મુંબઈ: ગુરુવારે શેરબજારમાં અચાનક તોફાની ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ-નિફ્ટીએ તમામ જૂના રેકોર્ડ તોડીને નવા ઊંચા સ્તરે પહોંચીને ઈતિહાસ રચી દીધો. બજાર બંધ થવાના અડધો કલાક પહેલા જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળીને 83000ને પાર કરી ગયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 500 પોઈન્ટ ઉછળીને 25,429ની નવી ઓલ ટાઈમ સપાટી પર પહોંચ્યો હતો. જો શેરની વાત કરવામાં આવે તો ભારતી એરટેલનો શેર સૌથી વધુ ઉછળ્યો હતો. આ દરમિયાન, નિફ્ટી 50ના તમામ 50 શેરોમાં વધારો નોંધાયો હતો.વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતોની અસર ગુરુવારે સવારે શેરબજાર પર જોવા મળી હતી અને તેણે મજબૂત શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1439.55 પોઈન્ટ્સના વધારા સાથે 82,962.71 ના સ્તર પર બંધ થયો હતો. આ સાથે નિફ્ટી 470.45 વધીને 25,388.90ના સ્તરે બંધ થયો હતો.ટ્રેડિંગના છેલ્લા કલાક દરમિયાન શેરબજારમાં આવેલા આ તોફાની ઉછાળાને કારણે રોકાણકારોને પણ મજા પડી ગઈ હતી અને તેમની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો. હકીકતમાં, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 6.6 લાખ કરોડ વધીને રૂ. 467.36 લાખ કરોડ થયું છે. જો શેરબજારમાં આ અચાનક ઉછાળા પાછળના કારણોની વાત કરીએ તો તેમાં વૈશ્વિક પરિબળો સામેલ છે. યુ. એસ. ફુગાવાના આંકડા જાહેર થયા પછી, બજારમાં વિદેશી રોકાણની અપેક્ષાઓમાં ઉછાળો આવ્યો છે.