ખેડૂતોના ટેકામાં ખેલાડીઓ એવોર્ડ પરત કરે: યોગરાજસિંહ

નવી દિલ્હીઃ 2011ની વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધાના પ્લેયર ઓફ ધ ફાઈનલ અને પ્લેયર ઓફ ધ સિરીઝ યુવરાજસિંહના પિતા અને ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તે ખેડૂતોની માગણીઓ સાંભળે. કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને પોતાનો સાથ અને ટેકો પ્રદર્શિત કરવા યોગરાજ સિંહે એમ પણ કહ્યું છે કે જે રમતવીરો એમના પ્રતિષ્ઠિત પુરસ્કારો સરકારને પરત કરી દે છે એમને મારું સમર્થન છે. ઉલ્લેખનીય છે કે સરકાર જો કૃષિ કાયદા પાછા નહીં ખેંચે તો ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર વિજેન્દર સિંહે પોતાનો રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ, કુસ્તીબાજ કરતારસિંહ, બોક્સિંગ કોચ ગુરબક્ષસિંહ સંધુએ એમનો દ્રોણાચાર્ય એવોર્ડ પરત કરી દેવાની સરકારને ધમકી આપી છે.

યોગરાજસિંહનું કહેવું છે કે ખેડૂતો સાચી ચીજ માગી રહ્યા છે તેથી સરકારે એમને સાંભળવા જ જોઈએ. આ સંદર્ભમાં સરકાર ઉકેલો લાવે તેનો સમય પાકી ગયો છે.

યોગરાજસિંહે વધુમાં કહ્યું કે, જે રમતવીરો એમના એવોર્ડ પરત કરી દે એનો અર્થ એવો થતો નથી કે તેઓ એવોર્ડનું અપમાન કરી રહ્યા છે, વાસ્તવમાં તેઓ વિરોધ પ્રદર્શિત કરી રહેલા ખેડૂતો પ્રતિ એકતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. આ એવોર્ડ ખેલાડીઓએ ઘણા વર્ષોની સખત મહેનતને પગલે મેળવ્યો હોય છે. તેને પરત કરી દેવો કંઈ એટલો આસાન નથી હોતો. ખેડૂતો પ્રતિ એકતા પ્રદર્શિત કરવા તેઓ એમનો એવોર્ડ પરત કરી દે તો એમને મારું સમર્થન છે. હું પણ ખેડૂતોની સાથે જ છું. એમની માગણીઓ સાચી છે.