ત્રીજી ટેસ્ટ મેચઃ NZ 235 રનમાં ઓલઆઉટ, ભારત 86એ ચાર વિકેટ 

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટમાં ન્યુ ઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી કિવી ટીમ 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રવીન્દ્ર જાડેજાને પાંચ વિકેટ મળી હતી. એ પછી ટીમ ઇન્ડિયાએ 86 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલ 31 રન સાથે અને રિષભ પંચ એક રન સાથે દાવમાં છે.

ન્યુ ઝીલેન્ડ વતી ડેરિલ મિશેલે 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 82 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય વિલ યંગે 71 રન બનાવ્યા હતા.  ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી જ્યારે વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. બાકીની એક વિકેટ આકાશ દીપે લીધી હતી.જોકે એ પછી ભારતનો પણ ધબડકો થયો હતો. પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતનો પ્રથમ દાવનો સ્કોર ચાર વિકેટે 86 રન હતો. કિવીઓથી ભારતીય ટીમ હજી 149 રનથી પાછળ હતી.

મેચના પ્રથમ દિવસે  સ્પિનર્સ રવીન્દ્ર જાડેજા (65 રનમાં પાંચ વિકેટ) તથા વોશિંગ્ટન સુંદર (81 રનમાં ચાર વિકેટ) ખૂબ સફળ રહ્યા હતા તો ભારતની ઇનિંગ્સમાં કિવી સ્પિનર એજાઝ પટેલ (33 રનમાં બે વિકેટ) સૌથી સફળ હતો.

કેપ્ટન રોહિત શર્માએ 18 રન)એ ફરી અસંખ્ય ચાહકોને નિરાશ કર્યા હતા. તે પાછો સસ્તામાં આઉટ થઈ ગયો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલ  તથા ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ ભારતની 18મી ઓવરમાં સ્પિનર ઍજાઝ પટેલે યશસ્વીને ક્લીન બોલ્ડ કરીને પાર્ટનરશિપ તોડી હતી.ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ભારતીય બોલર હોવાનો ખિતાબ અનિલ કુંબલે પાસે છે, જેમણે પોતાની શાનદાર કારકિર્દીમાં કુલ 619 વિકેટ લીધી હતી અને 600 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર એકમાત્ર ભારતીય બોલર છે.