નોટઆઉટ@80: નટવરલાલ સોમાણી

સંસ્કૃત સાથે B.A. પછી B.Com અને CA સુધી ભણેલા નટવરલાલ સોમાણીએ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી. ધાર્મિક માતા અને પ્રેમાળ મામાની સાથે બાળપણ વિતાવ્યું. બી.કોમ પછી આર્થિક રીતે કુટુંબને મદદરૂપ થવા બેંકમાં નોકરી સ્વીકારી. સાયકલ ઉપર મેગેઝિનો ઘેર-ઘેર પહોંચાડી લાઇબ્રેરી ચલાવી. બાની ઈચ્છા  મુજબ CA  જલદી પૂરું કરવા એ મુંબઇ આવ્યા. ફ્લોરા-ફાઉન્ટનની એક હોસ્ટેલમાં એડમિશન મળ્યું. સવારનું જમવાનું હોસ્ટેલમાં રહેતું અને સાંજે ઓડિટમાં જે નાસ્તા-પાણી મળે તેનાથી ચલાવી લેતા. છેવટે સીએ બન્યા.

એમની સાથેની વાતચીતનો એક્સ-રેઃ

જીવનનો યાદગાર પ્રસંગ

ઓડિટમાં જતા-જતા એક દિવસ એક યુવાન મળ્યો. કહે, બહુ ભૂખ લાગી છે. જમવાનું આપો. પાસે પૈસા હતા નહીં. મેં કીધું, જમવાના સમયે હોસ્ટેલ આવી જજે. એ આવી ગયો.  મારી થાળી રૂમમાં મંગાવી બંને અડધી-અડધી  થાળી જમ્યા. આવું અઠવાડિયા સુધી ચાલ્યું. એક દિવસ એના પિતા એની સાથે આવ્યા અને મારો ખૂબ ખૂબ આભાર માન્યો. તે ઘેરથી ભાગી ગયો હતો. મેં જમાડ્યો એટલે જ બચી ગયો તેવું તેના પિતાનું માનવું હતું!

તે સમયે CAનું પરિણામ છાપામાં આવતું. અમારૂં  પરિણામ આવ્યું, પણ છાપામાં મારો નંબર નહીં! હું ખૂબ દુઃખી થઈ ગયો. મારા પરિવારને પડતી અગવડો યાદ આવી એટલે ત્રણ દિવસ ઉપવાસ રાખ્યા. ત્રણ-ચાર દિવસ પછી CAનું પરિણામ ફરીવાર છાપામાં છપાયું, ભૂલચૂક સુધારીને.  આશ્ચર્ય અને આનંદ સાથે હું પાસ થઈ ગયો હતો!  ધર્મમાં શ્રદ્ધા વધુ સ્થિર થઈ ગઈ.

લગ્ન બહુ સાદગીથી કર્યા. ઘરની અગાસીમાં! જાનમાં માત્ર બે વડીલોને લઈ ગયો હતો. લગ્ન પછી  અમદાવાદ અને વડોદરામાં ઘણી નોકરી કરી. એસ.એસ. એન્જિનિયર્સ, અમુલ, સારાભાઈ અને છેલ્લે PRL અને ISRO. થોડો વખત કોચિંગ ક્લાસ ચલાવવાનો અઘરો અનુભવ પણ લીધો!

ઈસરોમાં હતો ત્યારે ત્રિવેન્દ્રમ ખાતે પોસ્ટીંગ હતું. ત્યાં અપંગ માનવ મંડળ અને અનાથાશ્રમમાં ઘણીવાર જતો. એક અપંગ હસમુખ બાળકી સાથે સારો પરિચય થઈ ગયો હતો. તેને સ્પેસ-સેન્ટર જોવાનું બહુ મન હતું. બાળકોને સ્પેસ-સેન્ટર બતાવવાનો પ્રસ્તાવ મેં ઓફિસમાં મૂક્યો. મારી અરજી તો શામળજીએ સ્વીકારી લીધી! કંપનીની ચાર બસ અનાથાશ્રમ પહોંચી ગઈ. બાળકો બસોમાં ગોઠવાઈ ગયાં, પણ પેલી અપંગ બાળકી ક્યાં ગઈ કોઈ? એને લઈ જવા કોઈ  તૈયાર ન હતું. કોણ એને સંભાળે? મને લાગ્યું કે મારી બધી મહેનત પાણીમાં?! અનાથાશ્રમના બગીચાની ઝાડીમાંથી એક ખ્રિસ્તી નન દોડતાં આવ્યાં. મેં તેમને ક્યારેય જોયા ન હતાં. તેમણે આ બાળકીની જવાબદારી ઉપાડી લીધી અને બાળકોને  સ્પેસ-સેન્ટર બતાવવાનો પ્રોગ્રામ પાર પડ્યો. જાણે ભગવાન ખ્રિસ્તી નન થઈને આવ્યા હતા!

નિવૃત્તિની પ્રવૃત્તિ

વાંચવાનો, લખવાનો અને ખાવાનો બહુ શોખ છે!  1980માં ઓફિસના કામે ટુર પર હતો અને અહીં ભાઈનું મૃત્યુ થયું. સ્વપ્નું આવ્યું અને શ્રદ્ધાંજલિની કવિતા જાણે શબ્દેશબ્દ દેખાઈ! પછી તો વારે-તહેવારે અને પ્રસંગો પર કવિતા લખવાનું શરૂ કર્યું. નિવૃત્તિમાં કુટુંબી વિમળાબેન સાથે ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું. સમય સાથે ધર્માદા અને દાનવૃત્તિ વધી.

નવી ટેકનોલોજીનો ઉપયોગ

નવી ટેકનોલોજીના ઉપયોગની વિરુદ્ધ નથી. ઘરમાં પણ બાળકો નવી ટેકનોલોજીથી ઘણું કામ કરે છે. પુત્રવધૂ મોટી ટેકનોલોજી કંપનીમાં ઊંચા હોદ્દા પર ફરજ બજાવે છે. કામ કરતો ત્યારે હાથ નીચેનો સ્ટાફ ઘણી મદદ કરતો જેથી જાતે કોમ્પ્યુટર પર કામ કરવાનું ઓછું આવતું. નવી ટેકનોલોજીના ફાયદા અને ગેરફાયદા ઘણા છે. પણ, માણસ નવું વિચારતો બંધ થઈ જાય છે એ સૌથી મોટો ગેરફાયદો છે.

શું ફેર પડ્યો લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આર્થિક સંકડામણ છતાં ગરીબીની  કોઈ તકલીફ નથી જોઈ. કોઈ પણ જાતનો ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ આવ્યો નથી.  આજના યુવાનો દેખાદેખીને લીધે ખોટા રવાડે ચડી જાય છે અને તેથી મધ્યમ વર્ગના બાળકો પણ ઇન્ફિરિયર કોમ્પલેક્સમાં જીવે છે. અમે ગરીબીમાં જીવ્યા અને આજે છોકરાઓ પાસે પૈસાની છાનાછાન છે! પૈસાની છતથી જે પ્રશ્નો થાય છે તે અછતથી  થતાં પ્રશ્નોથી સાવ જૂદા છે, પણ  બાળકોને જે કામ કરવું હોય તે કરવા દેવું  અને આડો હાથ કરવો નહીં.

આજની પેઢી સાથે સંકળાયેલાં છો?

હા, સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ એટલે નાની બે પેઢી સાથે સંકળાયેલા છીએ. બાળકો સંયુક્ત કુટુંબમાં રહી સામાજિક અને ધાર્મિક સંસ્કારો મેળવે છે જે નવી પેઢીને ખબર જ નથી.

આપનો સંદેશ

સંદેશો? અરે! હું તો હજુ યુવાન છું! રિટાયર થઇ સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ છે બધી જ એક્ટિવિટીમાં સક્રિય છું. આ પ્રવૃત્તિઓ જ મને યુવાન રાખે છે.

(દર્શા કીકાણી)