નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)માં ઋતુરાજ ગાયકવાડ, વેંકટેશ ઐયર, હર્ષલ પટેલ અને અવેશ ખાનના શાનદાર દેખાવને કારણે તેમને 16 ખેલાડીઓની ભારતીય ટીમમાં સમાવવામાં આવ્યા છે, જે ન્યુ ઝીલેન્ડ સામે ત્રણ T20 મેચ સિરીઝ રમશે. આ મેચ 17 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં કેપ્ટન તરીકે સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા છે.
વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય મેચોની કેપ્ટનશિપ છોડવાની સાથે ચેતન શર્માની આગેવાની હેઠળની નેશનલ સિલેક્શન કમિટીએ રોહિત શર્માને કેપ્ટન તરીકે પસંદ કર્યા છે. આ સિરીઝમાં કેએલ રાહુલ વાઇસ-કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિરીઝમાં નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હશે, જેઓ રવિ શાસ્ત્રીની જગ્યા લેશે.
આ સિરીઝમાં મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજાને T20 વિશ્વ કપ પછી બ્રેક આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ન્યુ ઝીલેન્ડ સિરીઝમાં હાર્દિક પંડ્યા, શાર્દૂલ ઠાકુર, વરુણ ચક્રવર્તી અને રાહુલ ચહરને બહાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સિરીઝમાં શ્રેયસ ઐયર, દીપક ચહર અને અક્ષર પટેલ તેમ જ યજુવેન્દ્ર ચહેલ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે UAEમાં નિરાજનક દેખાવ પછી ઓસ્ટ્રેલિયામાં રમાનારા આગામી T20 વિશ્વ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ન્યુ ઝીલેન્ડ સામેની T20 સિરીઝની મેચો જયપુર (17 નવેમ્બર), રાંચી (19 નવેમ્બર) અને કોલકાતા (21 નવેમ્બર)એ રમાવાની છે. આ ઉપરાંત ન્યુ ઝીલેન્ડ સામે કાનપુર અને મુંબઈમાં રમાનારી બે ટેસ્ટ મેચો માટે ટીમની જાહેરાત પછી કરવામાં આવશે.