નવી દિલ્હીઃ દેશમાં દવાઓના ભાવ વધશે. સરકારે દવાઓની કિંમતોમાં લગભગ 0.65 ટકા સુધીનો વધારો કરવાની મંજૂરી આપી છે. વર્ષ 2025 માટેના હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) ના આધારે દવાઓના ભાવ વધારવાની છૂટ આપવામાં આવી છે. આ આદેશ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
જે મુજબ દવા કંપનીઓ હવે નક્કી કરાયેલી ફોર્મ્યુલા મુજબ દવાઓની MRP વધારી શકશે અને તેના માટે તેમને સરકાર પાસેથી અલગથી મંજૂરી લેવાની જરૂર નહીં રહે. સરળ શબ્દોમાં કહીએ તો હવે કેટલીક જરૂરી દવાઓ થોડીઘણી મોંઘી થઈ શકે છે, કારણ કે કંપનીઓને દર વર્ષે મોંઘવારી મુજબ ભાવ વધારવાની છૂટ આપવામાં આવી છે.
દવાઓના ભાવ કેમ વધારવામાં આવી રહ્યા છે?
ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) ના ચેરમેન બ્રિજેશ ગોયલે અગાઉ જણાવ્યું હતું કે જો યુદ્ધની પરિસ્થિતિ ચાલુ રહેશે તો દિલ્હીનો વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં લગભગ 5000 કરોડ રૂપિયાના વેપાર અસરગ્રસ્ત થઈ શકે છે. ભાગીરથ પેલેસના મેડિકલ સર્જિકલ સામાનના હોલસેલર મુકેશ ભસીનના જણાવ્યા મુજબ પ્લાસ્ટિકના કાચા માલના ભાવ વધતા પેકેજિંગ ખર્ચ વધી ગયો છે, જેને કારણે મેડિકલ ઉપકરણો પણ મોંઘાં થયાં છે.
કાચા માલ અને પેકેજિંગનો ખર્ચ વધ્યો
ઘણા જરૂરી કાચા માલ, કેમિકલ ઘટકો, પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમના ભાવમાં વધારો થયો છે, જેને કારણે દવા કંપનીઓની ઉત્પાદન કિંમત વધી રહી છે. ટેબ્લેટ અને સિરપના ઉત્પાદન ઉપરાંત તેમની પેકેજિંગમાં પણ પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

કઈ દવાઓના ભાવ કેટલા વધશે?
તાજેતરમાં સામાન્ય ઉપયોગમાં આવતી દવાઓના કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં
પેરાસિટામોલના કાચા માલના ભાવમાં લગભગ 47 ટકાનો વધારો
પેઇનકિલર ડાયક્લોફેનેકમાં 54 ટકાનો વધારો
ડાયક્લોફેનેક પોટેશિયમમાં 33 ટકાનો વધારો
એમોક્સિસિલિન ટ્રાઇહાઇડ્રેટમાં 45 ટકાનો વધારો
સિપ્લોફ્લોક્સાસિનમાં લગભગ 60 ટકા સુધીનો વધારો
આ ઉપરાંત રોજિંદા ઉપયોગના મેડિકલ સાધનો જેમ કે સિરિંજ અને થર્મોમીટરના ભાવમાં પણ વધારો નોંધાયો છે. સ્પષ્ટ છે કે દવાઓના ભાવ વધવાથી સામાન્ય લોકોના ખર્ચ પર સીધી અસર પડશે.




