટણી પંચનો બંધારણીય હક ગણાવ્યો અને બિહારમાં તેને ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જો , કોર્ટે એવું પણ જણાવ્યું કે આવી પ્રક્રિયા દેશભરમાં હાથ ધરવી જોઈએ.