નોબેલ-વિજેતા મલાલાએ બ્રિટનમાં અસર મલિક સાથે લગ્ન-કર્યાં

બર્મિંઘમ (બ્રિટન): મૂળ પાકિસ્તાનનાં અને કન્યા શિક્ષણનાં હિમાયતી તથા 2014માં 17 વર્ષની વયે નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝઈએ લગ્ન કર્યાંની ટ્વિટર પર જાહેરાત કરી છે. 24-વર્ષીય મલાલાએ અસર મલિક સાથે બર્મિંઘમમાં એમનાં ઘેર ગઈ કાલે લગ્ન કર્યાં છે. એમણે અસર મલિક સાથેની તેમજ પોતાનાં પરિવારજનો સાથેની તસવીરો પોતાનાં ટ્વિટર હેન્ડલ પર શેર પણ કરી છે. તે સાથેની કેપ્શનમાં એમણે લખ્યું છેઃ ‘આજનો દિવસ મારાં જીવનનો મૂલ્યવાન દિવસ છે. મેં અને અસરે જીવનસાથી બની રહેવા માટે લગ્ન કર્યાં છે. અમે બર્મિંઘમમાં ઘેર અમારાં પરિવારજનો સાથે નિકાહનો નાનો પ્રસંગ ઉજવવ્યો હતો. કૃપા કરીને અમને તમારી શુભેચ્છા અને આશીર્વાદ આપો. અમે આગળની સફરમાં સાથે ચાલવા માટે ઉત્સાહિત છીએ.’ લગ્ન માટે મલાલા પર દુનિયાભરમાંથી શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો, એપલ કંપનીના સીઈઓ ટીમ કૂક, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટનનાં લેખિકા-પુત્રી ચેલ્સી ક્લિન્ટન સહિત અનેક નામાંકિત વ્યક્તિઓએ એમને સોશિયલ મિડિયા મારફત શુભેચ્છા આપી છે.

કોણ છે અસર મલિક?

મલાલાનાં પતિ કોણ છે એ વિશે દુનિયાભરનાં લોકોને ઉત્કંઠા જાગી છે. લિન્ક્ડઈન પ્રોફાઈલ અનુસાર, અસર મલિક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના હાઈ પરફોર્મન્સ વિભાગના જનરલ મેનેજર છે. તેઓ આ કંપનીમાં 2020ના મે મહિનામાં જોડાયા હતા. તેઓ આ પહેલાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ક્રિકેટ સ્પર્ધાની મુલતાન સુલતાન્સ ટીમના ઓપરેશન મેનેજર હતા. આ ઉપરાંત તેઓ એક પ્લેયર મેનેજમેન્ટ એજન્સી પણ ચલાવે છે. એમણે 2012માં લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સીસમાંથી ઈકોનોમિક્સ અને પોલિટીકલ સાયન્સ વિષયોમાં ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું હતું. તેઓ ડ્રામાલાઈન નામની એક સંસ્થાના પ્રમુખ પણ હતા, જે સંસ્થાએ નાટકોનું નિર્માણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં કન્યા શિક્ષણની હિમાયત કરવા બદલ મલાલા પર 2012માં તાલિબાન સંગઠન તરફથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એમને માથામાં ગોળી મારીને ઠાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એ હુમલામાં તે બચી ગયાં હતાં. બાદમાં બ્રિટનમાં લાંબા સમયની સારવાર બાદ એ સાજાં થયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]