ક્રિકેટરો સાથે એમનાં પરિવારજનો પણ ઈંગ્લેન્ડ જઈ શકશે

મુંબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે આવતી 18 જૂનથી ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટેસ્ટ મેચ રમાવાની છે. વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ ઈંગ્લેન્ડના લાંબા પ્રવાસે જવાની છે. ટીમના ખેલાડીઓ માટે રાહતના સમાચાર એ છે કે એમને તેમનાં પરિવારજનો સાથે બ્રિટનમાં આવવાની બ્રિટનની સરકારે મંજૂરી આપી છે, એવો ઈએસપીએન ક્રિકઈન્ફોનો અહેવાલ છે.

ભારતીય ટીમ ઈંગ્લેન્ડના લગભગ ચાર મહિનાના પ્રવાસે જવાની છે. ત્યાં તે WTC ફાઈનલ મેચ ઉપરાંત ઈંગ્લેન્ડ સામે પાંચ-ટેસ્ટ મેચોની સિરીઝ પણ રમવાની છે. પુરુષ ખેલાડીઓની ટીમ સાથે ભારતની સિનિયર મહિલા ક્રિકેટરોની ટીમ પણ ઈંગ્લેન્ડ જવાની છે. એ ત્યાં ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે. બંને ટીમના ખેલાડીઓ અને એમનાં પરિવારજનો મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા 3 જૂને લંડન પહોંચશે. તરત જ તેમણે 10-દિવસના ક્વોરન્ટીન સમયગાળામાં રહેવું પડશે.