કેટરિના કૈફ લગ્ન માટે સંપૂર્ણ રીતે તૈયારઃ અક્ષયકુમાર

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિક્કી કૌશલનાં લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. આ વર્ષના ડિસેમ્બરમાં બંને લગ્ન કરી લે એવી શક્યતા છે. બંને પરિવારોએ લગ્નની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જોકે કેટરિના કે વિક્કીએ લગ્ન વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પણ બંને લગ્નના બંધનમાં બંધાવાના સમાચાર બોલીવૂડ જગતમાં પ્રસરેલા છે. હવે કેટરિનાનાં લગ્નને લઈને અક્ષયકુમારે મોટી વાત કરી છે.

કેટરિના કૈફ અને અક્ષયકુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ રિલીઝ થઈ છે. બંને સ્ટાર આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. બંને સ્ટાર ફિલ્મના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યા હતા. જેનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયોમાં કપિલ કેટરિનાને એક સવાલ પૂછી રહ્યો છે.

કપિલ શર્મા કેટરિના કૈફને રસોડામાં વપરાતાં વાસણોનાં અને અન્ય ચીજવસ્તુઓનાં નામ પૂછે છે. એ શોમાં કપિલ ‘કડછી’, ‘ખમણી’ અને ‘ચીપિયો’  વગેરેનાં નામ પૂછે છે, ત્યારે કેટરિના બધી ચીજવસ્તુઓનાં નામના સાચા જવાબ આપે છે. જેથી ખુશ થઈને અક્ષયકુમાર કહે છે કે હવે કેટરિના લગ્ન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.  અક્ષય અને કેટરિનાનો આ વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને આ વિડિયો પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ આ વર્ષે 7-9 ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરી લેશે. બંનેનાં લગ્ન રાજસ્થાનના સિક્સ સેન્સેજ બરવારા ફોર્ટમાં થશે. કેટરિનાનો લહેંગો સવ્યસાચી ડિઝાઇન તૈયાર કરી રહ્યા છે.