દુબઈઃ ક્રિકેટની રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ વર્લ્ડ કપ-2023ની સમાપ્તિ બાદ આઈસીસી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. એમાં કેપ્ટન તરીકે રોહિત શર્માને પસંદ કર્યો છે. આ ઈલેવનમાં ભારતના છ ખેલાડી છે, જેમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વિરાટ કોહલીનો પણ સમાવેશ છે.
અમદાવાદમાં ગઈ કાલે રમાઈ ગયેલી વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું, પણ રોહિત શર્માએ ટીમની સરસ રીતે દોરવણી કરી હતી અને પોતે નિર્ભયતાપૂર્વક બેટિંગ કરી હતી. આ બંને ગુણ માટે તેની ક્રિકેટજગતમાં પ્રશંસા થઈ છે. ટુર્નામેન્ટમાં એ સૌથી વધુ રન કરનાર બેટર્સની યાદીમાં બીજા ક્રમે રહ્યો – 597 રન કરીને. પહેલા ક્રમે વિરાટ કોહલી રહ્યો – 765 રન સાથે. રોહિતે 1 સેન્ચૂરી અને ત્રણ હાફ સેન્ચૂરી ફટકારી હતી. 11 મેચોમાં એની બેટિંગ સરેરાશ રહી 54.27 રનની. કોહલીએ ત્રણ સદી અને બે અડધી સદી ફટકારી હતી.
આ છે આઈસીસીની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટઃ
- રોહિત શર્મા (કેપ્ટન)
- ક્વિન્ટન ડી કોક
- વિરાટ કોહલી
- ડેરીલ મિચેલ
- કે.એલ. રાહુલ (વિકેટકીપર)
- ગ્લેન મેક્સવેલ
- રવિન્દ્ર જાડેજા
- જસપ્રિત બુમરાહ
- મોહમ્મદ શામી
- એડમ ઝેમ્પા
- દિલ્શાન મદુશંકા.
- (12મો ખેલાડીઃ જેરાલ્ડ કોએટ્ઝી)