ઈંગ્લેન્ડને 5-વિકેટથી હરાવી ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડકપ-2021ની ફાઈનલમાં

અબુધાબીઃ ન્યૂઝીલેન્ડે આજે અહીંના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 5-વિકેટથી હરાવીને આઈસીસી T20 વર્લ્ડકપ-2021ની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 14 નવેમ્બરે દુબઈમાં રમાનાર ફાઈનલ મેચમાં તેનો મુકાબલો આવતીકાલે દુબઈમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર બીજી સેમી ફાઈનલ મેચની વિજેતા ટીમ સામે થશે.

આજની મેચમાં, ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને ઈંગ્લેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 166 રન કર્યા હતા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઓપનર ડેરિલ મિચેલના અણનમ 72 (47 બોલમાં 4 સિક્સર, 4 બાઉન્ડરી), વિકેટકીપર ડેવોન કોન્વેના 46 અને જેમ્સ નિશમના 27 રન (11 બોલમાં)ની મદદથી 19 ઓવરમાં પાંચ વિકેટે 167 રન કરીને મેચ જીતી લીધી હતી. કોન્વે આઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડને જીતાડવાનો ભાર મિચેલ કદાચ ઉઠાવી નહીં શકે એવું લાગતું હતું ત્યાં નિશમે ધડાધડ 3 સિક્સ ફટકારીને બાજી પલટી નાખી હતી. એ જોઈને મિચેલ પણ વધારે આક્રમક બન્યો હતો અને તેણે પણ બે સિક્સર ઝીંકી દીધી હતી. ટ્વેન્ટી-20 ફોર્મેટમાં મિચેલની આ પહેલી જ હાફ સેન્ચુરી છે. ઓપનર માર્ટિન ગપ્ટીલે 4, કેપ્ટન વિલિયમસને પાંચ, ગ્લેન ફિલિપ્સે 2 રન કર્યા હતા.

ઈંગ્લેન્ડના દાવની વિશેષતા ચોથા ક્રમે આવેલા ડાબોડી બેટ્સમેન અને પાકિસ્તાની મૂળના મોઈન અલીના અણનમ 51 રન હતા જે તેણે 37 બોલમાં, 3 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી બનાવ્યા હતા. ઓપનર-વિકેટકીપર જોસ બટલરે 29, જોની બેરસ્ટોએ 13, ડેવિડ માલને 41, લિઆમ લિવિંગ્સ્ટને 17 રન કર્યા હતા. મોઈન અલી સાથે કેપ્ટન ઓઈન મોર્ગન 4 રન સાથે નોટઆઉટ રહ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]