મંગળવારે ‘ભારત-બંધ’: ગુજરાતમાં પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે

અમદાવાદઃ નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આઠ ડિસેમ્બર, મંગળવારે ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ ‘ભારત બંધ’નું એલાન કર્યું છે. એના ટેકામાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયનો પણ જોડાયાં છે. જોકે આવતી કાલના ‘ભારત બંધ’ને ભાજપશાસિત ગુજરાત રાજ્યનું સમર્થન નથી. રાજ્યમાં આવતીકાલે તમામ પેટ્રોલ પમ્પ ખુલ્લા રાખવાનો પેટ્રોલ પમ્પ ઓનર્સ એસોસિએશને નિર્ણય લીધો છે.

દેશવ્યાપી બંધના એલાનને ગુજરાતમાં ઠંડો પ્રતિસાદ મળે એવું લાગે છે. એશિયાનું સૌથી મોટું ઊંઝા APMC માર્કેટ ‘ભારત બંધ’માં નહીં જોડાય. આવતી કાલે ઊંઝા APMCમાં હરાજી ચાલુ રહેશે.

જોકે પંજાબ અને હરિયાણામાં પેટ્રોલિયમ ડીલર વેલફેર એસોસિયેશનની ડીલરોએ બેઠકમાં કૃષિ કાયદા વિરુદ્ધ આવતી કાલે ‘ભારત બંધ’માં રાજ્યભરના પેટ્રોલ પમ્પોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હરિયાણામાં આવતી કાલે 3468 પેટ્રોલ પમ્પો બંધ રહેશે.