સિનિયર ક્રિકેટરો માટે ટીમના દરવાજા બંધ નથી થયા

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા છેલ્લે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી. હવે ટીમ ઇન્ડિયા જુલાઈમાં વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ કરશે. મેન ઇન બ્લુ બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20 મેચોની સિરીઝ રમશે. આ પ્રવાસ માટે ભારતીય ટીમની વનડે અને ટેસ્ટ સિરીઝની ઘોષણા હાલમાં કરી દેવામાં આવી છે, જ્યારે T20ની સ્કવોડ જાહેર થવાની બાકી છે.

ટીમ ઇન્ડિયાની સ્કવોડ જાહેર થયા પછી ભારે ચર્ચા જારી છે. BCCI દ્વારા ટીમમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાં  સિનિયર ક્રિકેટરોને બદલે યુવા ક્રિકેટરોને તક આપવામાં આવી છે. ટેસ્ટ ટીમમાં સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને ઝડપી બોલર ઉમેશ યાદવને ડ્રોપ કરવામાં આવ્યા છે, જ્યારે મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે.

પૂજારા અને યાદવને ડ્રોપ કરવામાં આવ્યા પછી અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બંને ક્રિકેટરોના ખરાબ દેખાવને કારણે તેમને ટીમમાં અલગ કરવામાં આવ્યા છે. જોકે એક અહેવાલ અનુસાર યાદવ અને પૂજારા જેવા કોઈ પણ સિનિયર ક્રિકેટરો માટે ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ નથી કરવામાં આવ્યાં, પણ યાદવને ઇજાને કારણે આરામ આપવામાં આવ્યો છે, જ્યારે પૂજારાને એટલે બહાર રખાયો છે, કેમ કે નવા યુવા ક્રિકેટરોને તક મળે. ટેસ્ટ ટીમમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને સામેલ કરવામાં આવ્યા છે.

જો WTC ફાઇનલ પહેલાં 15 મહિના પછી રહાણેને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકાય તો કોઈ પણ સિનિયર ક્રિકેટરની ટીમમાં વાપસી થઈ શકે છે.