રોનાલ્ડોની કાંડાઘડિયાળ BMW, ફેરારી કાર કરતાંય મોંઘી

લિસ્બનઃ પોર્ટુગલ અને માન્ચેસ્ટર યૂનાઈટેડ ક્લબના સુપરસ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો એના કાંડામાં જે ઘડિયાળ પહેરે છે એની કિંમત વાંચીને આંખો પહોળી થઈ જશે. તેની રિસ્ટવોચ આશરે રૂ. 3 કરોડ 70 લાખની કિંમતની છે.

રોનાલ્ડો દુનિયાના સૌથી ધનવાન ખેલાડીઓમાંનો એક છે. એને મોંઘીદાટ કાંડાઘડિયાળ પહેરવાનો ભારે શોખ છે. એના કાંડા પર હાલમાં જ GMT-Master II Ice ઘડિયાળ જોવા મળી હતી જે સૌથી મોંઘી રોલેક્સ ઘડિયાળ છે. આ ઘડિયાળ પાંચ લાખ ડોલર (આશરે 3 કરોડ 70 લાખ રૂપિયા)ની કિંમતની છે. આ ઘડિયાળની સામે ફેરારી કંપનીની રોમા અને પોર્ટફોલિયો મોડેલની કારની કિંમત ભારતમાં રૂ. 3 કરોડ 50 લાખ જેટલી છે. એવી જ રીતે, BMW કંપનીની ટોચની મોડેલની કાર M8 ભારતમાં આશરે રૂ. 2 કરોડ 20 લાખમાં મળે છે.

રોનાલ્ડોની આ કાંડાઘડિયાળ 18-કેરેટ વ્હાઈટ ગોલ્ડની છે અને એમાં 30 કેરેટના હિરા જડેલા છે. ઘડિયાળના બ્રેસલેટની બંને બાજુએ પણ હિરા જડેલા છે. 36 વર્ષીય રોનાલ્ડો હાલ આશરે 50 કરોડ ડોલરની સંપત્તિનો માલિક હોવાનું કહેવાય છે. એની સાપ્તાહિક કમાણી 4,80,000 પાઉન્ડ છે. એ ઘણી વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડની જાહેરખબર કરીને પણ ખૂબ પૈસા કમાય છે. સ્પોર્ટ્સ બ્રાન્ડ નાઈકી સાથે એણે ખૂબ મોટી રકમનો આજીવન કરાર કર્યો છે. તે ઉપરાંત એ ઘણી હોટેલ, જિમ્નેશિયમ્સ અને ફેશન બ્રાન્ડ CR7નો માલિક પણ છે.

(તસવીર સૌજન્યઃ ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ટ્વિટર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]