સિલિગુડી: પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બન્યા બાદ વહીવટી તંત્ર હવે સતત આકરા નિર્ણયો લઈ રહ્યું છે. આ જ ક્રમમાં સિલીગુડીમાં ગેરકાયદે કબજો અને ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી શરૂ થઈ છે. દાર્જિલિંગના સાંસદ રાજુ બિસ્તાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે શહેરમાં ગેરકાયદે બાંધકામો પર જલદી જ બુલડોઝર ચલાવવામાં આવશે. આ માટે ઉત્તર પ્રદેશમાંથી આશરે બે ડઝન બુલડોઝર મગાવવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. ગુરુવારે સિલિગુડી મહકમા શાસક કચેરીમાં યોજાયેલી મહત્વપૂર્ણ વહીવટી બેઠકમાં આ મુદ્દે નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશમાંથી બે ડઝન બુલડોઝર મગાવવામાં આવી રહ્યા છે
આ બેઠકમાં મહકમા શાસક, પોલીસ કમિશનર, દાર્જિલિંગ જિલ્લાના પોલીસ અધિક્ષક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવી, ગેરકાયદે કબજો દૂર કરવો, માદક પદાર્થોની હેરાફેરી રોકવી તેમ જ ગેરકાયદે દારૂની દુકાનો, બાર અને પબ સામે કાર્યવાહી અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ સાંસદ રાજુ બિસ્તાએ મિડિયાને જણાવ્યું હતું કે સિલિગુડીમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામો થયાં છે અને તેને કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે આ ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ઉત્તર પ્રદેશમાંથી બે ડઝન બુલડોઝર મગાવવામાં આવી રહ્યા છે, જેથી અભિયાન ઝડપથી ચલાવી શકાય.
નગર નિગમ ગેરકાયદે બાંધકામો રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ
રાજુ બિસ્તાએ સિલિગુડી નગર નિગમની કામગીરી પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે નગર નિગમ ગેરકાયદે બાંધકામો રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ જલદી જ નગર નિગમના અધિકારીઓ સાથે બેઠક કરીને આ મુદ્દે જવાબ માગશે. ભાજપ નેતાએ ચેતવણી આપતા કહ્યું હતું કે સરકારી જમીન, નદી કિનારા અને શહેરના અન્ય વિસ્તારોમાં થયેલા તમામ ગેરકાયદે કબજાઓ જલદી દૂર કરવામાં આવે, નહીં તો પ્રશાસન બુલડોઝર ચલાવી આ બાંધકામોને ધરાશાયી કરશે. સાંસદે વધુમાં કહ્યું હતું કે શહેરમાં માદક પદાર્થોના વેપાર, ગેરકાયદે નદી ખનન, ગેરકાયદે ટોલ વસૂલી અને જમીન દલાલી જેવા મામલાઓમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન થઈ હતી ‘યોગી મોડલ’ લાગુ કરવાની વાત
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ અનેક વખત રાજ્યમાં ‘યોગી મોડલ’ લાગુ કરવાની વાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી યોગીના કાર્યકાળ દરમિયાન ગુનેગારો અને ગેરકાયદે કબજેદારો સામે બુલડોઝર કાર્યવાહી ખૂબ ચર્ચામાં રહી હતી.




