ધાર ભોજશાળા મંદિર છેઃ  હાઇકોર્ટે વિવાદિત સ્થળને મંદિર જાહેર કર્યું

ઇન્દોરઃ ધાર ભોજશાળા મામલે ઇંદોર હાઇકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ભોજશાળા પરિસર એક મંદિર છે. કોર્ટે જણાવ્યું હતું કે ભોજશાળા પરિસર-કમાલ મસ્જિદનો વિવાદિત વિસ્તાર એક મંદિર અને સંસ્કૃત શિક્ષણનું કેન્દ્ર છે. કેન્દ્ર સરકાર દેવી સરસ્વતીની મૂર્તિ લાવી શકે છે. જોકે અહીં ASIનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે.

ભોજશાળામાં હવે માત્ર પૂજા જ થશે

ઇંદોર હાઇકોર્ટના આદેશ અનુસાર હવે અહીં માત્ર પૂજા જ થઈ શકશે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને  જણાવ્યું હતું કે કોર્ટે સરકારને આ પરિસરની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે. હવે આ પરિસરમાં માત્ર પૂજા જ થઈ શકશે. અહીં સરસ્વતી મંદિર છે. આ મામલે કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યું છે કે આ પરિસર પર તેમનો કોઈ અધિકાર નથી. જોકે કમાલ મસ્જિદ માટે મુસ્લિમ પક્ષ સરકાર પાસે અલગ જગ્યા માગી શકે છે.

 હિંદુ પક્ષના વકીલે શું કહ્યું?

વિષ્ણુ શંકર જૈને જણાવ્યું છે કે ભોજશાળાની સંપૂર્ણ ઇમારત રાજા ભોજ દ્વારા બનાવવામાં આવી હતી. કોર્ટે પૂજા-પાઠનો અધિકાર આપ્યો છે. હવે આ પરિસરમાં માત્ર પૂજા થશે, નમાજની મંજૂરી નહીં હોય. કોર્ટે પણ કહ્યું કે આ કમાલ મૌલા મસ્જિદ નથી. મુસ્લિમ સમાજ સરકાર સમક્ષ પોતાની માગ મૂકી શકે છે અને સરકાર તેમને વૈકલ્પિક જમીન આપી શકે છે.

 ‘મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટ જશે’

હાઇકોર્ટના આ નિર્ણય પર ધારના શહેરના કાજીએ જણાવ્યું હતું કે તેઓ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું હતું કે અમે હાઇકોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. સલમાન ખુરશીદે મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રજૂ કરી હતી. હવે અમે ચુકાદાનો અભ્યાસ કરીશું અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. અમને સુપ્રીમ કોર્ટથી ન્યાયની આશા છે.

ઇંદોર હાઇકોર્ટે ASIની રિપોર્ટ પર વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ રિપોર્ટને આધારે ભોજશાળા એક મંદિર છે. હિંદુ પક્ષની માગ સ્વીકારીને કોર્ટે મુસ્લિમોને નમાજની મંજૂરી આપતો ASIનો અગાઉનો આદેશ રદ કર્યો છે.

 શું છે ભોજશાળા વિવાદ?

ભોજશાળાનો ઇતિહાસ 11મી સદીથી શરૂ થાય છે. માનવામાં આવે છે કે અહીં દેવી સરસ્વતીનું મંદિર હતું. 12મી અને 13મી સદી દરમિયાન આ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ અહીં એક મકબરો બનાવાયો તથા નજીકમાં મસ્જિદનું નિર્માણ થયું હતું.