ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ-2023 સેમી ફાઈનલ ક્યારે, ક્યાં, કોની સામે રમશે?

મુંબઈઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં અત્યાર સુધીમાં ત્રણ ટીમ સેમી ફાઈનલમાં પ્રવેશ કરી ચૂકી છે – ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. પણ ભારતીય ટીમ સેમી ફાઈનલમાં કયા દિવસે, ક્યાં અને કઈ ટીમ સામે રમશે એ પ્રશ્ન ક્રિકેટચાહકોને મૂંઝવી રહ્યો છે. રોહિત શર્માના સુકાનીપદ હેઠળની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર છે. ટીમે અત્યાર સુધીમાં તેની તમામ આઠ મેચ જીતીને 16 પોઈન્ટ હાંસલ કર્યા છે. હાલની સ્થિતિમાં બીજી કોઈ ટીમ 16 પોઈન્ટ મેળવી શકી નથી. તેથી પહેલા નંબર પર તો ભારત જ રહેશે. લીગ રાઉન્ડમાં પહેલા નંબર પર રહેલી ટીમની સેમી ફાઈનલ મેચ 15 નવેમ્બરે નિર્ધારિત કરાઈ છે. તે મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. લીગ રાઉન્ડમાં પહેલા ક્રમે રહેલી ટીમ ચોથા ક્રમે રહેનાર ટીમ સામે સેમી ફાઈનલમાં રમશે.

તેથી ભારત સામેની ટીમ કઈ તે પ્રશ્ન હજી ઉકેલાયો નથી. યાદીમાં બીજા ક્રમે રહેલી સાઉથ આફ્રિકાના 12 પોઈન્ટ છે અને ત્રીજા ક્રમે રહેલી ઓસ્ટ્રેલિયાના પણ 12 પોઈન્ટ છે. પરંતુ વધારે સારા રનરેટના આધારે સાઉથ આફ્રિકા બીજા સ્થાને છે. તેનો નેટ રનરેટ +1.376 છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો +0.861.

ચોથા ક્રમ માટે 3 ટીમ વચ્ચે જંગ ચાલુ છે – ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. આ ત્રણેય ટીમના 8-8 પોઈન્ટ છે. આ ત્રણ ટીમમાંથી SF માટે પહેલી દાવેદાર છે ન્યૂઝીલેન્ડ. જો તે આવતીકાલે બેંગલુરુમાં તેની આખરી લીગ મેચમાં શ્રીલંકાને પરાજય આપશે તો એ ચોથા ક્રમની ટીમ તરીકે સેમીમાં ભારત સામે રમશે.

પાકિસ્તાનનો ચાન્સ કેટલો?

ચોથું સ્થાન પ્રાપ્ત કરવા માટે બીજી પ્રબળ દાવેદાર ટીમ છે પાકિસ્તાન. ન્યૂઝીલેન્ડ કરતાં તેનો રનરેટ ઓછો છે. પરંતુ, જો પાકિસ્તાન 11 નવેમ્બરે કોલકાતામાં તેની આખરી લીગ મેચમાં ઈંગ્લેન્ડને આવશ્યક મોટા માર્જિનથી હરાવી દે તો સેમી ફાઈનલમાં ભારત સામે રમવા માટે તે ક્વાલિફાય થઈ જાય. પરંતુ, અહીં એક બાબત એ યાદ રાખવાની છે કે આઈસીસી સંસ્થાએ એ જાહેરાત કરી દીધી છે કે સેમી ફાઈનલમાં જો ભારત અને પાકિસ્તાન આમનેસામને આવશે તો તે મેચનું સ્થળ મુંબઈ નહીં રખાય. તે સંજોગોમાં બંને ટીમ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમશે અને બીજા-ત્રીજા ક્રમની ટીમો વચ્ચેની બીજી સેમી ફાઈનલ મેચ મુંબઈમાં રમાશે.

અફઘાનિસ્તાન ટીમ છે ત્રીજી દાવેદાર. તે રનરેટની દ્રષ્ટિએ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન કરતાં ઘણી પાછળ છે. પરંતુ જો એ 10 નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે મોટા માર્જિનથી જીતી જાય તો ભારત સામે સેમીમાં રમવાનો એને મોકો મળી શકે એમ છે. તેથી હવે જોવાનું એ છે કે ભારતીય ટીમને સેમી ફાઈનલમાં ક્યાં, ક્યારેય અને કોની સામે રમવાનું આવે છે.