દુબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં UAEના પ્રવાસે છે. તેમણે અબુ ધાબીમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી. આ દરમિયાન UAEએ ભારતમાં પાંચ અબજ અમેરિકી ડોલરના મૂડીરોકાણની જાહેરાત કરી. આ મૂડીરોકાણ ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, RBL બેંક અને સમ્માન કેપિટલમાં કરવામાં આવશે. ભારત અને UAE વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પણ થયા હતા.
પીએમ મોદીના UAE પ્રવાસ દરમિયાન અનેક મોટા એલાન
પીએમ મોદીના UAE પ્રવાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી. ભારત અને UAE વચ્ચે વ્યૂહાત્મક રક્ષા ભાગીદારી માટે ફ્રેમવર્ક પર સમજૂતી થઈ. આ ઉપરાંત બંને દેશોએ વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર અંગે MoU પર હસ્તાક્ષર કર્યા છે. એલપીજી (LPG) સપ્લાય અને વાડીનારમાં જહાજ મરામત ક્લસ્ટર સ્થાપવા અંગે પણ MoU કરવામાં આવ્યા. એ સાથે જ UAEએ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પાંચ અબજ અમેરિકી ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાંચ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં UAEના અબુ ધાબી પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુ ધાબી પહોંચતાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને UAE એરફોર્સના લડાકુ વિમાનો દ્વારા તેમના વિમાનને એસ્કોર્ટ પણ આપવામાં આવ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ તેને ભારતના લોકો માટે સન્માન ગણાવ્યું. UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા દરમિયાન પીએમ મોદીએ ઉષ્માભર્યા સ્વાગત માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત અને UAE વચ્ચેના સંબંધો સતત મજબૂત બન્યા – પીએમ મોદી
વડા પ્રધાન મોદીએ તાજેતરમાં ભારતમાં આવેલી કુદરતી આપત્તિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે UAEના રાષ્ટ્રપતિએ આપત્તિગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, જેના માટે તેઓ તેમનો આભાર માને છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે મુશ્કેલ સમયમાં UAEનો સહયોગ બંને દેશોની ગાઢ મિત્રતાનું પ્રતીક છે.
VIDEO | PM Narendra Modi (@narendramodi) and United Arab Emirates president Sheikh Mohamed bin Zayed Al Nahyan witness exchange of MoUs between India and UAE, in Abu Dhabi.
PM Modi landed in the UAE earlier today, marking the beginning of a five-nation visit that will also… pic.twitter.com/ESgsS7KmDa
— Press Trust of India (@PTI_News) May 15, 2026
ભારત અને UAE વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંબંધો સતત મજબૂત બન્યા છે. તેમણે કહ્યું હતું કે હોર્મુઝ ખુલ્લું રહેવું અમારી પ્રાથમિકતા છે. અમે UAE પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ. ભારત UAE સાથે મળીને આગળ વધશે અને ભારત UAEની સાથે મજબૂતીથી ઊભું છે.




