બરેલી: ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે મોટી માગ ઊઠી છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું છે કે સમાજવાદી પાર્ટીએ આગામી ચૂંટણી માટે મુસ્લિમ મુખ્ય મંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ. આ માટે તેમણે અખિલેશ યાદવને પત્ર લખ્યો છે. મૌલાના રઝવીનું કહેવું છે કે રાજ્યમાં મુસ્લિમોની વસ્તી આશરે 22 ટકા છે, તેથી મુસ્લિમ સમાજ મુખ્ય મંત્રી પદ પર પોતાનો મજબૂત દાવો માને છે. તેમણે માગ કરી છે કે કોઈ મુસ્લિમ નેતાને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવામાં આવે. આ માગ બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
UPના રાજકારણમાં મુસ્લિમોની ભાગીદારી જરૂરી
તેમણે જણાવ્યું હતું કે મેં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને 2027ની વિધાનસભા ચૂંટણી અંગે પત્ર લખીને ઉત્તર પ્રદેશના મુસ્લિમોની લાગણીઓથી તેમને અવગત કરાવ્યા છે. રાજ્યમાં 22 ટકા મુસ્લિમો છે જ્યારે યાદવ સમાજની વસ્તી આશરે સાત ટકા છે. સૌથી મોટો હિસ્સો મુસ્લિમોનો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે મુલાયમ સિંહ યાદવને ઘણી વખત મુખ્ય મંત્રી બનાવવામાં મુસ્લિમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અખિલેશ યાદવને પણ મુસ્લિમોના સમર્થનથી મુખ્ય મંત્રી બનવાની તક મળી છે. તેમના પરિવારના અનેક સભ્યોને વિધાનસભા અને લોકસભામાં પહોંચાડવામાં પણ મુસ્લિમ મતદાતાઓનું યોગદાન રહ્યું છે. તેથી અખિલેશ યાદવે 2027ની ચૂંટણી માટે કોઈ મુસ્લિમ નેતાને મુખ્ય મંત્રીપદનો ઉમેદવાર જાહેર કરવો જોઈએ.
ऑल इंडिया मुस्लिम जमात ने अखिलेश यादव से मांग की है कि वे उत्तर प्रदेश विधानसभा चुनाव के लिए एक मुस्लिम मुख्यमंत्री चेहरे की घोषणा करें।
मुस्लिम समाज दशकों से समाजवादी पार्टी का समर्थन करता आ रहा है। अब समय आ गया है कि उन्हें सर्वोच्च स्तर पर प्रतिनिधित्व दिया जाए। pic.twitter.com/JpKzx9lg9j
— Dr Vikas kumar Modi (@vikaskumarmodi) June 22, 2026
અખિલેશ યાદવે અગાઉથી જાહેરાત કરવી જોઈએ
તેમણે કહ્યું હતું કે અખિલેશ યાદવે ચૂંટણી પહેલાં જાહેર કરવું જોઈએ કે તેઓ પોતે મુખ્ય મંત્રી નહીં બને, પરંતુ કોઈ મુસ્લિમ નેતાને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. તેઓ પાર્ટીના કોઈ પણ મુસ્લિમ નેતાને મુખ્ય મંત્રી પદનો ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી લડે તો મુસ્લિમ મતદારો તેમને મોટી સંખ્યામાં સમર્થન આપશે.
તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો આવું નહીં થાય તો મુસ્લિમો પાસેથી અગાઉ જેવો ટેકો મળવાની અપેક્ષા રાખવી નહીં. 2022ની ચૂંટણીમાં મુસ્લિમોએ જે ઉત્સાહ સાથે સમાજવાદી પાર્ટીને સમર્થન આપ્યું હતું, તેવો ટેકો 2027માં કદાચ નહીં મળે.






