બેંગલુરુઃ બેંગલુરુ સ્થિત રાજેશ એક્સપોર્ટ્સ વર્ષો સુધી ભારતની સૌથી સફળ કંપનીઓમાંની એક ગણાતી હતી. કંપની સોના અને અન્ય કીમતી ધાતુઓનું રિફાઇનિંગ કરતી હતી, વિશ્વભરમાં જ્વેલરીનું નિકાસ કરતી હતી અને તેની વાર્ષિક આવક ઘણી વખત ભારતની સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓમાં ગણાતી હતી, પરંતુ હવે કંપનીની આ સફળતાની વાર્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કંપની પર રૂ. 15 લાખ કરોડની ખોટી કમાણી બતાવવાનો આરોપ છે. સેબી (SEBI) દ્વારા કરવામાં આવેલી તપાસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કંપની ગ્રુપ સ્તરે જે આવક દર્શાવી રહી હતી, તેનો મોટો હિસ્સો વાસ્તવિક રેકોર્ડ અને ઉપલબ્ધ દસ્તાવેજોથી ચકાસી શકાયો નથી.
SEBIની કાર્યવાહી બાદ શેરમાં ભારે ઘટાડો, લાગી લોઅર સર્કિટ
SEBIએ કંપની અને તેના પ્રમોટર રાજેશ મહેતા સામે વચગાળાનો આદેશ જાહેર કર્યા બાદ ગુરુવારે રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં પાંચ ટકા સુધીનો ઘટાડો નોંધાયો અને શેર લોઅર સર્કિટ પર પહોંચ્યો હતો.
SEBIએ કંપની પર વ્યાપક નાણાકીય અનિયમિતતાઓ, તપાસમાં સહકાર ન આપવાનો અને આવક વધારીને દર્શાવવાના આરોપો લગાવ્યા છે. માર્કેટ રેગ્યુલેટરે પોતાના 109 પાનાંના વચગાળાના આદેશમાં જણાવ્યું છે કે તપાસ દરમિયાન નાણાકીય હિસાબોમાં ખોટી માહિતી આપવાના, વ્યક્તિગત ખાતાઓ અને સંબંધિત સંસ્થાઓ મારફતે યોગ્ય ખુલાસા કે આધારભૂત દસ્તાવેજો વિના નાણાંની હેરફેર અને લેયરિંગ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
સેબીએ 30 દિવસમાં યોગ્ય દસ્તાવેજો માગ્યા
સેબીએ કંપની (REL) અને રાજેશ મહેતાને તપાસ અધિકારી સાથે સંપૂર્ણ સહકાર આપવા અને 30 દિવસની અંદર માગવામાં આવેલા તમામ દસ્તાવેજો તથા સ્પષ્ટીકરણો રજૂ કરવા સૂચના આપી છે. પૂર્વ ફોરેન્સિક તપાસ દરમિયાન કંપની તરફથી પૂરતો સહકાર ન મળ્યો હોવાને કારણે સેબીએ કંપનીના હિસાબોની તપાસ પૂર્ણ કરવા માટે નવા ફોરેન્સિક ઓડિટરની નિમણૂક કરવાનો પણ આદેશ આપ્યો છે.

કંપનીએ આપ્યું સ્પષ્ટીકરણ
કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું છે કે અમને 03/06/2026એ સેબી તરફથી એક વચગાળાનો આદેશ મળ્યો છે. અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આ માત્ર વચગાળાનો આદેશ છે અને સેબીએ હજુ સુધી કોઈ મુદ્દે અંતિમ નિષ્કર્ષ આપ્યો નથી. કંપની દ્વારા દર્શાવવામાં આવેલી આવક સંપૂર્ણપણે સાચી છે અને તેને વધારીને રજૂ કરવામાં આવી નથી. સેબી અને કંપની વચ્ચે સંદેશવ્યવહારની ખામી તથા કેટલીક ગેરસમજ જણાઈ રહી છે. કંપની તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરીને સેબી સમક્ષ તમામ મુદ્દાઓ સ્પષ્ટ કરવાની પ્રક્રિયામાં છે.



