‘સેબી’એ NSEના ટોચના અધિકારીઓને મોકલી કારણદર્શક નોટિસ

નવી દિલ્હીઃ ગત ૨૪મી ફેબ્રુઆરીએ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)માં સર્જાયેલી અસાધારણ મોટી ટેક્નિકલ ખામી સંબંધે સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા ‘સેબી’એ એક્સચેન્જના ટોચના અધિકારીઓને કારણદર્શક નોટિસ મોકલી છે. સેબીએ ટ્રેડિંગની વ્યવસ્થામાં ઊભી થયેલી ખામી બદલ પહેલી વાર એક્સચેન્જના કર્મચારીને વ્યક્તિગત રીતે જવાબદાર ગણ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આધારભૂત વર્તુળોએ જણાવ્યા મુજબ સ્ટૉક એક્સચેન્જને લગતાં સેબીનાં ધોરણોનું ઉલ્લંઘન થયું એ બદલ નોટિસો મોકલવામાં આવી છે. એક્સચેન્જમાં ટ્રેડિંગમાં પડેલો ખોટકો સેવાની કમી ગણાવાઈ છે અને દેખરેખની વ્યવસ્થા પૂરતી નહીં હોવાનું કહેવામાં આવ્યું છે. સેબી આ ઘટના સંબંધે સંસ્થાકીય સ્તરે એનએસઈની ભૂમિકા બાબતે તપાસ કરી રહી છે.

અહીં જણાવવું રહ્યું કે ૨૪મી ફેબ્રુઆરીએ દેશના સૌથી મોટા એક્સચેન્જ એનએસઈમાં ટ્રેડિંગ અટકી પડ્યું હતું. ટેલીકોમ પ્રોવાઇડરોના નેટવર્કમાં ખામી સર્જાવાથી આમ થયું હોવાનું એક્સચેન્જે જણાવ્યું હતું. એક્સચેન્જની બૅક અપની વ્યવસ્થા પણ એ વખતે કામે આવી નહીં તેથી ચાર કલાક કરતાં વધુ સમય સુધી કામકાજ ઠપ રહ્યું હતું.

એક્સચેન્જમાં કોઈ પણ ખામી સર્જાય તો નિશ્ચિત સમયની અંદર કામકાજ ડિઝાસ્ટર રિકવરી સાઇટ મારફતે થવું જોઈએ એવો નિયમ છે. આમ છતાં એ દિવસે એવું થઈ શક્યું નહીં અને એક્સચેન્જે કામકાજ બંધ રાખ્યું હતું.

નોંધનીય છે કે એનએસઈ સેબીના નિયમો મુજબનું બૅક અપ સર્વર ચેન્નઈમાં ધરાવે છે. મુંબઈમાં પ્રાથમિક સર્વરમાં કોઈ સમસ્યા સર્જાય તો ટ્રેડિંગ આ બૅક અપ સર્વર મારફતે થવું જોઈએ. જોકે, ૨૪મી ફેબ્રુઆરીએ એક્સચેન્જે બૅક અપ સર્વરનો પણ ઉપયોગ કર્યો ન હતો અને એ બાબત સરકાર તથા સેબીને પસંદ પડી ન હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]