પેરિસઃ નેપાળ પછી હવે ફ્રાન્સની સડકો પર ભયાનક વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ ફ્રાન્સની સડકો પર સેંકડો લોકોની ભીડ ઊતરી આવી છે. ગુસ્સે ભરાયેલા લોકોએ હિંસા, આગજની અને તોડફોડ શરૂ કરી દીધી છે. ફ્રાન્સમાં આ હિંસા ત્યારે ફાટી નીકળી જ્યારે મેક્રોને દેશમાં નવા વડા પ્રધાનની જાહેરાત કરી હતી ત્યારથી ભારે બબાલ મચી ગઈ હતી.
200 પ્રદર્શનકારોની ધરપકડ
ફ્રાન્સના ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનની શરૂઆતના થોડા કલાકોમાં જ અંદાજે 200 લોકોને ધરપકડ કરવામાં આવી હતી. પ્રદર્શનકારોએ બુધવારે પેરિસ તથા ફ્રાન્સના અન્ય ભાગોમાં રસ્તા પર ટ્રાફિક રોકી દીધો હતો અને ભયાનક આગજની કરી. પોલીસે પ્રદર્શનકારો પર આંસુ ગેસના ગોળા છોડ્યા. તેઓ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક પ્રદર્શનકારીએ નજીકની દીવાલ પર લખ્યું હતું કે મેક્રોન અને તારી દુનિયા… દફા થઈ જા. આ વિરોધ આંદોલનના ભાગરૂપે થઈ રહ્યું છે. સૂત્રોચ્ચાર હતો – “બધું બંધ કરો.” ફ્રાન્સમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. જ્યારે રસ્તા પર ભારે પોલીસ બળ તૈનાત છે.
ફ્રાન્સની સડકો પર ઓછામાં ઓછા 80,000 પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યા છે. તેમ છતાં આંદોલનમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. જોકે આંદોલન તેના લક્ષ્ય “બધું બંધ કરો”ને પૂરેપૂરું હાંસલ ન કરી શક્યું. શરૂઆતમાં આ આંદોલન ઓનલાઈન શરૂ થયું અને ઝડપથી ફેલાયું. આ કારણે દેશમાં ભારે અફરાતફરી મચી હતી. ભીડે ઘણી જગ્યાએ બેરિકેડ્સ હટાવી દીધા. ત્યાર બાદ પોલીસે ઝડપથી ધરપકડ શરૂ કરી હતી.
ફ્રાન્સના ગૃહ મંત્રી બ્રુનો રેટેઇલોએ જણાવ્યું હતું કે પશ્ચિમ શહેર રેનેસમાં એક બસને આગના હવાલે કરી દેવામાં આવી હતી અને દક્ષિણ-પશ્ચિમમાં એક પાવર લાઇનને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તેને કારણે ટ્રેનો ઠપ થઈ ગઈ. તેમણે આરોપ લગાવ્યો કે પ્રદર્શનકારો “વિદ્રોહનું વાતાવરણ” બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
