કોરોના-વિરોધી-ગોળી ‘મોલનૂપીરાવીર’ને ભારત કદાચ આગામી-દિવસોમાં મંજૂરી આપશે

નવી દિલ્હીઃ અમેરિકન બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની Merck દ્વારા નિર્મિત કોરોનાવાઈરસ બીમારી-વિરોધી એન્ટીવાઈરલ ગોળી ‘મોલનૂપીરાવીર’નો તાકીદની પરિસ્થિતિમાં ઉપયોગ કરવા માટે ભારત સરકાર આગામી દિવસોમાં મંજૂરી આપે એવી શક્યતા છે. કોવિડ સ્ટ્રેટેજી ગ્રુપના ચેરમેન ડો. રામ વિશ્વકર્માએ આમ જણાવ્યું છે.

દુનિયામાં કોરોના બીમારીની સારવાર માટે ગોળી (ટેબલેટ)ની ફોર્મેટવાળી આ પહેલી જ દવા છે. અત્યારે દુનિયાભરમાં કોરોનાનો ફેલાવો રોકવા માટે રસી આપવામાં આવી રહી છે. મોઢેથી લેવાની ‘મોલનૂપીરાવીર’ પુખ્ત વયનાં લોકો માટેની જ છે અને કોરોના થયો હોય એમણે જ લેવાની રહેશે. આ ગોળી લેવાથી કોરોનાનાં દર્દીને હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર કરાવવાની જરૂર નહીં રહે. આવા જ પ્રકારની કોરોના-વિરોધી ગોળી અમેરિકાની અન્ય મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરએ પણ બનાવી છે. એનું નામ છે ‘પેક્સલોવોઈડ’. આ ગોળીને પણ આગામી સમયમાં મંજૂરી મળવાની ધારણા છે. આ બે ગોળીને મંજૂરી મળવાથી ભારતમાં કોરોના રોગચાળાનો સામનો કરવામાં ઘણી મદદ મળશે. મર્કની ‘મોલનૂપીરાવીર’ ગોળી આવતા મહિનાથી ભારતમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. આ ગોળી મર્ક અને રીજબેક બાયોથેરાપ્યુટિક્સ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. ‘મોલનૂપીરાવીર’ કોરોનાથી મૃત્યુ થવાના જોખમને અડધું કરી નાખે છે. આ ગોળી કોરોના સંક્રમણના લક્ષણ જણાય અને કોરોના સંક્રમણ થઈ જાય એના પાંચ દિવસની અંદર ખાઈ શકાય છે. આ એન્ટીવાઈરલ ગોળી દિવસમાં બે વાર અને પાંચ દિવસ સુધી લેવાની હોય છે.